મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ શહેરના પ્રથમ ગરીબ કલ્યાણ મેળામાં જણાવ્યું હતું કે, ગરીબોની સેવા માટેનું સુશાસન કેવું હોય તેનું ઉત્તમ દ્રષ્ટાંત ગુજરાતે દેશને પુરૂ પાડયું છે.
શહેરી શ્રમયોગીઓની વિરાટ જનશકિતએ ગરીબ કલ્યાણમેળાને આપેલા અભૂતપૂર્વ સમર્થનને આવકારતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગરીબોને લૂંટનારા ૬૦ વર્ષ જુના રોગચાળાને નાબૂદ કરવા તેમની સરકાર પ્રતિબધ્ધ છે.
ગરીબી સામેની લડાઇમાં શહેરી ગરીબ પરિવારોને આર્થિક શકિત સાથે પ્રેરિત કરવાનો આ અનોખો સેવાયજ્ઞ આજે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો. તેમાં શહેરના શ્રમયોગી પરિવારોનો વિરાટ જનસાગર ઉમટ્યો હતો. મુખ્યમંત્રીશ્રી અને વિધાનસભાના અધ્યક્ષશ્રી સહિત મંત્રીશ્રીઓએ એક જ શમિયાણામાં ૬૦૨૫ લાભાર્થીઓને ૩૦ યોજનાઓમાં મળીને રૂ.૪૩.૩૮ કરોડના સાધન સહાય હાથોહાથ આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણમેળો એ સુશાસન-ગુડગવર્નન્સમાં વિશ્વાસ ધરાવે છે અને સૌ માટે ગરીબની સેવા કરવાનું ઉત્તમ માધ્યમ છે તેવું પુરવાર કર્યું છે.
ચૂંટણી આવે તો જ ગરીબની માળા જપવાની પરંપરા આ ગરીબ કલ્યાણ મેળાના અભિયાને તોડી છે. મતપેટીનું પતકડું કે મશીન નહીં પણ ગરીબ પણ સંવેદના-સપના-અરમાન અને હૈયું ધરાવતો માનવી છે. તેવી સંવેદના સાથે તેમની ઉમ્મીદ સાકાર કરવા આ અભિયાન ઉપાડયું છે તેમ તેમણે જણાવ્યું હતું.
આઝાદ ભારતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર કોઇ એક વ્યકિતને એક જ અભિયાનમાં ૫૦ લાખ ગરીબો સાથે સીધો સંવાદ કરવાનું સૌભાગ્ય કોઇને મળ્યું હોય તો આ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી મળ્યું છે. તેનો નિર્દેશ કરતાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, બજેટ, યોજના પહેલા પણ હતાં પણ અબજો રૂપિયા કોના પંજામાં, કોના હાથમાં ફસાઇ જતાં હતા ? જો ભૂતકાળમાં ગરીબોની યોજનાઓના રૂપિયા કયાંય ઘસાયા વગર ગરીબોના હાથમાં ગયા હોત તો ગરીબી આટલી વકરી જ ન હોત અને ગરીબની આ દૂર્દશા ના હોત તેમ તેમણે જણાવ્યું હતું.
ગરીબલક્ષી યોજનાના લાભો અને હક્કો લક્ષિત લાભાર્થીને કઇ રીતે મળે તેની સમજ ગરીબોની યોજનાનો અમલ કરનારા અધિકારી કે પદાધિકારી, જનપ્રતિનિધિ મીડિયા કે કોઇની નથી. તો ગરીબનું કઇ રીતે કોઇ સાંભળે ? તેની ભૂમિકા આપી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબને છેતરનારા ‘‘ઉપરવાળાના નામે'' કેવી રીતે ગરીબોના હક્કો લૂંટવાના કારસા ૬૦ વર્ષ સુધી કેવી રીતે ચાલતા રહ્યા તેની સમજ પણ આપી હતી. ‘‘મારે આ ગરીબ કલ્યાણમેળાથી આ રોગચાળાને નાબૂદ કરવો છે, ગરીબનું લોહી ચૂસનારા, શોષણ કરનારા ઉપર ગરીબ કલ્યાણમેળાનું બુલડોઝર ફરી રહ્યું છે'' તેમ તેમણે જણાવ્યું હતું.
આ સરકારે ગરીબોના કલ્યાણની કેટકેટલીય યોજનાઓ અમલી બનાવી છે. ગરીબોને શિક્ષિત બનાવવા જન્મથી મરણ સુધીની મુસીબતોના સમયે ગરીબોની બેલી તરીકે આ સરકારે એક એક ડગલે ને પગલે ઉભી રહેવા પ્રયાસો કર્યા છે. તેની વિગતવાર સમજ પણ તેમણે આપી હતી. ગુજરાતના કોઇપણ ખૂણે ૧૦૮ ઇમરજન્સી સેવા ગરીબને ૨૪ કલાક સારવાર મળે તેવી વ્યવસ્થા કરી છે અને જીંદગી બચાવી છે તેમ તેમણે જણાવ્યું હતું. શહેરમાં રોજી માટે આવતા ગરીબ શ્રમજીવીને આવાસ માટે એકલા અમદાવાદ શહેર માટે જ રૂપિયા ૫૨૫ કરોડનો આવાસ પ્રોજકટ હાથ ધર્યો છે તેની માહિતી આપતાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની સ્વર્ણિમ જયંતિના વર્ષમાં હજ્જારો ગરીબને પાકા સુવિધાવાળા આવાસો આપી દેવાની નેમ વ્યકત કરી હતી.
વિરાટ જનસમુદાય પાસે સામુહિક સમર્થન મેળવીને મુખ્યમંત્રીશ્રીએ આ ગરીબ કલ્યાણમેળામાંથી એક કુટેવ છોડવાનો સંકલ્પ લઇને હ્ય્દયસ્પર્શી અપીલ કરી હતી. એક કુટેવ છોડવાથી ગરીબી સામેની લડાઇની તાકાત અનેકગણી વધી જશે તેમ તેમણે જણાવ્યું હતું. ‘‘ગરીબની મોટી મુસીબત દેવાના ડુંગરમાં ડુબાડી દેતા વ્યાજખાઉં શોષણખોરોની ચૂંગાલમાંથી મુકત થવાની છે'' તે માટે મુખ્યમંત્રીશ્રીએ ગરીબ માનવીને દેવામાંથી છોડાવવા ગામે ગામ સવા લાખ સખીમંડળોની લાખો બહેનોના હાથમાં રૂપિયા ૪૦૦ કરોડનો વહીવટ આર્થિક પ્રવૃત્તિ તરીકે મુકયો છે તેની શકિતની રૂપરેખા આપી હતી. તેમણે સખીમંડળોની બહેનોને ગરીબોના વ્યાજ અને દેવા મુકિત માટે રૂ.૧૦૦૦ કરોડ આપવાની જાહેરાત કરી હતી અને વર્ષ ૨૦૧૪ સુધીમાં રૂપિયા ૫૦૦૦ કરોડનો વહીવટ અપાશે તેમ તેમણે જાહેર કર્યું હતું.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, સમાજમાં ધનિક અને ગરીબ તેમ બે વર્ગ વચ્ચેની ખાઇ ઘટાડવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબી સામેનું યુધ્ધ છેડયું છે. ગરીબી સામેના યુધ્ધ સમાન આ ગરીબ કલ્યાણમેળા દ્વારા ૨૫ લાખ જેટલા લાભાર્થીઓને હાથોહાથ હકક અપાયા છે. સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢીને દેશના ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ ગુજરાતે ઉમેર્યું છે. નકસલવાદ અને માઓવાદ જેવી આતંકી પ્રવૃત્તિથી ૪૦ ટકા જેટલો ભૂ ભાગ અસરગ્રસ્ત છે ત્યારે ગુજરાત આ સમસ્યાથી દૂર છે તેના પાયામાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિપૂર્ણ શાસનશૈલી છે. મંત્રીશ્રીએ ગરીબો, પીડીતો, શોષિતોના કલ્યાણ માટે અમલી બનાવાયેલી અનેક યોજનાઓની જાણકારી આપી હતી.
અમદાવાદના મેયર શ્રી કાનાજી ઠાકોરે જણાવ્યું હતું કે, ગરીબોના ઘર સુધી તેમના લાભો પહોંચાડવાનો આ અભિગમ છે. સમાજ સુરક્ષા આવાસ યોજના બેન્કેબલ જેવી યોજનાઓ અંતર્ગત ગરીબોને લાભાન્વિત કરાયા છે. તેમણે મહાનગરપાલિકા દ્વારા અમલી બનાવાયેલી કલ્યાણ યોજનાઓની વિગતો આપી હતી.
આજે યોજાયેલા ગરીબ કલ્યાણમેળામાં અમદાવાદ શહેરના ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ, ગોમતીપુર, રાજપુર, સરસપુર, નવા નરોડા, દાણીલીમડા તથા બહેરામપુરા એમ દસ વોર્ડના ૬૦૨૫ લાભાર્થીઓને રૂ.૪૩.૩૮ કરોડના લાભ સહાય અપાયા હતા.
આ પ્રસંગે અનેક દાતાઓએ મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણીનિધીમાં કુલ રૂ.૮,૧૮,૧૦૦/-ના ચેક અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી અશોકભાઇ ભટ્ટ, મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, ગૃહ રાજ્ય મંત્રી શ્રી અમીતભાઇ શાહ, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પ્રદિપસિંહ જાડેજા, સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, શ્રી યોગેશ પટેલ, જયદ્રથસિંહ પરમાર, સાંસદ શ્રી હરિનભાઇ પાઠક, ડા.કિરીટભાઇ સોલંકી, કર્ણાટકના ગ્રામવિકાસ મંત્રી શ્રી જગદીશ શેત્તર, ધારાસભ્ય સર્વ શ્રી બાબુભાઇ જે.પટેલ, ગીતાબેન પટેલ, વલ્લભભાઇ કાકડીયા, જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી રાકેશ શાહ, પૂર્વ મંત્રી શ્રી કૌશિક પટેલ, અન્ય પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી આઇ.પી.ગૌતમ અને જિલ્લા કલેકટર શ્રી હારિત શુકલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.