મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠાના શિહોરીમાં યોજાયેલ મહિલા સંમેલનમાં જિલ્લાના વિકાસને વધુ વેગ આપવા રૂા. ૭૬૧ કરોડના નવા વિકાસકામોની જાહેરાત કરી હતી, જે આ મુજબ છે.
૧પ મી ઓગસ્ટના આઝાદી પર્વનો રાજ્યકક્ષાનો વિકાસ ઉત્સવ બનાસકાંઠાની ધરતી ઉપર ઊજવાયો હતો. એક સપ્તાહ સુધી આખા બનાસકાંઠામાં સમગ્ર સરકાર અને મંત્રીમંડળે વિકાસનો યજ્ઞ માંડયો હતો.
૬૧૮ જેટલાં વિકાસ કામોનું લોકાર્પણ થયું હતું, નવા ૩૪૩ કામોના ખાતમૂર્હત થયા હતાં. આમ કુલ ૧૪૦૦ કરોડ રૂપિયાના ૯૬૧ કામોનો ઉત્સવ યોજાયો હતો.
આજે બનાસકાંઠાની નારીશકિત-માતૃશકિતએ વિરાટ દર્શન કરાવ્યું છે. બહેનો પણ વિકાસમાં ભાગીદાર બનવા પ્રતિબદ્ધ છે ત્યારે, બનાસકાંઠાની વિકાસયાત્રાની ગતિ વધુ તેજ બનાવવા, આજે બીજા ૭૬૦ કરોડ રૂપિયાના વિકાસકામોની જાહેરાત કરૂં છું.
· નર્મદા કેનાલ આધારિત શુદ્ધ પીવાલાયક પાણીની વિવિધ યોજનાઓ પાછળ રૂા. ૩૧૬ કરોડ ખર્ચ થશે અને બનાસકાંઠાના પ૦૦ ગામો દૂષિત પાણીની સમસ્યાથી મૂકત કરાશે.
· બનાસકાંઠાના દિઓદર અને ભાભર તાલુકાના ૮પ ગામ અને બે શહેરો માટે નર્મદાની મુખ્ય કેનાલ આધારિત જૂથ પાણી પૂરવઠા યોજના મંજૂર કરી છે. આ યોજનાનો ખર્ચ રૂા. ૯૯ કરોડ થશે અને નર્મદા કેનાલમાંથી સામલા-વડાણા ઓફ ટેક જળાશયમાંથી પીવાનું પાણી પાઇપલાઇન મારફતે અપાશે.
· બનાસકાંઠામાં ૪૭પ જેટલી બધી જ આંગણવાડીને ‘નંદ ધર‘ તરીકે પાકાં સુવિધાવાળા મકાનો ર૦૧૦ સુધીમાં મળી જશે. આ માટે રૂા. ૧૪ કરોડ મંજૂર કર્યા છે.
· જિલ્લામાં ગામ રસ્તા અને જિલ્લા રસ્તાના નવીનીકરણનો રૂા. ૭૬ લાખનો પ્રોજેકટ મંજૂર કર્યો છે. જેમાંથી ૭પ રસ્તા આધુનિક બનશે.
· બનાસકાંઠાની સૂકી ધરતી અને સૂકા પેટાળને નવપલ્લવિત કરવા નર્મદા યોજના અને ‘સુજલામ સુફલામ‘ યોજના માટે કિસાનોએ આ સરકાર ઉપર સંપૂર્ણ ભરોસો મૂકયો છે.
સિંચાઇની સુવિધા મળતા ખેડૂતોએ ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવી ખેતીને સમૃદ્ધ બનાવવા પુરૂષાર્થ કર્યો છે. આ અભિગમને પ્રોત્સાહિત કરવા નર્મદા નહેર આધારિત ૧૦પ કિ.મી. લાંબી ઇરીગેશન કેનાલો બાંધવાનો રૂા. ર૧૦ કરોડનો મહત્વાકાંક્ષી સિંચાઇ પ્રોજેકટ બનાસકાંઠા માટે મંજૂર કર્યો છે. ર૦૧૦ના ઉનાળામાં આ પ્રોજકેટ પૂરો કરાશે અને ૧,૬પ,૦૦૦ હેકટર સૂકી જમીનને સિંચાઇ મળતી થઇ જશે.
· બનાસકાંઠામાં વીજળી પુરવઠો નિરંતર પૂરો પાડવા, નવા અગિયાર ૬૬ કે.વી.ના સબસ્ટેશનો રૂા. ૩૩ કરોડના ખર્ચે બંધાશે.
· કાંકરેજ-તાલુકા મુખ્યમથકને રર્બન પ્રોજેકટ હેઠળ મજૂર કર્યું છે. કાંકરેજમાં મોડેલ ટાઉન પ્લાનિંગ સહિત માળખાકીય વિકાસ સુવિધાઓ શહેરી વિસ્તાર જેવી આધુનિક બનશે.