મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગર બાળ કેળવણીની પ્રતિષ્ઠિત સંસ્થા - દક્ષિણામૂર્તિના શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરતા બાળ સશકિતકરણ માટે ગુજરાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી કાર્યરત કરવા માટે કરેલી પહેલ સમાજના આવતીકાલને વધુ સુરક્ષિત બનાવશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ‘‘આપણી સંયુકત કુટુંબપ્રથા તૂટી છે અને વિભકત કુટુંબો વિકસ્યા છે ત્યારે બાળકની ઉપેક્ષિત સ્થિતિ, આવતીકાલના સમાજ માટે નવા સંકટો પેદા કરે તે પહેલા બાળકોની ચિન્તા કરવા સમાજે સ્વયંભૂ જાગૃત બનવું જ પડે એ સમયની માંગ છે.''
સને 1910માં પ્રખર કેળવણીકાર સ્વ.નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી બાળકેળવણીનું આ શૈક્ષણિક સંકુલ આજે ભારતીય સંસ્કાર મૂલ્યોના સિંચનમાં વટવૃક્ષ બની છે તેમાં સર્વ શ્રી ગિજુભાઇ બધેકા, હરનભાઇ ત્રિવેદી, તારાબેન મોડક સહિત અનેક કેળવણીકારોની સો વર્ષની સાધનાનું તપસ્વી શ્રેય રહેલું છે.
દક્ષિણામૂર્તિના શતાબ્દી મહોત્સવ પ્રસંગે પૂર્વ શિક્ષકો અને પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે જેમણે આ સંસ્થાના વિકાસ ઘડતર યાત્રામાં યોગદાન આપ્યું છે તે સહુ અભિનંદનના અધિકારી છે.
ગુજરાતમાં કેળવણીનો સાંસ્કૃતિક વારસો ભણતર-ઘડતર અને ગણતરના આધાર ઉપર વિકસ્યો છે અને મૂળ સત્ય તો જીવન ઘડતરમાંથી ગણતર સુધીની યાત્રા સુધી પહોંચ્યા છીએ એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. બાળકમાં સંસ્કારનું વાતાવરણ ગળથૂંથીમાં આવશ્યક છે એમ જણાવી સો વર્ષ પૂર્વેની બાળ કેળવણીનું નિર્માણ કરનારા મહામનીષીઓનો ઙ્ગણ સ્વીકાર પણ તમેણે કર્યો હતો.
બાળકની પરિવારમાં અને સમાજમાં ગૌરવરૂપ સ્વીકૃતિ હોવી જોઇએ તેના એક પ્રયોગરૂપે અમદાવાદના ધમધમતા શ્રીમંત વિસ્તારમાં મુખ્ય માર્ગ મહિનામાં એકવાર સંપૂર્ણપણે બાળકોની મોજ-મસ્તી માટે આરક્ષિત રાખવાની યોજનાએ બાળકને તેના સામ્રાજ્યની અનુભૂતિ કરાવી છે તેનું દ્રષ્ટાંત આપતા મુખ્યમંત્રીશ્રીએ જીવન માટે નવી આશાવંત ચેતના જગાવતા બાળ સશકિતકરણના પ્રયોગો સમાજે કરવાનું આહ્વાન આપ્યું હતું.
બાળ માનસને કેળવવાના અવનવા સંસ્કાર પ્રયોગ કરવા તેમણે ભાર મૂકયો હતો.
આ સંન્દર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ બાળકોના મનોવૈજ્ઞાનિક સશકિતકરણ માટે ‘‘ચિલ્ડ્રન યુનિવર્સિટી''ની પરિકલ્પનાને સાકાર કરવા ગુજરાતની પહેલમાં સમાજશકિત સહયોગ આપે એવી પણ અપીલ કરી હતી.
આજના ટેકનોલોજી ઇન્ફરમેશન જમાનામાં હવે શિક્ષણમાં ટીચીંગ પ્રોસેસ નહીં પરંતુ લર્નિગ પ્રોસેસની દિશા પકડવાની છે. આપણા પૂર્વજોએ વૈદિક કેળવણીમાં આ પ્રક્રિયા વિકસાવી છે તેના અનેક ઉદાહરણો છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આજનું વિજ્ઞાન પુરવાર કરે છે કે બાળકોનો આઇક્યુ (બૌધિક આંક) ગર્ભસ્થ શિશુથી ઘડાય છે ત્યારે તેની અંતનિર્હિત શકિતને વિકસાવવા મનોવૈજ્ઞાનિક અનુસંધાન કેળવણીમાં જોડવા જોઇએ. હિન્દુસ્તાનની ઘરતી ઉપર બાળ કેળવણીનો યુગો સુધી સુસંગત એવો વારસો છે તે સંપૂટનો ઉપયોગ કરીએ.
ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે.લહેરીએ જણાવ્યું હતું કે, આ સંસ્થાએ બાળ શિક્ષણની જે કેડી કંડારી છે તે અદ્વિતીય આ કેડી ઉગતી પેઢીના ઘડતરમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેમણે આ સંસ્થાની પ્રગતિ માટે પૂર્વ વિદ્યાર્થીઓના યોગદાનના અભિગમની પ્રશંસા કરી હતી.
પ્રારંભમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રસન્નવદન મહેતાએ એ સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રી પ્રશાંત ભટ્ટે સંસ્થાનો પરિચય આપ્યો હતો. આ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે શ્રી પંકજ દેસાઇએ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓએ આપેલા પ્રદાનની સંક્ષિપ્તમાં વિગતો આપી હતી.
આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી સુરેશભાઇ ધાંધલ્યા, સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લા કલેકટર શ્રી ડી.જી.ઝાલાવાડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજીવકુમાર, મ્યુનિસિપલ કમિશનર શ્રી એ.એસ.પટેલ, સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ શિક્ષકો, શિક્ષણ પ્રેમીઓ ઉપસિથત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અગાઉ બાલમંદિરના સંકુલની મુલાકાત લીધી હતી અને ભૂલકાંઓ દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ રસપૂર્વક નિહાળ્યો હતો.