ભારતમાં સર્વપ્રથમ પ્રાથમિક શાળાના ધોરણ-પાંચના આઠ લાખ બાળકો માટે "ટેલી-લેશન' પ્રોજેકટનો પ્રારંભ
ઇ-ગ્રામ અને શિક્ષણ વિભાગ અને બાઇસેગ દ્વારા લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશનથી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા અનોખું અભિયાન
મુખ્યમંત્રીશ્રીએ ""વિજ્ઞાન'' વિષયના પાઠ ભણાવતા વિષય નિષ્ણાંત સાથે બેસીને બાળકો સાથે સંવાદ કર્યો
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની પ્રાથમિક શાળાના ધોરણ-પ ના આઠ લાખથી વધારે બાળકો માટે ""વિજ્ઞાન'' વિષયના ટેલી-લેશનનો બાઇસેગ-સંસ્થામાં બાળકો સાથે સંવાદ કરીને અને સેટેલાઇટ ટેકનોલોજીથી પ્રારંભ કરાવ્યો હતો.
સમગ્ર ભારતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી દ્વારા ""લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન''નો નવો પ્રયોગ કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.
આ "ટેલીકાસ્ટ લેશન' વિજ્ઞાનના નિષ્ણાંત શિક્ષકો દ્વારા મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બાઇસેગથી આપવામાં આવ્યું હતું અને ૧૩૬૯૩ જેટલા ઇ-ગ્રામ સેન્ટરો તથા કેયુ બેન્ડની સુવિધાવાળી ૪૧૦૦ શાળા સહિત ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-પ માં ભણતા આઠ લાખ બાળકોએ તેના પ્રસારણ-પાઠ ગ્રહણ કર્યા હતા. પંચાયત અને શિક્ષણ વિભાગનાં સંકલનથી સમગ્ર રાજ્યમાં વાર્ષિક પરીક્ષા સુધી, ધોરણ-પ ના પાંચ મુખ્ય વિષયોનું "ટેલી લેશન' નિષ્ણાંત શિક્ષકો દ્વારા આ પ્રોજેકટ હેઠળ અપાશે. મુખ્યમંત્રીશ્રીએ દૂર ગામડામાં ભણતા બાળકો માટેના આ "સાઇબર-કલાસ'ને પ્રાથમિક શિક્ષણ અને શિક્ષકોની સજ્જતાનો નવો આયામ ગણાવ્યો હતો. જેઓ ઉત્તમ શિક્ષણ આપવાનું સામર્થ્ય ધરાવે છે, તેવા શિક્ષકોને આ પ્રોજેકટમાં જોડાવાનું આમંત્રણ મુખ્યમંત્રીશ્રીએ આપ્યું હતું.ટેલી-ટીવી શિક્ષણના મૂળ એકલવ્યના પ્રશિક્ષિત થવાના અભિગમમાં છે અને એક જ નિષ્ણાંત શિક્ષક એકીસાથે આઠ લાખ બાળકોનો "સાઇબર કલાસ' લઇ શકે તેવી આ પહેલ પ્રાથમિક શિક્ષણની ગૂણવત્તાને ઊંચી લઇ જશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીના પ્રેરક માર્ગદર્શન પછી ધોરણ પાંચના વિજ્ઞાન પુસ્તકમાં ""અવાજ'' વિષયનો પાઠ શિક્ષકો દ્વારા ભણાવવામાં આવ્યો ત્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ગની છેલ્લી બેન્ચ ઉપર બેસીને શ્રોતા તરીકે નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરા, પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ તથા શિક્ષણ અને પંચાયત સહિત અન્ય વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત હતા.