મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગારમેન્ટ ફેશન ડિઝાઇન સેકટરમાં આધુનિકતા સાથે ભારતીય સંસ્કૃતિની પરંપરાનો સમન્વય કરીને ગારમેન્ટ ફેશન ડિઝાઇનીંગના સંશોધનો ઉપર ભાર મૂકયો છે.
કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી દયાનિધિ મારન અને સાંસદ પૂર્વ ઉપપ્રધાનમંત્રીશ્રી એલ. કે. અડવાણી સાથે ગાંધીનગર NIFT કેમ્પસમાં મુખ્યમંત્રીશ્રી અતિથિ વિશેષ તરીકે સંબોધન કરી રહ્યા હતા.
ગાંધીનગરમાં NIFT નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાં આજે નવનિર્મિત ગર્લ્સ હોસ્ટેલ, ઓડિટોરિયમ અને સ્ટુડન્ટસ મેસ-હોલના ઉદ્દઘાટન અને NIFTના ભવન-નિર્માણના વિસ્તૃતિકરણ પ્રોજેકટનો શિલાન્યાસ સમારોહ યોજવામાં આવ્યો હતો NIFT ગાંધીનગર સંકુલમાં આ વિશેષ સુવિધાના નિર્માણ પાછળ રૂ. ૧૬ કરોડનો ખર્ચ થયો છે.
ફેશનની આધુનિકતામાં સ્થળ-કાળ અને સ્થિતિને ધ્યાનમાં લઇને પશ્ચિમી જગતના ફેશન માર્કેટમાં પ્રાકૃતિક શૈલીની ભારતીય પરંપરાને વણી લઇને આધુનિક ફેશન ડિઝાઇનમાં પ્રભાવ પાથરવાની ક્ષમતા ફેશન ટેકનોલોજી અને ડિઝાઇનર્સમાં હોવી જોઇએ અને NIFT આ પડકાર ઉપાડી લે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે NIFT અને ગુજરાત સરકારની વનબંધુ કલ્યાણ યોજના અન્વયે ગારમેન્ટ ટ્રેઇનીંગમાં ઉતિર્ણ થયેલી વનવાસી કન્યાઓને NIFT ના સર્ટિફિકેટ એનાયત થયા હતા. આ સંદર્ભમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આધુનિકત્તમ ફેશન વર્લ્ડના માહૌલમાં પણ વનવાસી કન્યાઓએ ગારમેન્ટ સેકટરમાં પોતાના કૌશલ્યને ગૌરવ અપાવ્યું છે જે વનબંધુ યોજનાના ઉદેશની સાર્થકતા બતાવે છે.
NIFT ની નોલેજ એન્ડ ક્રિએટીવિટી-જ્ઞાન અને સર્જનાત્મકતાનો સમન્વય કરીને ભારતીય બૌદ્ધિક યુવાશકિતને માટે વિદેશોમાંથી આઉટસોર્સિગનું ફલક વિકસાવીને ગારમેન્ટ ફેશન ડિઝાઇનીંગમાં રોજગારીનો નવો અવસર ઉભો કરી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ NIFT ના ગાંધીનગર સંકુલ ઉપરાંત વડોદરા, સુરત, જામનગર, ભાવનગર સહિતના નવાં કેન્દ્રો શરૂ કરવા માટે રાજ્ય સરકારનો વિધેયાત્મક અભિગમ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં વર્ષે સાત મે.ટન સોનું ઉત્પન્ન થાય છે અને વિશ્વમાં દશ હીરામાંથી નવ હીરા ગુજરાતીના હાથમાં પસાર થાય છે. આ ક્ષમતાનો નિર્દેશ કરી તેમણે જણાવ્યું કે જવેલરી ડિઝાઇન માટે NIFT ગાંધીનગર એકમાત્ર પ્રશિક્ષણ કેન્દ્ર છે અને ગોલ્ડ તથા ડાયમંડ બંનેમાં ગુજરાતનો પ્રભાવ જોતાં જવેલરીમાં કૌશલ્ય નિર્માણથી ગુજરાત વિશ્વના બજારો સર કરી શકે એમ છે.
ખાદી વસ્ત્રની પૂનઃપ્રતિષ્ઠા અંગે ગુજરાત સરકારે કરેલી પહેલનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ખાદીવસ્ત્રનો ફેશન શો ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં ‘‘નિફટ’’ દ્વારા થયો હતો અને ‘‘ખાદી ફોર નેશન’’ પછી ‘‘ખાદી ફોર ફેશન’’નો મંત્ર પણ ગુજરાતે જ આપ્યો છે.
આપણા દેશની પ્રશિક્ષિત યુવા પેઢીને ભારતની સંસ્કૃતિ સાથે સુસંગત કૌશલ્ય સંવર્ધન કરીને ભારત વિશ્વબજારમાં પોતાનો પ્રભાવ પાથરી શકે છે.
કેન્દ્રીય કાપડ મંત્રીશ્રી દયાનિધિ મારને આજે NIFT ગાંધીનગરના કાર્યક્રમમાં ગુજરાતે આધુનિક વિકાસની જે સર્વતોમુખી અદ્દભૂત સિદ્ધિઓ મેળવી છે તેની ભરપૂર પ્રસંશા કરી હતી તેમણે જણાવ્યું કે આ અનોખી સિદ્ધિઓનું સંપૂર્ણ શ્રેય શ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ પ્રશાસનને ફાળે જાય છે.
ગુજરાતની આટલી વિશિષ્ઠ પ્રગતિની મીઠી ઇર્ષા થાય છે તેમ માર્મિક અને ભાવસભર અભિવ્યકતી કરતાં શ્રી દયાનિધિ મારને જણાવ્યું કે ગુજરાતે અમારા પડોશના આંધ્રપ્રદેશમાંથી ગેસ-તેલના ભંડાર શોધ્યા છે પણ તામીલનાડુ આ સિદ્ધિનું ભાગીદાર બની શકયું નથી પરંતુ તામીલનાડુમાં ગુજરાતના મોડેલ ઉપર સ્ટેટ પેટ્રોલીયમ કોર્પોરેશન રચવાનો નિર્ધાર છે.
કેન્દ્રીય વસ્ત્રમંત્રીશ્રી દયાનિધિ મારને ગુજરાત સરકારના સહયોગથી NIFT દ્વારા મેન મેઇડ ફાયબર અને ફેબ્રીકસનો જે સંશોધન પ્રોજેકટ હાથ ધરાઇ રહ્યો છે તેની રૂપરેખા આપી હતી. તેમણે ઉમેર્યું કે, આ સંશોધનો સમગ્ર રાષ્ટ્રમાં મેન મેઇડ ફાયબર ક્ષેત્રે અને ખાસ કરીને સુરત જેવા ગુજરાતના ટેક્ષટાઇલ્સ ઊદ્યોગના અગ્રણી નગરોને માટે મહત્વપૂર્ણ બની રહેશે.
શ્રી મારને એપેરલ અને ટેક્ષટાઇલ્સ સેન્ટર માટે ગુજરાત સરકારે ૯૮ લાખ રૂપિયા મંજૂર કર્યા છે તેની વિગતો આપતાં NIFT અને ગુજરાત સરકારના સહયોગથી એપેરલ અને ટેક્ષટાઇલ્સ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા માટે આ સેન્ટર અગત્યનું માધ્યમ બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. સુપરવાઇઝર અને ઓપરેટર લેવલની તાલીમ આપતા આ કેન્દ્રમાં મશીનરી માટે પણ ગુજરાત સરકારે પચાસ લાખ રૂપિયા મંજુર કર્યા છે, તેનો હર્ષ તેમણે વ્યકત કર્યો હતો.
કેન્દ્રીય વસ્ત્રમંત્રીશ્રીએ વડોદરામાં પબ્લીક પ્રાયવેટ પાર્ટનરશીપ મોડેલથી શરૂ થઇ રહેલા ખાસ ટૂંકાગાળાની તાલીમ માટેના સબ સેન્ટરની વિગતો પણ આપી હતી.