મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં યોજાઇ રહેલા ગરીબ કલ્યાણ મેળાઓને ગરીબી સામે લડવા માટેનું શિક્ષણ આપતી ઓપન યુનિવર્સિટી ગણાવ્યા છે.
સરકારની યોજનાઓ અને રાજ્યની તિજોરી ગરીબને એવી તાકાત આપે જે ગરીબીના ખપ્પરમાંથી કાયમ માટે ગરીબને છોડાવે એવો આત્મવિશ્વાસ પ્રત્યેક ગરીબમાં જગાવવો છે એમ તેમણે જણાવ્યું હતું.
ગરીબી સામે સામૂહિક લડાઇનું અભિયાન લઇને જિલ્લે-જિલ્લે ગરીબ કલ્યાણ મેળાનો સેવાયજ્ઞ કરી રહેલા મુખ્યમંત્રીશ્રીએ આજે ગુજરાતનો ર૧મો ગરીબ કલ્યાણ મેળો નડિયાદમાં યોજીને, ખેડા જિલ્લાના નડિયાદ ઠાસરા, કઠલાલ, વીરપુર, બાલાસિનોર અને કપડવંજના છ તાલુકાઓના ૪ર૪પ૩ ગરીબોને મળવાપાત્ર રૂા. ૯૪.રપ કરોડથી વધારે રકમના વ્યકિતગત સહાય-સાધનોનું વિતરણ કર્યું હતું.
ગરીબના ધરમાં જઇને તેના હક્કનું છીનવી લેનારા વચેટીયાઓ-દલાલોની જમાતનો હવે ગરીબના ધરમાં પગ પેસવા દેવો નથી એવો દ્રઢ નિર્ધાર વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક ગરીબ લાભાર્થીને એવી હ્વદયસ્પર્શી અપીલ કરી હતી કે કોઇ વચેટીયો ગરીબને ગૂમરાહ કરીને “ઉપરવાળાના નામે ગરીબને લૂંટવા ઉધરાણા કરે તો તેમને સીધું પરખાવી દેજો કે કાણી પાઇ પણ મળવાની નથી.”
મુખ્યમંત્રીશ્રીએ વચેટીયાની જમાતની જેવી વ્યાજખાઉ શરાફોની શોષણખોરીમાંથી ગરીબ કુટુંબોને મૂકત કરવા સખીમંડળોની વ્યવસ્થાએ ગ્રામ્ય નારીશકિતને રૂા. ૪૦૦ કરોડના બેન્ક ધિરાણની સુવિધા આપીને નાણાંકીય વહીવટમાં કુશળ બનાવી છે તેની પણ વિગતો આપી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરકારી યોજનાઓ અને તેના મળવાપાત્ર લાભો સાચા લાભાર્થીને મળે તેવી પાકે પાયે વ્યવસ્થા કરી છે તેની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું કે દરેક ગામના ચોરે લાભાર્થી અને તેને મળેલી મદદની યાદી જાહેરમાં મૂકાશે. ગ્રામસમાજ દરેક ગરીબ લાભાર્થીની ઓળખ ધરાવે છે અને તેથી કોઇ ખોટા લાભ લઇ જઇ શકશે નહીં. આની સાથોસાથ તેમણે દરેક લાભાર્થીને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઇને નબળી કે હલકી ગુણવત્તાની સાધન-સહાય મળે તો મુખ્યમંત્રીને એક પોસ્ટકાર્ડ લખજો. માલ સપ્લાય કરનારાની જવાબદારી હશે તો સરકાર તેને બક્ષવાની નથી.
મુખ્યમંત્રીશ્રીએ ગરીબી સામે ગુજરાતે લડાઇનો સામૂહિક વ્યૂહ અપનાવ્યો છે ત્યારે કેન્દ્રની સરકાર ગરીબને ગરીબી સામે લડવાના હથિયાર તરીકે શિક્ષણની સુવિધા બંધ કરવાની નકારાત્મક માનસિકતા કેમ ધરાવે છે તેવો પ્રશ્ન ઉઠાવીને દ્રષ્ટાંતરૂપે જણાવ્યું કે અંધ-અપંગના શિક્ષણ માટેની કેન્દ્રીય યોજના જ અપંગ બનાવી દીધી છે. બીજી બાજુ, મોંધવારીના કાળજાળ ત્રાસથી ગરીબનું જીવતર બદતર થઇ ગયું છે. ગરીબી સામે લડવા ગુજરાત સરકાર ખોબલે-ખોબલે આપે છે પણ કેન્દ્ર સરકારની મોંધવારી સુપડે-સુપડે ખેંચી જાય છે. મોંધવારી ડામવાના નિવેદનોની નહીં પણ મોંધવારી નાબૂદ કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.
વિરાટ જનસાગરનું અભિવાદન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આજે ગરીબ માનવીના મનમાં વિશ્વાસનું વાતાવરણ દેખાય છે એટલા માટે કે આઝાદીના છ દાયકાથી ગરીબીના ખપ્પરમાંથી બહાર આવવા માટે આ ગરીબ કલ્યાણ મેળાએ રસ્તો બતાવ્યો છે. કોઇ ગરીબ મા-બાપ વારસામાં ગરીબી આપવા માંગતા નથી. આઝાદી પછીની ત્રણ-ચાર પેઢીઓ ગરીબીમાં હોમાઇ ગઇ હવે આ સરકારે દેશને સાચો રસ્તો બતાવ્યો છે. ગરીબને ગરીબીના ખપ્પરમાંથી બહાર આવવું છે અને આ ગરીબનું સપનું પુરૂં કરવા ગરીબ કલ્યાણ મેળાનું અભિયાન ઉપાડયું છે. એમાં ચૂંટણીના અવસરે ગરીબોના નામે મત પડાવવાનો હેતુ નથી કારણ અત્યારે કોઇ ચૂંટણી નથી યોજાતી. ગરીબના મત મેળવવા નહીં પણ ગરીબનો હાથ પકડીને ગરીબી સામે લડવા તાકાત આપવી છે એમ તેમણે જણાવ્યું હતું.
દિવસ-રાત ગરીબીની માળા કયાં સુધી જપવી છે? કયાં સુધી ઓશિયાળી જીંદગી ગુજારીશું? એવા હ્વદયસ્પર્શી પ્રશ્નોથી ગરીબને તેના સંતાનો માટે શિક્ષણ લેવા પ્રતિબદ્ધ કરવો છે એમ તેમણે જણાવ્યું હતું.
“આ સરકાર ગરીબને બધી જ યોજનાઓથી મદદ કરવા તૈયાર છે પરંતુ ગરીબીમાંથી બહાર આવવાની ઇચ્છાશકિત જાગવી જોઇએ.” એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ગરીબને રોટલો અને ઓટલો આપીને તાકાતવાન બનાવવો છે. કોઇ ભિક્ષુક તેની શકિત ભીખ માંગવામાં વેડફે તેને બદલે ગરીબલક્ષી યોજનાનો લાભ લઇને જીવનમાં બદલાવ લાવે તેવો રસ્તો આ સરકારે બતાવ્યો છે તેની ભૂમિકા આપી હતી.
ગરીબીમાંથી બહાર આવવા માટે આ સરકારે બધા જ રસ્તા ઉપલબ્ધ કર્યા છે. ગરીબનો ઉપયોગ મતો ભેગા કરવા નહીં પણ ગરીબની શકિતનો ઉપયોગ દેશના વિકાસ માટે થાય એવો સામર્થ્યવાન બનાવવો છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગરીબ પરિવારની દીકરીને કુપોષણથી મૂકત કરી, શિક્ષિત બનાવીને તેને હસ્તકલા કારીગરીનું શિક્ષણ-સાધનો આપીને પરણે ત્યારે કુંવરબાઇનું મામેરૂં આપવા પણ આ સરકારે યોજના ધડીને લાભ આપ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લા પ૦ વર્ષમાં ધરવિહોણાને જેટલા પ્લોટ મળ્યા છે તેના કરતાં વધુ ધરથાળના પ્લોટ આ પ૦ ગરીબ કલ્યાણ મેળામાં અપાઇ જશે.
સરકારી આવાસની મદદ-પ્લોટ જ નહીં પરંતુ સ્વર્ણિમ નગર વસાહતોનું ધરવિહોણા ગરીબને સુખ-સુવિધા વાળી માળખાકીય સુવિધા વિકસાવવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
ગુજરાત પહેલું એવું રાજ્ય બનશે જ્યાં ઝુપડામાં પણ ગરીબના ધરમાં વીજળી મળી રહી છે. ગરીબી રેખા નીચે ઝૂંપડામાં વસતા ગરીબને પણ વીજળીની સુવિધા આ સરકાર આપી રહી છે એમ ગરીબોની બેલી સરકારની સંવેદનાનો ખ્યાલ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ગરીબ સગર્ભાની પ્રસૂતિ હોય કે જીવલેણ દર્દથી પીડાતા અકસ્માતમાં જીંદગી માટે તરફડતા ગરીબને ૧૦૮-ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા તદ્દન મફત મળતી થઇ છે. લાખો ગરીબ માનવીને ન્યાય ઝડપથી મળી રહે એ માટે ઇવનિંગ કોર્ટની વ્યવસ્થા આ ગુજરાતમાં જ થઇ છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
સરકારી તિજોરીમાંથી અબજો રૂપિયા ગરીબોની યોજનાઓના નામે ગયા કયાં? એ ગંભીર સમસ્યાનો જવાબ આઝાદીના ૬૦ વર્ષો પછી પણ કોઇને જડતો નથી. શા માટે ગરીબની યોજનાના બધા નાણાં ખર્ચાઇ ગયા પછી પણ ગરીબના ચહેરા ઉપર તેજી કેમ નથી દેખાતી? કારણ કે ગરીબના હક્કનું લૂંટનારી વચેટીયા જમાત વકરી ગઇ છે. આ ગરીબોને “ઉપરવાળાના નામે” લૂંટનારાની કટકી કંપનીની દુકાનો બંધ કરી છે.
મહેસૂલ મંત્રીશ્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસની સાથે પ્રજા કલ્યાણના કામો આ સરકારે પરિણામલક્ષી બનાવ્યા છે. સાથે સાથે મહિલાઓ અને બાળકોના વિકાસ માટે પ્રવર્તમાન સરકારે સવિશેષ ચિંતા કરી છે. અલગ રાજ્યની સ્થાપના પછી પ્રથમવાર આ સરકારે અલગ “મહિલા અને બાળ કલ્યાણ” વિભાગની રચના કરી છે એટલું જ નહીં, તેમના આરોગ્ય અને શિક્ષણની પણ ચિંતા અને ચિંતન કર્યા છે. એક પણ બહેન-દિકરી અભણ ન રહેવી જોઇએ તેવા દૃઢ નિર્ધાર સાથે રાજ્યમાં “કન્યા કેળવણી”નું અભિયાન હાથ ધર્યું છે. પ્રવેશ પછી, દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા “વિઘાલક્ષ્મી” અને “નર્મદા બોન્ડ” અપાય છે. છેલ્લા ૭ વર્ષમાં ૮ લાખ દીકરીઓને રૂા. ૮૦ કરોડની રકમના “નર્મદા બોન્ડ” અપાયા છે. એટલું જ નહીં “શાળા આરોગ્ય તપાસ” કાર્યક્રમ હાથ ધરી રાજ્યના તમામ બાળકોની આરોગ્ય તપાસ કરાય છે અને જરૂરિયાત હોય તેવા અંદાજે 1 હજાર બાળકોના ઓપરેશન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કરાય છે. વધુ સારવારની જરૂર હોય ત્યાં રાજ્ય બહાર પણ ઓપરેશન માટે મોકલાય છે. વિધવા બહેનોને તાલીમ આપી પગભર કરાઇ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
જિલ્લા પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલાએ જણાવ્યું હતું કે, ગુજરાત તેની સ્થાપનાના પ૦ વર્ષની ઉજવણી “ગરીબી સામેના યુદ્ધ”થી ઉજવવા માંગે છે. રાજ્યમાં અંદાજે રપ લાખ લાભાર્થીઓને અંદાજે રૂા. ૧પ૦૦ કરોડના લાભ સહાય અપાવાના છે. ગુજરાતનો ગરીબ, ગરીબીમાંથી મુકત થાય તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. દેશમાં પ્રવર્તતી અનેક સમસ્યાનો ઓછાયો સુધ્ધાં ગુજરાતમાં નથી તેની પાછળ મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું દીર્ધદ્રષ્ટિપુર્ણ શાસન છે. ગરીબી માત્ર કામચલાઉ દૂર થાય તેવું નહીં પણ કાયમી ધોરણે દૂર થાય તેવા ગુજરાત સરકારના પ્રયાસો છે. ગરીબો-પીડિતોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સંખ્યાબંધ યોજનાઓ હાથ ધરાઇ છે. ગરીબ દીકરીઓને સાયકલ, વૃદ્ધ-વિધવા સહાય, ગરીબ વિઘાર્થીને રૂા. ૧પ હજારની ટયુશન સહાય, અનુસૂચિત જાતિના તબીબને પ્રેકટીસ માટે ઓછા વ્યાજની લોન વકીલોને પ્રેકટીસ માટે માસિક સ્ટાઇપેન્ડ જેવી યોજનાઓ પણ હાથ ધરાઇ છે.
સંસદીય સચિવશ્રી સુંદરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં “ગરીબ કલ્યાણ મેળા” દ્વારા ગરીબોના સર્વાંગી ઉત્કર્ષનો સેવા યજ્ઞ આરંભાયો છે.
ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રાકેશ રાવે જણાવ્યું હતું કે, દેશમાં ર૮ કરોડ લોકો બે ટંક ભોજન મેળવી શકતા નથી તેવું યુનાઇટેડ નેશન્સનો અહેવાલ કહે છે. ત્યારે ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગુજરાત સરકાર ગરીબોની બેલી બની છે.
નડીયાદના ધારાસભ્યશ્રી પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય દિનપ્રતિદિન વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે. રાજ્યના પ્રત્યેક ગરીબના ધરમાં કલ્યાણનો દીપ પ્રજવલિત થવાનો છે.
આ પ્રસંગે સંસદીય સચિવશ્રી યોગેશભાઇ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી અંબાલાલ રોહિત, ગુજરાત રાજ્ય મહીલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયા, માતરના ધારાસભ્યશ્રી દેવુંસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી સુરેશભાઇ ભટ્ટ, પ્રદેશ મંત્રી હંસાબા રાજ, તાલુકા-નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.