મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હીમાં ઉદ્યોગ વેપાર જગતના અગ્રણી સંચાલકો સમક્ષ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના વૈશ્વિક વિકાસની નવી ઓળખ ઉભી કરનારા ઉજ્જવળ ભવિષ્યની રૂપરેખા આપી હતી. અને જણાવ્યું હતું કે, દિલ્હીમુંબઇઇન્ડસ્ટ્રીયલકોરીડોર (D.M.I.C.) તથા સ્પેશીયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (SIR) ના સુઆયોજિત વિકાસ વ્યૂહના પરિણામે રાજ્યમાં ૧૨ જેટલાં આધુનિક મોડેલ ટ્રાન્સપોર્ટ સિટીનું નિર્માણ થવાનું છે.
આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૧૧ના સંદર્ભમાં દિલ્હીમાં મુખ્યમંત્રીશ્રીએ યોજેલી ઉદ્યોગ વેપાર સંચાલકોની આ બેઠકને ભારે ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. ૩૫૦ જેટલા અગ્રણી ઉદ્યોગકારો ઉપરાંત જાપાનના એમ્બેસેડર, કેનેડાના રાજદૂતાવાસના વરિષ્ઠ મિનીસ્ટર ઇનચાર્જ સહિત ૨૬ જેટલાં વિદેશી રાજદૂતાવાસના ઉચ્ચ પદાધિકારીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૧૧ની જાન્યુઆરીમાં યોજનારી આ સમિટ રાજ્યની આ પ્રકારની પાંચમી સમિટ બનાવાની છે પરંતુ તે હવે ગુજરાત માટે ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન ઇવેન્ટ તરીકે નહીં, પણ ગુજરાતને ગ્લોબલ બીઝનેશ અને પાર્ટનરશીપના પ્લેટફોર્મ તરીકેની નવી ઓળખ આપનારી ઐતિહાસિક ઇવેન્ટ બની રહેશે.
‘‘જેમણે સમય સાથે ચાલવું છે તેમણે ગુજરાતમાં આવવું જોઇએ અને જેઓ સમયથી પણ આગળ નીકળી જવા કટિબધ્ધ છે તેમના માટે તો ગુજરાત જ સર્વોત્તમ છે'' એમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસમાં સહભાગી બનવાની આ તક ઝડપીને ગુજરાતની ગ્લોબલ બ્રાન્ડ ઇમેજનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે ઇન્ડસ્ટ્રીયલ ઇન્સેટીવ્ઝ-ઔદ્યોગિક પ્રોત્સાહનોના ચક્રમાંથી બહાર આવીને વિકાસના શ્રેષ્ઠ વાતાવરણનું સર્જન કર્યું છે. રાજકીય સ્થિરતા અને પ્રગિતશીલ નીતિઓના પરિણામે ગુજરાતમાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટેની ઉત્તમ માળખાકીય સુવિધાઓ ઉભી થઇ છે અને દેશ-વિદેશના ઉદ્યોગ સંચાલકો ગુજરાતમાં આવીને ગ્લોબલ સમિટમાં નવી ભાગીદારી અને પોતાના રાજ્ય તથા દેશમાં મૂડીરોકાણ માટેની તકો ઝડપવાનો અવસર પ્રાપ્ત કરી શકશે.
તેમણે જણાવ્યું કે, ગુજરાતે વિકાસનું જે મોડલ વિઝન સાકાર કરવાની પહેલ કરી છે તે અંગે બીજા કોઇ તો વિચારણા પણ કરી શકતા નથી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતની આ વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ રાજ્યની સ્વર્ણિમ જયંતિના અવસરે યોજાઇ રહી છે અને તેમાં ભારતના અર્થતંત્રની તાસીર બદલી નાખવાનું સામથ્ય છે, એટલું જ નહીં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પણ તેનો મોટો પ્રભાવ ઉભો થવાનો છે.
ગુજરાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના આધારે વિકાસનું જે મોડેલ ઉભું કર્યું છે તેના કારણે ગુજરાતના સાગરકાંઠા ઉપર બંદરોનો વિકાસ પણ ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી ધમધમતો થયો છે. સમગ્ર દેશમાં બંદર વિકાસની ખાનગી ભાગીદારીનો આ આયામ માત્ર ગુજરાતમાં સફળ બન્યો છે, એટલું જ નહીં હવે વિશાળ સમુદ્રકાંઠાને જોડતા ડી.એમ.આઇ.સી. અને એસ.આઇ.આર. તથા ગીફ્ટ સિટી અને ગેસ આધારિત અર્થતંત્રના નેટવર્કને કારણે ગુજરાત યુરોપના બજારો માટે ધબકતું કેન્દ્ર બની જવાનું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ન્યુ ટેકનોલોજી અને ઇનોવેટીવ ઇનોવેશન - નવતર આયામોના ક્ષેત્રે માનવશકિત વિકાસને પ્રોત્સાહન આપવાની વ્યૂહરચનાની ભૂમિકા આપી હતી. રાજ્યમાં વિશ્વકક્ષાનું ઇન્ક્યુબેટર સેન્ટર સ્થાપવા માટેની યોજના પણ તેમણે સમજાવી હતી. ગુજરાતમાં નેનો ટેકનોલોજી અને ઇન્વાર્યનમેન્ટ ટેકનોલોજી દ્વારા વિકાસની નવી ક્ષિતિજો ખૂલી રહી છે, એટલું નહીં ગુજરાત ગીફ્ટ સિટી દ્વારા હાઇટેક ફાઇનાન્સીયલ સર્વિસીઝ, મેડીકલ ટુરીઝમ તથા પ્રવાસન ક્ષેત્રે નવા આયામો સાથે આગળ વધી રહ્યુ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં સંતુલીત અર્થતંત્રનો વ્યૂહ અપનાવ્યો છે તેની ભૂમિકા આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યના અર્થતંત્રમાં ૧/૩ હિસ્સો ઉદ્યોગનો, ૧/૩ હિસ્સો કૃષિક્ષેત્રનો અને ૧/૩ હિસ્સો સર્વિસ સેકટરનો સુનિશ્ચિત કર્યો છે અને સર્વિસ સેકટરમાં પ્રવાસન ઉદ્યોગને અગ્રીમસ્થાન આપવાનું આયોજન કર્યું છે.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં સ્મોલ એન્ડ મીડીયમ ઇન્ડસ્ટ્રીઝને ઔદ્યોગિક વિકાસની મુખ્ય તાકાત ગણાવી હતી અને જણાવ્યું હતું કે, ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો ૪૩ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. સ્મોલ એન્ડ મીડીયમ ઇન્ટસ્ટ્રીઝના વિકાસ દ્વારા ગુજરાત મેન્યુફેકચરીંગ હબની નવી શકિતરૂપે ઉભરી રહ્યું છે.
ગુજરાત ભારતના ગ્રોથ એન્જીન તરીકે કઇ રીતે પ્રસ્થાપિત થયું તેના અનેક પાસાઓની ભૂમિકા આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત કૃષિ ક્ષેત્રે જળ વ્યવસ્થાપન, વૈજ્ઞાનિક ખેતી, સોઇલ હેલ્થ કાર્ડ અને વેલ્યુએડીશન દ્વારા કૃષિ વિકાસનો ૯.૬ ટકાનો દેશમાં સૌથી વધુ વિકાસદર પ્રસ્થાપિત કરી શકયું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત, જાપાન, સાઉથકોરિયા, સીંગાપોર સહિતના એશીયન દેશો અને ચીન સાથેની ભાગીદારી પણ આવકારે છે. ગુજરાતની આર્થિક પ્રગતિ અને માળખાકીય સુવિધાઓએ ગ્લોબલ બેંચમાર્ક સાથે વૈશ્વિક સ્પર્ધામાં નવા પરિમાણો હાંસલ કર્યા છે અને તેથી જ, આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભારતના વિવિધ રાજ્યોને ગુજરાતમાં આમંત્રીને તેમના રાજ્યમાં પણ દેશ-વિદેશના રોકાણો અને ભાગીદારી માટેની તકો ઝડપી લેવાની સુવિધા આપી છે એમ તેમણે જણાવ્યું હતું.
ઉદ્યોગ સંચાલકોએ ગુજરાતના વિકાસની વ્યૂહરચના જાણવા માટે ખૂબ જ ઉત્સાહ દાખવીને મુખ્યમંત્રીશ્રી સાથે પ્રશ્નોત્તરી કરી હતી.
મુખ્ય સચિવ શ્રી એ.કે.જોતીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૧૧ના આયોજનની રૂપરેખા આપી સ્વાગત પ્રવચન કર્યું હતું. જી.આઇ.ડી.સી.ના મેનેજીંગ ડીરેકટર શ્રી અરવિંદ અગ્રવાલે ગુજરાતના વિકાસની મલ્ટીમિડીયા પ્રેઝન્ટેશન વિડીયો પ્રસ્તુતિ કરી હતી.