કોંગ્રેસે સામાન્ય માનવીનું જીવવું દુષ્કર અને અસલામત બનાવી દીધું
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે પંજાબમાં ભાજપાની જનરેલીઓમાં સામાન્ય માનવી માટે જીવવાનું દુષ્કર અને અસુરક્ષિત બનાવવા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી આકરા પ્રહારો કર્યા હતા. આસમાનને આંબતી મોંધવારી અને આતંકવાદીઓ દ્વારા નિર્દોષ માનવીઓના મોતથી અસરગ્રસ્ત પરિવારોની અસહ્ય સ્થિતિની સંવેદના કોંગ્રેસી વડાપ્રધાનને થતી નથી. પાકિસ્તાનમાં મૂળ ભારતીયો એવા શીખોની રંજાડ અને અત્યાચાર વિશે ડો. સિંધ કઇ રીતે સુખચૈનની નિંદર લઇ શકતા હશે. જે જવાનોએ આતંકવાદ સામે સામી છાતીએ લડીને દેશ માટે જાન આપી દીધા તેમના પરિવારોના સંતાપ નિવારણ વિશે કેન્દ્ર સરકારે શું કર્યું. તેવા વેધક સવાલોના તાતા તીર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાકયા હતા.પઠાણકોટ, હોશિયારપુર અને જલંધરની જનસભાઓમાં મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે કોંગ્રેસે દેશ ઉપર પંચાવન વર્ષ એકચક્રી શાસન કર્યું તેમાં એક જ પરિવારે પ૦ વર્ષ સત્તા ભોગવી છતાં દેશના હજારો ગામડાઓને પીવાના પાણી અને આરોગ્યની પાયાની સેવાઓથી વંચિત રાખવાનું પાપ કર્યું છે.
ડો. મનમોહનસિંહ એક “પરિવાર”ના પ્રધાનમંત્રી છે અને આખી કોંગ્રેસના પણ નથી જ્યારે અડવાણીજી માત્ર ભાજપા જ નહીં, એનડીએના સર્વસ્વીકૃત એવા પ્રધાનમંત્રી પદના ઉમેદવાર છે. કોંગ્રેસની SRP(સોનિયા, રાહુલ, પ્રિયંકા) દેશની ગરીબીની વાતો કરે છે પરંતુ ગરીબોની પીડા કે ભૂલનું દુઃખ શું છે તેની એરકન્ડીશન્ડ ઓફિસમાં બેસનારાને ખબર નથી. કોંગ્રેસનો વીસસૂત્રી કાર્યક્રમ એ ગરીબલક્ષી કાર્યક્રમ છે તેના અમલમાં ગુજરાત જેવા ભાજપા શાસિત રાજ્યો મોખરે છે જ્યારે કોંગ્રેસની રાજ્ય સરકારોએ તો ગરીબોની ઉપેક્ષા જ કરી છે.
ગુજરાત જેવું પાણીની અછતવાળું રાજ્ય જળવ્યવસ્થાપન અને કૃષિમહોત્સવો યોજીને ખેડૂતલક્ષી નિતીઓના અમલથી ખેતીવાડી ક્ષેત્રે દેશનું સૌથી વધુ ઊંચો વિકાસદર ધરાવતું રાજ્ય બની ગયું છે જ્યારે પંજાબ જેવા કૃષિપ્રધાન રાજ્યની કોંગ્રેસી શાસનમાં દુર્દશા થઇ છે અને ૧૩મા નંબરે ધકેલાઇ ગયું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
કોંગ્રેસની વોટબેન્કની રાજનીતિના કારણે દેશ ઉપર તોળાઇ રહેલા સંકટો સામે ચેતવણી ઉચ્ચારતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોંગ્રેસના કેન્દ્રીય શાસનમાંથી છૂટકારો મેળવીને ભાજપા-એનડીએના શાસનમાં સામાન્ય માનવી સાચી સુખશાંતિનો અહેસાસ કરશે.