મુખ્ય મંત્રીશ્રીના પ્રવાસન વિકાસ માટે કેન્દ્રને સૂચનો
કુંભ ભેળામાં ભારતીય મૂળના વિદેશ વસતા નાગરિકાને વિમાની ભાડામાં કન્સેશન આપો
ધોલાવીરા અને લોથલઃ માત્ર ગુજરાતની પ્રવાસન વિરાસત નથી હિન્દુસ્તાનની પણ છે!
કેન્દ્ર સરકાર પ્રવાસન વિષયક વિજ્ઞાપનોમાં વાધની જેમ ગીરના સિંહને સ્થાન આપે
શ્રીલંકા-ગુજરાત વચ્ચે રામાયણ-બુદ્ધ ધર્મની આધ્યાત્મિક પ્રવાસન પ્રવૃત્તિ વિકસશે
ભારતના તીર્થક્ષેત્રોને આવરી લેતી રેલ્વે યાત્રા સર્કિટ શરૂ કરો
મુખ્ય મંત્રીશ્રી
ગુજરાત પ્રવાસનને વિશ્વ ફલક ઉપર લઇ જવા નવો મોડ અપાશે
હિન્દુસ્તાનની મહાનત્તમ પ્રવાસન વિરાસત અને સંસ્કૃતિને વિશ્વ સમક્ષ મુકવાના શ્રેણીબદ્ધ સૂચનો કેન્દ્ર સરકારને કરતા નરેન્દ્રભાઈ મોદી
મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ઇન્ડીયન એસોસિયેશન ઓફ ટ્રાવેલ ઓપરેટર્સના ચાર દિવસના કન્વેન્શનનો પ્રારંભ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજથી શરૂ થયેલા ભારતભરના ટુર-ટ્રાવેલ્સ ઓપરેટર્સના ચાર દિવસના વાર્ષિક સંમેલનનું ઉદ્દધાટન કરતાં ગુજરાતમાં પ્રવાસન વિકાસને વૈશ્વિક ફલક ઉપર નવો મોડ આપવામાં આવ્યો છે તેવી નેમ વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાત સહિત હિન્દુસ્તાનમાં પ્રવાસન-વૈવિધ્યની એટલી મહાન વિરાસત છે જેને વિશ્વ સમક્ષ મુકવાનો આગવો દ્રષ્ટિકોણ અપનાવવો જોઇએ.ભારત સરકારને ગુજરાતની પ્રવાસન વિશેષતાને કેન્દ્રસ્થાને રાખવાનું સૂચન કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારની પ્રવાસન વિષયક વિજ્ઞાપનોમાં વાધને સ્થાન અપાયું છે. પરંતુ ગીરના સિંહની પ્રત્યે ઉદાસિનતા છે. ભારતના પ્રવાસનની વિશેષતાઓને વિશ્વ સમક્ષ મુકવા માટે આપણે આપણી પ્રવાસન વિરાસતનો મહિમા હિંમતપૂર્વક રજાૂ કરવો જોઇએ.
ગુજરાત પ્રવાસનના સહયોગથી ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર્સ (IATO)નું આ ર૭મું વાર્ષિક સંમેલન ગાંધીનગરમાં યોજાઇ રહ્યું છે. જેમાં વિવિધ રાજ્યોના ૧ર૦૦ પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. આ સંમેલનનું વિષયવસ્તુ ""ભારતીય પ્રવાસન-આપણે સ્પર્ધા માટે સક્ષમ છીએ'' ઉપર ચર્ચા સત્રો યોજાશે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત પ્રવાસનનો વિકાસ અગ્રીમ સેકટરમાં થઇ રહ્યો છે અને છેલ્લા એક જ વર્ષમાં ગુજરાતના ભારતીય પર્યટકોની ટકાવારીનો વિકાસ ૧૩.૭ ટકા ઉપર વધ્યો છે અને વિદેશી પર્યટકોની સંખ્યા ૧૯ ટકા ઉપર પહોંચી છે. જયારે ભારતનો પર્યટકોનો વિકાસ દર આઠ ટકા સરેરાશ છે. ગુજરાત પ્રવાસન નીતિને નવો આપ આપવા માંગે છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત જેવા અધિકત્તમ પ્રવાસન પ્રેમીઓના રાજ્યમાં આ પ્રકારનું અધિવેશન ધણું મોડું યોજાઇ રહ્યું છે તેનો નિર્દેશ કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાત એવું ટુરિસ્ટ ડેસ્ટીનેશન છે જયાં પ્રવાસન ઉઘોગને સર્વિસ સેકટરમાં મહત્તમ સ્થાન આપવાની સરકાર નેમ ધરાવે છે.
ગુજરાતના ધોળાવીરા અને લોથલ જેવાં હજારો વર્ષની સુસંસ્કૃત માનવ સમાજની નગર રચનાઓ એ માત્ર ગુજરાતની જ નહીં, હિન્દુસ્તાનની વિશ્વને પ્રભાવિત કરી શકે તેવી વિરાસત છે એટલું જ નહીં, ગુજરાતમાં શિલ્પ સ્થાપત્યની ઇમારતો ચોરસ મીટરની તુલનામાં સૌથી વધુ છે ઉપરાંત કચ્છના સફેદ રણની ચાંદની રાતનું સૌંદર્ય એ વિશ્વના પર્યટકો માટે અદ્દભૂત આકર્ષણ બની ગયું છે.
મુખ્ય મંત્રીશ્રીએ ટુર્સ ઓપરેટરોને માંડવી-મુંબઇ વચ્ચે ક્રુઝ ટુરીઝમ સર્વિસ સર્કિટ શરૂ કરવાનું પ્રેરક સૂચના કરતા જણાવ્યું કે, ગુજરાત સરકાર આ માટે સંપૂર્ણ સહયોગ આપવા તત્પર છે.
ગાંધીજી જેવી વિશ્વ વિભૂતિની જન્મભૂમિ-કર્મભૂમિની વિરાસત આખી દુનિયાને અભિભૂત કરી શકે તેમ છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ ભારત સરકારના વિદેશ સ્થિત રાજદૂતાવાસોએ રાજ્ય સરકારો સાથે સહયોગ કરીને હિન્દુસ્તાનની પ્રવાસન વિરાસતના વૈવિધ્યને વિશ્સ સમક્ષ મુકવાની જરૂર ઉપર ભાર મુકયો હતો. ભારત સરકાર, રાજ્ય સરકારો, ટુર્સ ટ્રાવેલ્સ ઓપરેટર્સ મંડળો શા માટે અમેરિકા અને યુરોપના હોટેલ-મોટેલ સંચાલકો ભારતીયો છે તેમની હોટલોમાં હિન્દુસ્તાનના પ્રવાસન વૈવિધ્યનો પ્રચાર-પ્રસાર કરવાની આગેવાની લેવી જોઇએ, તેમ જણાવ્યું હતું.
દેશમાં પ્રવાસન વિકાસ અંગે નવતર સૂચનો કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હિન્દુસ્તાન બહાર રહેનારા ભારતવાસીઓને વર્ષ દરમિયાન ૧પ નોન-ઇન્ડિયન પરિવારોને ભારત દર્શન માટે પ્રવાસન હેતુસર પ્રેરિત કરે તો ભારતના પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કેટલી ઊંચાઇ ઉપર પહોંચી જશે તેની ભૂમિકા પણ આપી હતી. ભારતમાં આંતરરાષ્ટ્રીય વિમાનમથકો ઉપર ટુરિઝમ અંગેના કિઓસ્ક મુકાવા જોઇએ, એમ જણાવી તેમણે ભારત સરકારને ભારતીય મૂળના વિદેશમાં વસતા નાગરિકોને કુંભમેળા માટેના પર્યટનની વિમાની ટિકીટમાં કન્સેશન આપવાની હિમ્મત દાખવવી જોઇએ તો પણ ભારતમાં પ્રવાસનનો વિકાસ થશે. ભારત સરકાર આ કરશે કે નહીં તેની ખબર નથી પણ એક દિવસ તો આ વાત સ્વીકારાશે, તેમ પણ જણાવ્યું હતું.
શ્રીલંકા સાથે ગુજરાત સરકારે સમજૂતિના કરાર કર્યો છે. આના પરિણામે રાજ્યમાં બુદ્ધ ધાર્મિક પ્રવાસનનું ઉત્તમ આકર્ષણ છે અને સમગ્ર વિશ્વમાં બુદ્ધ ભગવાનના અવશેષો માત્ર ગુજરાતમાં છે તથા શ્રીલંકા માટે રામાયણ વિરાસતના પ્રવાસન અને બુદ્ધ પ્રવાસનની પર્યટન વિકસશે. તેમણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં પ્રવાસન એક એવું ક્ષેત્ર છે જે હિન્દુસ્તાનના સંસ્કાર અને અતિથિ દેવો ભવના સંબંધનો વિશ્વ સાથે સેતુ સ્થાપિત કરશે એટલે જ, ગુજરાતે ટુરિઝમ ડેવલપમેન્ટ માટેનો મંત્ર દુનિયાને આપ્યો છે કે ટેરરિઝમ ડિવાઇડઝ ધ વર્લ્ડ-ટુરિઝમ યુનાઇટ્સ ધ વર્લ્ડ હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં પ્રવાસન એવા સંસ્કાર છે જે વિશ્વને અભિભૂત કરી શકે તેમ છે. ભારત સરકારના રેલવે મંત્રાલયે દેશના પ્રસિદ્ધ તીર્થક્ષેત્રોને જોડતી ટ્રેનયાત્રા સર્કિટની ખાનગી-જાહેર ભાગીદારીને પ્રોત્સાહન આપવું જોઇએ એમ તેમણે સૂચવ્યું હતું.
પ્રવાસન મંત્રી શ્રી જયનારાયણ વ્યાસે ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે થઇ રહેલા પ્રયાસોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રણોત્સવ, પતંગ મહોત્સવ, વાયબ્રન્ટ નવરાત્રિ, સાપુતારા મોનસુન ફેસ્ટીવલ જેવા કાર્યક્રમોનું સફળ રીતે આયોજન કર્યું છે. ગુજરાત પાસે ઇન્ફ્રાસ્ટ્રકચર છે અને વધુ સારું કરી પ્રવાસનમાં પ્રથમ સ્થાન હાંસલ કરશે. આવા સંમેલનથી દેશભરમાંથી પધારેલા ટુર ઓપરેટર્સ ગુજરાતની સમૃદ્ધ કલા અને સ્થાપત્ય, લોકસંસ્કૃતિ, પ્રવાસન ધામોથી માહિતગાર થશે અને દેશ-વિદેશના સહેલાણીઓને આકર્ષવાનું આ શ્રેષ્ઠ માધ્યમ પણ બની રહેશે, તેવી આશા તેમણે વ્યકત કરી હતી.
ભારત સરકારના પ્રવાસન વિભાગના સચિવ શ્રી આર. એચ. ખ્વાજાએ જણાવ્યું હતું કે, ૧રમી પંચવર્ષીય યોજનાના પાંચ વર્ષમાં "અતિથિ દેવો ભવ''ના ખ્યાલ સાથે ભારત સરકાર પ્રવાસનનો વિકાસ કરવા માંગે છે અને આ માટે કેન્દ્ર-રાજ્ય સરકારોને શકય તેટલી વધુ મદદ પુરી પાડશે. આ માટે પ્રવાસીઓને વધુ સારી સલામતી, વધુ સારા અનુભવો, વધુ સારી મહેમાનગતિ આપવી જોઇએ.
ઇન્ડીયન એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સના પ્રમુખ શ્રી વિજય ઠાકુરે ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રની ઉજ્જવળ સંભાવનાઓને ધ્યાને લેતાં ટુરીઝમ પ્રમોશન મેન પાવર ટ્રેઇનીંગ મોડયુલ્સ માટે ગુજરાત સરકારને સંપૂર્ણ સહયોગ આપવાની તત્પરતા વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ આ પ્રસંગે કોફીટેબલ બૂક અને સ્મરણિકાનું વિમોચન તથા ટુરીઝમ એવોર્ડઝ પણ અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગરના પ્રભારી મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, પિ્રન્સીપલ સેક્રેટરી શ્રી વિપુલ મિત્રા, ગુજરાત ટુરીઝમના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, ટુરીઝમના મેનેજિંગ ડિરેકટર શ્રી સંજય કૌલ, સંસ્થાના હોદ્ેદારો, દેશભરના અગ્રણી ટુર ઓપરેટર્સ એજન્ટો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.