મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાત વિધાનસભામાં નિયમ-૪૪ અન્વયે કલાઇમેટ ચેંજ અંગેના અલગ વિભાગ રચવાની જાહેરાત કરી હતી. ગુજરાતે ગ્લોબલ વોર્મિંગની અસરો ધટાડવાના સંદર્ભમાં અનેકવિધ પહેલ કરી છે
રાજ્યમાં ૩૯ જેટલા કલીન ડેવલપમેન્ટ મિકેનિઝમ (CDM) પ્રોજેકટ નિર્દેશીત કરવામાં આવ્યા છે, જેની કાર્બન ક્રેડિટ પ્રતિવર્ષ ર૮ મિલિયન યુરો ના દરની થવા જાય છે. આ પ્રોજેકટ ઊર્જા- પેટ્રોલિયમ, શહેરી પરિવહન, વન-પર્યાવરણ, ગ્રામવિકાસ તેમજ ઊઘોગ અને ખાણ ક્ષેત્રના પ્રોજેકટસ છે અને સમગ્ર દેશમાં કલીન ડેવલપમેન્ટ મિકેનિઝમના માર્કેટમાં તેનો હિસ્સો ૩૦ ટકા જેટલો થવા જાય છે.
બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોના વપરાશના સંદર્ભમાં નવી નિતી જાહેર કરવામાં આવી છે, જેમાં પ૦૦ મે.વો.ના સૌર ઊર્જા પ્લાન્ટ અને ૮૦૦૦ મે.વો.ના પવન ઊર્જા પ્લાન્ટ સ્થાપવાની નેમ રાખી છે. બિનપરંપરાગત ઊર્જાના ક્ષેત્રનો હિસ્સો રાજ્યના કુલ ઊર્જા વપરાશના ૧૦ ટકા ઉપર પહોંચશે.
કલીન એનર્જી ક્ષેત્રે રાજ્ય સરકારે મહત્વની પહેલ કરીને રર૦૦ કિ.મી.નું ગેસગ્રીડ નેટવર્ક સ્થાપવાનો કાર્યક્રમ હાથ ધર્યો છે અને ૮૦૦૦ કરોડ રૂપિયાના માસ્ટર પ્લાનનો અમલ કરીને ર૦ લાખ જેટલા ધરવપરાશના ગેસ કનેકશનો અપાશે, એટલું જ નહિં, પરિવહન ક્ષેત્રે ૩૦૦ જેટલા સી.એન.જી. સ્ટેશનો ઊભાં કરવામાં આવશે. છેલ્લા ૭ વર્ષમાં સી.એન.જી.-એલ.એન.જી. ના વપરાશ દ્વારા ૩.૬ લાખ જેટલા વાહનોને આવરી લેવામાં આવ્યા છે. દેશમાં અગાઉ અમદાવાદ પ્રદૂષણ ધરાવતા શહેરોમાં ચોથા સ્થાને હતું તે હવે ૬૬માં નંબરે પહોંચી ગયું છે.
રાજ્ય સરકારે બે એલ.એન.જી. ટર્મિનલ કાર્યરત કરેલા છે અને વધુ બે એલ.એન.જી. ટર્મિનલ સ્થાપવાની પ્રક્રિયા ગતિમાં છે.
મેનગ્રુવ્સ(ચેર)ના વૃક્ષોની વનરાજી ગુજરાતના દરિયાકાંઠે સ્થાપીને કાર્બન ડાયોકસાઇડ ઓછો કરવાની દિશામાં નવી પહેલ કરી છે જેના પરિણામે હેકટર દીઠ પ૦ ટન કાર્બન ધટાડી શકાશે. રાજ્યમાં રપ૦૦૦ હેકટરમાં ચેર વનરાજી દરિયાકાંઠે ઉછેરવામાં આવી રહી છે.
ગ્રાઉન્ડ વોટર ઉપરનું અવલંબન ધટાડવા માટે રાજ્યવ્યાપી વોટરગ્રીડ સ્થાપવાની દિશામાં અપૂર્વ કાર્યસિદ્ધિ મેળવી છે. વોટરગ્રીડમાં ૭પ ટકા વસ્તીને સાતત્યપૂર્ણ ધોરણે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં ૩ લાખ જેટલા જળસંચયના માળખાકીય કામોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના કારણે આખા રાજ્યમાં પાણીની સપાટીમાં વૃદ્ધિ થઇ રહી છે અને ખેતીની આવક ચાર ગણી વધી ગઇ છે.