જંગી જનસભાઓ સંબોધતા મુખ્યમંત્રીશ્રી
કોંગ્રેસની નસનસમાં વોટબેન્કની રાજનીતિનું વિષ પ્રસરી ગયું છે
આતંકવાદ સામે કોંગ્રેસ લડી લેશે એવી આશા રાખશો જ નહીં
મહારાષ્ટ્ર અને ગુજરાતના કોંગ્રેસ અને ભાજપાના શાસનોના વિકાસની તુલના કરો-કોંગ્રેસની નિષ્ફળતા માટે પુરાવા શોધવા નહીં પડે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મહારાષ્ટ્રમાં ભાજપાની ચૂંટણી ઝૂંબેશ આગળ ધપાવતા કોંગ્રેસને સત્તાસ્થાનેથી દૂર કરવા અને ભારતને શકિતશાળી બનાવવા ભાજપાના હાથમાં શાસનના સૂત્રો સોંપવાની વેધક અપીલ કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસની નસનસમાં વોટબેન્કની રાજનીતિ અને તુષ્ટીકરણનું વિષ ફેલાઇ ગયું છે. કોંગ્રેસ આતંકવાદ સામે લડીને દેશની સુરક્ષા કરશે તેવી આશા રાખવી નકામી છે.અકોલા, નાંદેડ અને મલકાપુરમાં જંગી જનસભાઓને સંબોધતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કોંગ્રેસમાં રાષ્ટ્રહિત અને સુરક્ષાની કોઇ અહમ ગંભીરતા જ નથી.
""આજની દેશની સમયાઓ વકરી હોય તો તે કોંગ્રેસની સત્તાભૂખના કારણે જ'' તેવું સ્પષ્ટપણે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ મહારાષ્ટ્ર અને ગુજરાતની બે સરકારોની તુલના કરવા અનુરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમા઼ કોંગ્રેસનું શાસન છે જ્યાં કિસાનો બે-મોત આત્મહત્યા કરે છે, વીજળીના અભાવે ઉઘોગો અને ખેતીવાડી પાયમાલ થયાં છે, યુવાનો બેકારીના ખપ્પરમાં હોમાઇ ગયા છે અને ગામડા બેહાલ બન્યાં છે. બીજી બાજુ ગુજરાતમાં ભાજપાના શાસનમાં ખેડૂતો અને ખેતી મબલખ ઉત્પાદનથી ખુશહાલ છે.
શહેરોમાં કયાંય વીજળીકાપ નથી, ઉઘોગો ધમધમી રહ્યા છે અને ગામડામાં ર૪ કલાક વીજળી તથા બ્રોડબેન્ડ કનેકટીવિટી ઉપલબ્ધ છે. દેશમાં ખાનગી ક્ષેત્રે સૌથી વધારે રોજગારી ગુજરાત આપી રહ્યું છે અને અર્થતંત્ર વાઇબ્રન્ટ છે. કોંગ્રેસ શાસનની વિકાસની વાતો અને ભાજપા શાસનની વિકાસની સિદ્ધિઓનું આ સ્પષ્ટ દર્પણ છે તેમ તેમણે જણાવ્યું હતું.
દેશની પ્રજાએ આ ચૂંટણીમાં એક જ નિર્ણય લેવાનો છે કે કોંગ્રેસની વોટબેન્કની રાજનીતિના ખતરનાક ખેલ બંધ કરવા કોંગ્રેસના પંજામાંથી દેશને મૂકત કરવો અને ભાજપાની વિકાસની રાજનીતિના નવા મોડ ઉપર લઇ જવા અડવાણીજી જેવા રાષ્ટ્રવાદી નેતાના હાથમાં સુકાન આપી દેવું, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના આ પ્રવાસમાં મહારાષ્ટ્રની જનતાએ તેમનું અભિવાદન કર્યું હતું અને આતંકવાદ સામે લડવાની જૂજારૂ ઇચ્છાશકિતથી પ્રભાવિત થયા હતા.