-
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પરેડને પ્રસ્થાન કરાવી સલામી ઝીલી
-
કેન્યાના વાઇસ પ્રેસિડેન્ટ ર્ડા. સ્ટિફન કાલોન્ઝો મુસોકા મુખ્ય અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત
-
પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે પરેડમાં ભાગ લેનારા ર૧૦૦થી વધુ સુરક્ષા જવાનો પૈકી ૧પ૦ મહિલા જવાનો
-
સમગ્ર પરેડનું નેતૃત્વ ત્રણ મહિલા પોલીસ અધિકારીઓએ સંભાળી મહિલા શક્તિનો અદ્દભૂત પરિચય આપ્યો
-
રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોની સ્વર્ણિમ યશોગાથા વર્ણવતા ર૬ ટેબ્લો અને મશાલ રેલી ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા
સ્વર્ણિમ જયંતી સમાપન વર્ષની શાનદાર ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોજાયેલી આ ભવ્ય માર્ચપાસ્ટમાં કેન્યાના વાઇસ પ્રેસીડેન્ટ ર્ડા. સ્ટીફન કાલોત્ઝો મુસોકા મુખ્ય અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય મંત્રીશ્રી સાથે પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરેડની સલામી ઝીલી હતી.
રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો દ્વારા રાજ્યના વિકાસની ઝાંખી કરાવતા જુદા જુદા ર૬ ટેબ્લોની પ્રસ્તુતિ મનભાવન રહી હતી. જેમાં સ્વર્ણિમ ગુજરાતનો ટેબ્લો ઉપરાંત ર૬ જાન્યુઆરીએ દિલ્હીની પરેડમાં રજૂ થયેલા બુદ્ધિસ્ટ હેરિટેજનો ટેબ્લો ખાસ આકર્ષણરૂપ બન્યા હતા.
આ માર્ચ પાસ્ટનું એક મુખ્ય આકર્ષણ મશાલ રેલી પણ હતી. ગુજરાત ગૌરવ દિનની આ સ્વર્ણિમ સંધ્યાએ મશાલ રેલીના સોનેરી પ્રકાશે સ્વર્ણિમ ગુજરાતની સ્વર્ણિમ સિદ્ધિની ઝાંખી કરાવી હતી. ગાંધીનગરનો સમગ્ર સેન્ટ્રલ વિસ્ટા આ પ્રસંગે રોશનીથી ઝળહળતો હતો.
રાજ્ય સરકારે ગુજરાતની પ૦ વર્ષની યશસ્વી વિકાસગાથાના સ્વર્ણિમ જયંતી વર્ષની ઉજવણીનું શાનદાર સમાપન થાય તે માટે ભવ્ય આયોજન કર્યું છે. જેના કારણે ગુજરાતની સ્વર્ણિમ જયંતી ઉજવણી વર્ષનું સમાપન કરી એક વખત જનશક્તિના સાક્ષાત્કાર સાથે ગુજરાતના શક્તિ અને સામર્થ્યની દેશની અનુભૂતિ કરાવી રહ્યું છે.
જનશક્તિના વિરાટ દર્શન સમી આ પરેડમાં ર૧૦૭ પોલીસ કર્મીઓ જોડાયા હતા. જે પૈકી ૧પ૦ જેટલા મહિલા પોલીસ કર્મીઓ હતા. સમગ્ર પરેડનું નેતૃત્વ ત્રણ મહિલા પોલીસ અધિકારીઓએ સંભાળી મહિલા શક્તિનો અદ્દભૂત પરિચય આપ્યો હતો. આ પરેડમાં વડોદરા ગ્રામ્યના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુશ્રી ગગનદીપ ગંભીરે પરેડ કમાન્ડર તરીકે જવાબદારી સંભાળી હતી. તેમની સાથે પરેડ ટુ આઇ.સી. તરીકે કલોલ ડિવીઝનના ડીવાયએસપી સુશ્રી ઉષાબેન રાડા અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચના મહિલા પી.આઇ. કુ. ચેતના ચૌધરીએ જવાબદારી સંભાળી હતી.
ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ખાતે ર્ડા. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી શરૂ થયેલી આ માર્ચ પાસ્ટમાં પોલીસ અને અર્ધલશ્કરી દળો, અશ્વદળ અને ઊંટ સવાર જવાનો મળી કુલ પ૯ પ્લાટુને ભાગ લીધો હતો. આ માર્ચપાસ્ટમાં જુદા જુદા જૂથ પ્રમાણે દસ જેટલા પોલીસ બેન્ડ દ્વારા સૂર અને તાલથી વાતાવરણને દેશભક્તિના રંગે રંગ્યું હતું. માર્ચપાસ્ટમાં દરેક પ્લાટુનની આગેવાની જુદા જુદા પ્લાટુન કમાન્ડરે લીધી હતી. તેમની સાથે પ્લાન્ટુનની ઓળખ માટેના હોર્ડીંગ્સ સાથેના ખાસ ગણવેશધારી મહિલા કર્મી પણ પરેડમાં જોડાયા હતા.
આ માર્ચ પાસ્ટમાં જોડાયેલા જુદા જુદા સાંસ્કૃતિક જૂથો દ્વારા ગુજરાતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના વૈવિધ્યને પ્રદર્શિત કર્યું હતું. જેમાં તરણેતરનો હૂડો રાસ અને આદિવાસી નૃત્યો ખાસ આકર્ષણરૂપ બન્યા હતા. જયારે ગુજરાતનો ગરબો શિરમોર રહ્યો હતો. બાળકો દ્વારા રજૂ થયેલા બેન્ડના સૂર અને તાલ ઉપરાંત અંગ કસરતના દાવ અનોખા રહ્યા હતા.
આ ઉપરાંત કિડ્સ સીટી, બિનપરંપરાગત ઊર્જા, નર્મદા નહેરો, પંચશક્તિ દર્શાવતા ટેબ્લો, ઓઇલ અને ગેસ, પ્રવાસન અને નારીશક્તિ જેવા અનેકવિધ વિષયોને પ્રદર્શિત કરતા ટેબ્લો સેન્ટ્રલ વિસ્ટાના માર્ગ પરથી પસાર થયા ત્યારે ઉપસ્થિત જનમેદનીએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટાસ્થિત ર્ડા. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી મહાત્મા મંદિર ખાતે પહોંચેલી આ માર્ચપાસ્ટનું મહાત્મા મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાત્મા મંદિર ખાતેથી આ માર્ચ પાસ્ટ ર્ડા. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પરત ફરી હતી.
આ માર્ચ પાસ્ટમાં ખાસ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેલા કેન્યાના વાઇસ પ્રેસિડેન્ટ સાથે કેન્યાના ઉદ્યોગ મંત્રી સાથેના ૧૪ સભ્યોનું ડેલીગેશન પણ ઉપસ્થિત રહ્યું હતું. આ ઉપરાંત આ માર્ચપાસ્ટમાં મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યશ્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, બોર્ડ-નિગમના ચેરમેનશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ સહિતના વરિષ્ઠ સચિવશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ, સ્વર્ણિમ જયંતી સમાપન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેવા ગાંધીનગર આવી પહોંચેલા બિનનિવાસી ભારતીયો, બિન નિવાસી ગુજરાતીઓ, દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી આવેલા ગુજરાતી પ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહીને માર્ચપાસ્ટને નિહાળી હતી.