મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સર્વે વરિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ-બહેનો, અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલ, પ્રજાનો વિશ્વાસ જેમણે સંપાદન કર્યો છે એવાં સૌ જનપ્રતિનિધિ બહેનો...
આ સીઝન એવી છે કે તમે કાંઈ પણ કહો એ ચૂંટણીના ખાતામાં જ જમા થાય. દરેક વાત ચૂંટણીના ચશ્માંથી જ જોવાય એ બહુ સ્વાભાવિક છે. ચૂંટણી એ લોકશાહીનું ખૂબ મોટું પર્વ હોય છે અને આ લોકશાહીના પર્વમાં જાહેરજીવનમાં પડેલ દરેક વ્યક્તિનું કામ છે લોકશિક્ષણ કરવાનું, મત પરિવર્તન કરાવવાનું. ગઈકાલ સુધી એની પાસે એક માહિતી હતી, એક મત હતો. આજે એને સાચી માહિતી મળે એનો મત પરિવર્તિત થાય, મત સક્રિય થાય, મત સુષુપ્ત ન હોય, મત માત્ર નિરીક્ષક ન હોય, મત પરિવર્તનનો પ્રહરી હોય, આ મતના મહત્વને સમજી લે. આ લોકશાહીના પર્વને ઊજવવું જોઇએ. વ્યાપકપણે લોકશિક્ષણનું કામ થવું જોઇએ, અને એ જરૂરી નથી કે જેને મતદાન મથકમાં જઈને મત આપવાનો છે એમનું જ શિક્ષણ થવું જોઇએ, જરૂરી નથી. લોકશાહીનો પાયો મજબૂત કરવા માટે નાનાં નાનાં ભૂલકાંઓને પણ આ લોકશાહીના પર્વથી પરિચિત કરવા જોઇએ, શિક્ષિત કરવા જોઇએ. આપણી બહેનો જો નક્કી કરે કે ગુજરાતની બધી જ શાળાઓનાં બાળકોને મળીને ચૂંટણી શું કહેવાય, વિધાનસભા શું કહેવાય, લોકસભા શું કહેવાય, વિધાનસભામાં ઉમેદવારી કેવી રીતે થાય છે, વિધાનસભાની ચૂંટણી કેવી રીતે થાય છે, મતદાન કેવી રીતે બને, મતદાન કેવી રીતે થાય, આનું આખું એક પ્રશિક્ષણ કર્યું હોય..! ભલે વોટ નહીં આપવાનો હોય, પણ લોકશાહીનો પાયો મજબૂત બનવાનું કામ સ્વાભાવિક બનતું હોય છે અને પછી એ ટાબરિયાં શું કરે, એ વાનરસેના શું કરે..? ગામ આખાંને ગજવી નાખે. તમે જેટલો પ્રચાર કરો એના કરતાં વધારે એ કરે. પણ ઘણીવાર આપણી યોજનામાં આ બધી બાબતો ચૂંટણીના પડઘમ વાગી ગયા પછી આવે છે. હું મહિલા મોરચાની બહેનો પાસેથી એક અપેક્ષા કરું છું કે આઠમા, નવમા, દસમા, અગિયારમા, બારમામાં ભણનારાં બાળકોને લોકશાહીનું મૂલ્ય સમજાવી શકીએ આપણે? લોકશાહીના પર્વનો પરિચય કરાવી શકીએ? આપણે તાલુકા પંચાયતમાં જીત્યા હોઈએ, જિલ્લા પંચાયતમાં જીત્યા હોઈએ, નગરપાલિકામાં જીત્યા હોઈએ, આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા છે શું? કામ કેવી રીતે કરે છે? એ જાતે જઈને સમજાવી શકીએ? મિત્રો, ઘણીવાર આ નાનકડું લાગતું કામ પણ કેટલી મોટી અસર પેદા કરી શકે છે એનો કદાચ આપને અંદાજ નહીં હોય. અને હું તો ઘણીવાર કહેતો હોઉં છું કે ચૂંટણીમાં એક બહેનને બાળ વિભાગના ઇન્ચાર્જ બનાવવા જોઇએ. એક ભાઈ અને એક બહેનની જોડી હોય, એ બાળકોના જ કાર્યક્રમો ગોઠવ્યા કરે, આખી ચૂંટણીમાં. એમનાં જ સરઘસો કાઢે, થાળી વગાડતા વગાડતા નીકળે..! તમારામાંથી મોટાભાગના લોકો ભાજપના કાર્યકર્તા કેવી રીતે બન્યા હશે? વિદ્યાર્થી અવસ્થામાં કોઈ તમને કોઈ કાર્યક્રમમાં લઈ ગયું હશે અને જેના કાર્યક્રમમાં પહેલા ગયા એ પાર્ટી તમારી થઈ ગઈ. લગભગ એવું થયું હોય છે. આ બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ, એમનું શિક્ષણ કરવું જોઇએ અને લોકશાહીનો પાયો લોકશિક્ષણમાં રહેલો છે. જૂઠાણા, અપપ્રચાર, આવકો એ જે લોકો કરતા હોય એ કર્યા કરે, આપણે લોકશિક્ષણનું કામ કરતા રહીએ.
થોડાક દિવસ પહેલાં ઇલેક્શન કમિશનનું એક નિવેદન આવ્યું હતું. ઇલેક્શન કમિશને એમ કહ્યું કે અમે મહિલા મતદારોની સૌથી વધારે નોંધણી કરીશું અને મહિલા મતદારો પુરુષ મતદારો કરતાં પણ વધારે મતદાન કરે એના માટે અમે સક્રિય પ્રયાસ કરવાના છીએ. આ ઇલેક્શન કમિશનનું નિવેદન છે. એનો અર્થ એ થયો કે તમારે માટે જો ઇલેક્શન કમિશનનું આ સપનું હોય, કારણકે એ અમ્પાયર છે, ચૂંટણીના મુખ્ય અમ્પાયર જ એ હોય છે, જો અમ્પાયરનું આવું સપનું હોય તો એ સપનું પૂરું કરવા માટે જાહેરજીવનમાં પડેલા કાર્યકર્તા તરીકે અને એક મહિલા તરીકે આપણી જવાબદારી બને છે.
બહેનો, લોકશાહીમાં એક સૌથી મોટા ગુણની આવશ્યકતા હોય છે, જો એ ગુણ ન હોય તો તમે લોકશાહીને લાયક નથી. લોકશાહી તો જ પચાવી શકો જ્યારે તમે તમારા જીવનમાં એ ગુણને પચાવો અને જો એ ગુણ તમારામાં ન હોય તો તમને લોકશાહીની કોઈપણ પ્રક્રિયામાં ભાગીદાર બનવાનો હક નથી, એનું નેતૃત્વ કરવાનો હક નથી. એ લોકશાહીનો પાયાનો ગુણ કયો છે? એ પાયાનો ગુણ છે ટીકા સહન કરવાની તાકાત, સહિષ્ણુતા. જો તમે ટીકા સહન જ ન કરી શકો, તમારા કરતાં વિપરીત વાત કોઈ કહે એ તમને ગમે જ નહીં, તો તમને લોકશાહીની રખેવાળી કરવાનો કોઈ હક મળતો નથી, તમારી યોગ્યતા આના માટે પુરવાર નથી થતી. હમણાં શું થયું? કેટલાક પત્રકારો જે સોશિયલ મીડિયા પર, ટ્વિટર પર ટ્વિટ કરતા હોય, કોઈ ફેસબુક ઉપર કૉમેન્ટ કરતા હોય, કૉંગ્રેસના વિરુદ્ધમાં કંઈ કહેવાતું હોય, દેશની પરિસ્થિતિ વિશે કંઈ કહેવાતું હોય... તમને આશ્ચર્ય થશે ભાઈઓ, ભારત સરકારે આવા એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો..! એનો અર્થ એ થયો કે એક એસ.એમ.એસ. માં તમારી ટીકા થઈ હોય તો એ સહન કરવાની પણ એમની તૈયારી નથી. મિત્રો, હું બાર વર્ષથી.... કોઈ હુમલો બાકી નથી, હુમલાનો કોઈ પ્રકાર બાકી નથી, જૂઠાણાઓની ભરમાર થઈ છે. આટઆટલા જુલ્મ થયા પછી પણ લોકશાહીની મર્યાદા ખાતર પ્રત્યેક જુલ્મને સહન કરવાની કોશિશ કરી છે, લોકશાહીને ખાતર. એના માટે સામર્થ્ય જોઇતું હોય છે. ગઈકાલે કૉંગ્રેસ પાર્ટીએ અધિકૃત રીતે એક સર્ક્યુલર બહાર પાડ્યો છે અને અધિકૃત રીતે સર્ક્યુલરમાં તેમણે કહ્યું છે કે ગુજરાતની ગુજરાતી ચેનલ ટીવી-9 નો કૉંગ્રેસ બહિષ્કાર કરશે, કારણ શું? ટીવી-9 ચેનલનો ગુનો શું? કેટલીક બહેનો આ ‘ઘરનું ઘર’ યોજનાના ભાગરૂપે ઘર લેવા માટે કૉંગ્રેસ કાર્યાલય ગઈ. કૉંગ્રેસ કાર્યાલય જઈને કહ્યું કે ભાઈ, બતાવો અમને કે જમીન ક્યાં છે, મકાન ક્યાં છે, ડિઝાઇન ક્યાં છે..? કૉંગ્રેસના લોકો તત..પપ કરવા માંડ્યા. એટલે બહેનોએ કહ્યું કે તમે જૂઠાણા ફેલાવો છો અને એટલે એમણે પેલા ફરફરિયાંની હોળી કરી, એ હોળીનું દ્રશ્ય આ ટીવી-૯ વાળાએ બતાવ્યું એ એમનો ગુનો. જૂઠનો પર્દાફાશ થયો એ એમનો ગુનો. અને એના કારણે અસહિષ્ણુતા, લોકશાહીનો પારાવાર વિરોધ..! એક ટી.વી. ચેનલને બંધ કરી દો, એનો બહિષ્કાર કરી દો, અન્ય રાજ્યોમાં એને મળતી જાહેરાતો બંધ કરી દો..? અરે, કટોકટી કરતાં પણ આ ભૂંડા તમારા ખ્યાલો છે કૉંગ્રેસના મિત્રો, તમે યાદ કરો ઇંદિરા ગાંધીના એ દિવસો. ઇંદિરા ગાંધીનો સૂરજ ચારેકોર તપતો હતો, એમણે હિંદુસ્તાનની લોકશાહી પર ઘા કર્યો હતો, અહીંના છાપાં ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, સેન્સરશિપ લગાવી હતી. ‘મીસા’નો ભય પેદા કર્યો હતો અને કોઈ આંખ ઊંચી કરે તો ‘મીસા’ના કાળા કાયદા નીચે ઇંદિરા ગાંધી આ દેશના સૌ લોકોને જેલમાં નાખી દેતા હતા. આટઆટલો જુલ્મ કર્યો હતો તેમ છતાંય આ દેશની પ્રજાએ મોકો મળ્યો ત્યારે પળવારમાં શ્રીમતી ઇંદિરા ગાંધી સહિત એમની પાર્ટીને ખદેડી મૂકી હતી. આ હિંમત તમારી? અરે, તમારા મોંએ લોકશાહી શોભતી નથી. ઇલેક્શન કમિશનની જવાબદારી છે કે ભલે આચારસંહિતા જાહેર ન થઈ હોય, પરંતુ પ્રસાર માધ્યમોને આ પ્રકારે દબાવી દેવા માટેના દિલ્હીની સલ્તનતના પ્રતિનિધિઓ દ્વારા પ્રયત્ન થતા હોય તો ઇલેક્શન કમિશને સામે ચાલીને વચ્ચે આવવું જોઇએ અને આવા લોકોનો હિસાબ માંગવો જોઇએ. આપ કલ્પના કરી શકો છો કે આ ચૂંટણીમાં કેટલી ગંદકી ફેલાવાની કોશિશ થવાની છે, કેટલો જુલ્મ કરવાની કોશિશ થવાની છે.
ભાઈઓ-બહેનો, કૉંગ્રેસના લોકો ચૂંટણીમાં એક સૂત્ર આપે છે, ‘દિશા બદલો, દશા બદલો’. આ કૉંગ્રેસની દિશાના કારણે હિંદુસ્તાનની દુર્દશા દેશ જુએ છે. શું એ ઓછું છે તો તમારે ગુજરાતનીય દુર્દશા કરવી છે..? ના ના, હજુય તમારે ગુજરાતની દુર્દશા કરવાના ઓરતા બાકી રહી ગયા છે? આ તમારી દિશાનું પરિણામ છે કે દેશની દુર્દશા થઈ છે અને ગુજરાત આ તમારી દિશાએ જઈને ગુજરાતની દુર્દશા નહીં થવા દે. બહેનો, ગુજરાતની અંદર વિકાસનાં કામો... તમારામાંથી કોઈને પણ ગુજરાત બહાર જવાનું થયું હોય અને તમે એમ કહો કે હું ગુજરાતથી આવેલ છુ, તો સામેવાળાનો કેવો પ્રતિસાદ હોય છે? ગોળ ગોળ થઈ જાયને? આખા દેશને દેખાય છે, આખા દેશને, આ કૉંગ્રેસના લોકોને અહીંયાં આ નથી દેખાતું. કારણ, એમણે જૂઠાણાના ચશ્માં પહેરી લીધાં છે. અરે, લોકશાહીમાં સત્યને આધારે ડિબેટ કરો, જૂઠાણા શા માટે ફેલાવો છો..? અને પૈસાના જોરે અરબો રૂપિયાની લહાણી કરીને, મોંઘી મોંઘી જાહેરાતો આપીને ગુજરાતના સત્યના દીપકને તમે બૂઝવી નથી શકવાના. ચૂંટણીઓ જ્યારે ડિસેમ્બરમાં આવશે ત્યારે ગુજરાતની જનતા આ કૉંગ્રેસના કુકર્મોનો પણ હિસાબ લેવાની છે.
બહેનો, ચૂંટણી, બૂથમાં જીતવાની હોય છે. બૂથ જીતો એટલે ધારાસભા જીતાઈ જાય અને બૂથ હારી જાઓ તો ધારાસભા જીતાય નહીં. અને જો ગુજરાતમાં બહેનોની ફોજ નક્કી કરે કે દરેક પોલિંગ બૂથમાંથી ઓછામાં ઓછા ત્રણસો મત ભાજપને નંખાવા છે. હિસાબ લગાવીને, ભાઈઓ જે લગાવે એ જુદા. બહેનો નક્કી કરે કે એક પોલિંગ બૂથમાંથી ઓછામાં ઓછા ત્રણસો, સાડા ત્રણસો વોટ ભાજપ તરફી મતદાન થવું જોઇએ. બહેનો, લખી રાખજો, ટી.વી. પર એકેય આપણા સમાચાર ન આવે, છાપામાં કંઈ છપાય નહીં, કોઈ જાહેરસભા ન થાય, મોદી સાહેબનો પ્રવાસ ન થાય તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી સોળે કળાએ ખીલી ઊઠે, તમે લખી રાખો. આ બૂથ ઉપર ધ્યાન કેન્દ્રિત થવું જોઇએ. ડિલીમિટેશનને કારણે જૂના બધાં સમીકરણો બદલાઈ ગયાં હશે. એ સમીકરણોને સમજીએ અને ગરીબમાં ગરીબ માનવી આ વિકાસની યાત્રામાં ભાગીદાર બને એના માટે પ્રયાસ કરીએ.
આપ કલ્પના કરો, ૧૯૬૦ માં ગુજરાત તરીકેની વિકાસયાત્રાનો આરંભ થયો. ૧૯૬૦ માં ગુજરાત બન્યું. ૧૯૬૦ થી ૨૦૦૦, ચાલીસ વર્ષમાં આ રાજ્યમાં કુલ દસ લાખ ઘર આપવામાં આવ્યાં, કેટલાં..? કેટલા વર્ષમાં..? કોની સરકાર હતી..? કૉંગ્રેસની સરકાર, ચાલીસ વર્ષ, ઘર કેટલાં..? ચાલીસ વર્ષમાં દસ લાખ ઘર..! બહેનો, આપને જાણીને આનંદ થશે, આ દસ વર્ષમાં આપણે સોળ લાખ મકાનો બનાવ્યાં, સોળ લાખ મકાનો. અને હમણાં આ ગરીબ કલ્યાણ મેળામાં, પાંચેક કાર્યક્રમ થવાના છે, પાંચ કાર્યક્રમની અંદર સાડા ચાર લાખ બીજા મકાનો આપવાના છીએ, સાડા ચાર લાખ. અને પાછું સર્વેનું ફરફરિયું નહીં, એકવીસ હજાર રૂપિયાનો પહેલો હપતો દરેકને આપવાના છીએ, એકવીસ હજાર રૂપિયાનો. હિંદુસ્તાનમાં પહેલી વાર ઝીરોથી સોળ સુધી ગરીબીની રેખા નીચે જીવનારા ઘર વિહોણા પરિવારોને જમીનના પ્લૉટ આપવાનું કામ પૂરું કરી દીધું, મકાન માટેનો હપતો આપવાનું કામ પૂરું કરી દીધું. હવે ઉપાડ્યું છે, સત્તરથી વીસ ગરીબીની રેખા નીચે જે લોકો રહે છે એનું કામ ઉપાડ્યું છે. અને આ સત્તરથી વીસમાં સાડા ચાર લાખ ગરીબ પરિવારોને ઘરનું ઘર આપવાનું કામ પૂરું કરી નાખ્યું છે, વચન નહીં, અમલીકરણ કરીએ છીએ. કૉંગ્રેસ કેટલી હતાશ થઈ ગઈ છે, કેટલી નિરાશ થઈ ગઈ છે એનો તમે પૂરો અંદાજ કરી શકો છો. હમણાં વણથંભી વિકાસયાત્રા ચાલે છે. એક એક મંત્રી રોજના છ તાલુકા પંચાયતની સીટો કવર કરે છે. અને એક એક કાર્યક્રમની અંદર હજાર, બારસો, પંદરસો લોકો હાજર હોય છે. ગઈકાલે મેં ગરીબ કલ્યાણ મેળામાં વીડિયો કૉન્ફરન્સથી ભાષણ કર્યું. ગરીબ કલ્યાણ મેળામાં વીડિયો પરથી ભાષણ સાંભળવામાં લગભગ પોણા બે લાખ લોકો હાજર હતા, પોણા બે લાખ. અને મેં રિપોર્ટ માંગ્યા કે જેમ હાજરીમાં, રૂબરૂમાં જે પ્રકારે કામ થાય એટલી જ અસરકારકતાથી કામ થાય છે, કારણ છે વિશ્વાસ. અને ભાઈઓ-બહેનો, વિશ્વાસ આપડી મોટી મૂડી છે. એ વિશ્વાસને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. અને ભારતીય જનતા પાર્ટીનો એક જ મકસદ છે, અમારા ગુજરાતનું ભલું થાય, અમારા ગુજરાતની માતાઓ-બહેનો સુખ અને શાંતિથી જીવતી થાય.
અહીં અમારા અગાઉના વક્તાઓએ અનેકવિધ યોજનાઓનું વર્ણન કર્યું છે. અહીંયાં હું તમને પૂછું તો તમે પણ સો યોજનાઓ એક એક જણ બોલી જાઓ. પણ લોકશાહીનો એક કસોટી કાળ પણ હોય છે. એ કસોટી કાળ એ હોય છે કે સામાન્ય નાગરિકને શું મળ્યું એનાથી સંતોષ નથી થતો, એને તમારે સમજાવવું પડે કે પહેલાં સ્થિતિ કેવી હતી. તમે પૂછો કે ગામમાં બસ આવતી હતી..? એ ના પાડે, અને પછી પૂછો કે હવે આવે છે..? તો એ હા પાડે અને પછી એને સંતોષ થાય. બાકી એમને ટેવ એવી પડી ગઈ છે કે પહેલાં લાઈટ જતી જ નહોતી, લાઈટ રોજ આવે છે એ હવે એમને યાદ જ નથી રહેતું. આ દુષ્કાળમાંય એવું થયું છે. પહેલાં દસ વર્ષમાં સાતવાર દુષ્કાળ હોય એટલે ટેવાઈ ગયા હતા દુષ્કાળથી. જાન્યુઆરી મહિના સુધી કોઈ દુષ્કાળની ચર્ચા નહોતું કરતું, પણ હવે દસ વર્ષથી એવો વૈભવ જોયો છે કે એક મિનિટ દુષ્કાળ સહન નથી થતો. આ ગુજરાતની તાકાત ઊભી થઈ છે. ગુજરાતનો માનવી એટલો જાગૃત બન્યો છે અને એને હજુ વધુ જાગૃત બનાવવાનું કામ આપણે કરવું છે. બહેનો, આપણો સંકલ્પ છે કે ભૂતકાળમાં અછતનાં કામો થયાં હશે, એમાં રફાળેશ્વર પણ થયાં હશે. આ પેઢીને ખબર નહીં હોય, કૉંગ્રેસના લોકોએ રફાળેશ્વરમાં ઢોરવાડામાં અરબો રૂપિયાની કેવી ખાયકી કરી હતી..! ઢોરના મોંમાંથી ચારો ચાવી ગયા હતા આ લોકો. એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો હતો આ લોકોએ, દુષ્કાળના દિવસોમાં કારસો કર્યો હતો. અને કોઈ વિધાનસભાનું સત્ર એવું નહોતું થતું કે જે વિધાનસભાના સત્રમાં કૉંગ્રેસ અને વિપક્ષ આમને-સામને ન આવેલ હોય અને રફાળેશ્વર માટેની ચર્ચા ન થઈ હોય..! કૉંગ્રેસ પાસે એનો જવાબ આપવાની જગ્યા નહોતી રહેતી. આપણે નક્કી કર્યું છે કે આ અછતને પણ અવસરમાં પલટવી છે. આ આફતને પણ ઉત્તમ વિકાસના કામ સાથે જોડવી છે અને એમાંથી એક નિર્ણય કર્યો છે કે નર્મદાની જે કેનાલ જાય છે, એ કેનાલની બાજુમાં જે જમીન છે. પાણી કેનાલનું અને કેનાલની બાજુની જમીન, લાખો હેક્ટર જમીન છે લાખો હેક્ટર, ત્યાં આખામાં ઘાસ ઉગાડી દેવું છે. દુષ્કાળ નહોતો અને ખેડૂત જેટલું ઘાસ ખવડાવતો હતો અને જેટલું દૂધ મળતું હતું, એના કરતાં વધારે ઘાસ ખવડાવે અને વધારે દૂધ મેળવે એવો દિવસ હું લાવીને મૂકી દઈશ..! આ મને સૂઝ્યું, એમને નહીં સૂઝે. આ કેનાલ કંઈ મારા આવ્યા પછી બની છે એવું નથી, બીજા ડૅમની કેનાલો તો હતી જ. ઉકાઈ ડૅમની કેનાલ હતી, પાલિતાણામાં શેત્રુંજય ડૅમની કેનાલ હતી, ધરોઈ ડૅમની કેનાલ હતી, પણ એમણે દુષ્કાળની અંદર કેનાલની આજુબાજુની જમીનનો ઉપયોગ થઈ શકે અને ત્યાં ઘાસ ઉગાડીને પશુનું પેટ ભરી શકાય, આ સામાન્ય સમજ એમનામાં નહોતી. ભાઈઓ-બહેનો, અગર જો સંવેદના હોય, પશુઓ માટેની પણ સંવેદના હોય તો કેવી રીતે પરિસ્થિતિ પલટી શકાય છે એનાં આ ઉત્તમ ઉદાહરણ છે.
ગયા પંદર દિવસથી આપણે કામ ઉપાડ્યું છે ડિસિલ્ટિંગનું. જ્યાં પણ ચેકડેમ છે, જ્યાં પણ ખેત તલાવડી છે, જ્યાં પણ તળાવડાં છે, જ્યાં પણ મોટા ડૅમ છે અને પાણીના અભાવે, વરસાદના અભાવે પાણી ઊતર્યાં છે ત્યાં ખોદી ખોદીને ફરી એ ડૅમને ઊંડા કરી દેવા. એ ડૅમ બન્યો હોય એ વખતે ઊંડો થયો હશે ત્યારપછી માટીનું પુરાણ થતું જ ગયું હોય, થતું જ ગયું હોય, થતું જ ગયું હોય અને એની પાણી સંગ્રહશક્તિ ઘટતી ગઈ હોય. ઘણીવાર તો અડધો અડધ થઈ ગયો હોય, અડધો માટીથી ભરાઈ ગયો હોય. આપણે આ આફતને અવસરમાં પલટવી છે, એટલે આપણે નક્કી કર્યું છે કે દુષ્કાળની અંદર આખા રાજ્યમાં આ પ્રકારે ચેકડેમ હોય, બોરીબંધ હોય, ખેત તલાવડી હોય, તળાવ હોય, આ બધી જગ્યાએ એનો કાંપ કાઢી કાઢીને ફરી એને પૂર્વવત્ ઊંડા કરી દેવા અને એ કાંપ ખેડૂતોને મફતમાં આપી દેવાનો. જેને પોતાનું ટ્રેક્ટર લાવીને મફતમાં લઈ જવું હોય એ લઈ જાય, એક રૂપિયો નહીં, જાવ..! અને ખેડૂતો પોતાના ખેતરમાં કાંપ નાખે ને એટલે એમના ખેતરની તાકાત અનેકગણી વધી જાય, એમની જમીન ફળદ્રુપ થાય આવા લાંબાગાળાના આયોજન સાથે આ આફતને પણ અવસરમાં પલટવાનું કામ ઉપાડ્યું છે. અને આપણી ઈશ્વરને પ્રાર્થના તો ચાલુ જ છે. હજુ મોકો છે, હે ઈશ્વર, હજુ અમારા ગુજરાતને વરસાદની જરૂર છે, આવવા દે..! અને ઈશ્વર આપણું માનશે, સાંભળશે. આટલી બધી બહેનો પ્રાર્થના કરે તો ઈશ્વર સાંભળશે જ..!
ભાઈઓ-બહેનો, ચૂંટણીમાં બીજી એક વસ્તુ - માનસિકતા જોઇએ, વિજયનો વિશ્વાસ જોઇએ, અનેક ષડ્યંત્રોને પાર કરીને નીકળવાનું સામર્થ્ય જોઇએ. જૂઠાણા, અપપ્રચાર, અફવાઓ એનાથી હલી જાય એ ભાજપનો કાર્યકર્તા ન કહેવાય. અરે, આફતોની સામે સામી છાતીએ ઊભા રહેને, એનું નામ કહેવાય. મિત્રો, દિલ્હીમાં એમની સરકાર છે, આઠ વર્ષથી છે, જાતજાતના બધા ખેલ કરી ચૂક્યા છે. અને દૂર, દૂર, દૂર, દૂર સેંકડો કિલોમીટર દૂર પણ મેં ક્યાંક ગોટાળો કર્યો હોતને, તો ક્યારનોય આમણે મારો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હોત. આખી સરકાર મારી વાંહે લગાડી છે, આખી સરકાર તોયે એક પાંદડું હલાવી નથી શકતા, મિત્રો. કારણ, ગુજરાત માટે સમર્પણભાવથી જીવવાનું નક્કી કર્યું છે, નેકદિલી અને હિંમતથી જીવવાનું કામ કર્યું છે, મિત્રો. અને હું કૉંગ્રેસને લલકાર કરું છું, આજે ફરી લલકારું છું. આવો, તમારામાં દમ હોય તો વિકાસની સ્પર્ધા કરો, જૂઠાણા ફેલાવાનું બંધ કરો. આ તમારી દિલ્હીની આવડી સલ્તનત અને આ મારું નાનકડું ગુજરાત, આવી જાવ..! પ્રગતિ કોને કહેવાય, વિકાસ કોને કહેવાય, સામાન્ય માનવીની સુખાકારી કોને કહેવાય, એ તમને રંગેચંગે પાર પાડીને બતાવીશું. અને તમે રોજ સવારના હિસાબ લગાવો છો, હવે જેલમાં કોણ જશે? હવે કોનો વારો? હવે કોને બચાવવાનો? હવે બચાવવા શું કરવાનું? સવાર-સાંજ એ કાર્યક્રમ ચાલે, દોસ્તો. દેશની સંસદ બંધ પડી છે, કૉંગ્રેસના પેટનું પાણી નથી હાલતું. એમને ચિંતા નથી કે લોકશાહીના મંદિરની અંદર આ બધા જ પક્ષો આટલી બધી પીડા અનુભવે છે ત્યારે કૉંગ્રેસને ચિંતા નથી, રતીભાર ચિંતા નથી, મિત્રો. જો તમને લોકશાહીની ચિંતા ન હોય, દેશની ચિંતા ન હોય, તો પછી આ રાજગાદી ઉપર બેસીને પોતાના મોજશોખ પૂરા કરવાના કામ બંધ કરવા રહ્યાં. સમાજને માટે કંઈ કરવા માટેની તૈયારી જોઇએ. એ તૈયારી એમનામાં છે નહીં.
ભાઈઓ-બહેનો, વિકાસ કરવો હોય તો પરિશ્રમ કરવો પડતો હોય છે. હમણાં રૂપાલાજી જાપાનનું વર્ણન કરતા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે બહેનો, હું જાપાન ગયો, ચાર જ દિવસ માટે ગયો હતો. કેટલા? ચાર. મેં એ ચાર દિવસમાં પાંચ રાજ્યોનો પ્રવાસ કર્યો અને સડસઠ મીટિંગો કરી. મિત્રો, આ પરિશ્રમ કરવો પડતો હોય છે. આ ગુજરાત એમનેમ આગળ નથી વધતું, એના માટે આ ભારતીય જનતા પાર્ટી આખેઆખી ગુજરાતના વિકાસને માટે ખપી ગઈ છે, ડૂબી ગઈ છે ત્યારે આજે દુનિયામાં ગુજરાત, ગુજરાત, ગુજરાત થઈ રહ્યું છે. જૂઠાણા ફેલાવાથી આ શક્ય ન બને, અપપ્રચારની આંધીઓ ફેલાવીને ન થઈ શકે, વિશ્વાસ પેદા કરવા માટે થઈને સમાજ સત્યને જોતો હોય છે. અમે સત્યનો આશરો લઈને ચાલ્યા છીએ. કોઈપણ પેરામિટર, કોઈપણ નક્કર હકીકત એવી નથી કે જેની સામે કૉંગ્રેસ ટકી શકે. આ વિશ્વાસ સાથે જવાનું છે. અને અહીંથી સંકલ્પ કરીને જઈએ, માત્ર વિજેતા થઈશું એવો નહીં, સત્તાભૂખી કૉંગ્રેસને એવો પદાર્થપાઠ શિખવાડીશું, એવો પદાર્થપાઠ શિખવાડીશું કે ગુજરાતમાં લોકશાહીને કલંકિત કરે એવા રસ્તાઓ અપનાવવાની ભવિષ્યમાં ક્યારેય હિંમત ન કરે. આ હિંમત જોઇએ બહેનો, અને એ હિંમત સાથે આગળ વધવું છે આપણે. કૉંગ્રેસે રસ્તો જ નથી જોયો, શું કરવું એની એમને સમજ જ નથી. હમણાં એમણે એક જાહેરાત આપી. એ જાહેરાતમાં એમ કહે છે કે આ ઉદ્યોગો, આ રોડ ને, આ વીજળીના કારખાના ને.... પછી એક બહેન આવીને એમ કહે છે કે અમારે આવું કશું નથી જોઇતું, પણ અમારે તો અડધો રોટલો જોઇએ. અમારે રોડ નથી જોઇતા, રસ્તા નથી જોઈતા, વીજળી નથી જોઈતી, કારખાનાં નથી જોઇતાં... અને આ અડધા રોટલાની માંગ કોણ કરે છે એ જોયું છે તમે? ખાધે-પીધે સુખી, સો કિલો વજન છે, સો કિલોના બહેન... જયશ્રીબેન અને દર્શનાબેનને ભેગાં કરો એટલાં. એય અડધા રોટલાની માંગ કરે... અને પાછા એમ કહે કે રોડ નથી જોઇતો, ઉદ્યોગ નથી જોઈતો, વીજળી નથી જોઈતી, અમારે તો અડધો રોટલો જોઇએ..! કૉંગ્રેસવાળા કોઈ ભૂખી બહેન, દૂબળી-પાતળી લાવ્યા હોય તો લોકોના ગળેય ઊતરત, પણ આ જૂઠું કરોને એટલે ક્યાંક તો ભૂલ રહી જ જાય. ખોટું કરવાનું હોય તો ક્યાંક તો ખોટું થાય જ, ઈશ્વર ખોટું કરાવે જ..! તમે ગામડાંમાંથી આવ્યા હશો, નાના સ્થાનમાંથી આવ્યા હશો, હું આપને પૂછવા માગું છું, આપ મને જવાબ આપો. શું રોડ જોઇએ..? વીજળી જોઇએ..? વિકાસ જોઇએ..? રોજગાર જોઇએ..? ઉદ્યોગ જોઇએ..? ખેતીનો વિકાસ જોઇએ..? શિક્ષણ માટેની સારી સંસ્થાઓ જોઇએ..? હા, લોકોને આ જોઇએ. આ લોકો અઢારમી શતાબ્દીમાં ગુજરાતને લઈ જવા માગે છે. આપણે ગુજરાતને અઢારમી શતાબ્દીમાં નહીં જવા દઈએ, એકવીસમી સદીમાં ગુજરાતનો જયજયકાર થાય એ માર્ગે આપણે જવું છે અને તેથી આ કૉંગ્રેસના જૂઠાણાંઓનો જડબાતોડ જવાબ આપો. અને ચૂપ રહેવાની જરૂર નથી, કોઇએ ચૂપ રહેવાની જરૂર નથી. શેરને માથે સવાશેર આ ગુજરાતની મારી બહેનો કરી બતાવશે. મને હમણાં ઘણા પૂછે છે કે સાહેબ તમે કેમ કંઈ બોલતા નથી? અરે, જે રાજ્યમાં આટલી બધી માતૃશક્તિ મારી રક્ષા કરતી હોયને ત્યાં મારે કંઈ બોલવાની જ જરૂર નહીં, મારે બોલવાનો વારો જ નથી આવવાનો, આ બધા કાફી છે. આ વીણી વીણીને જવાબ આપે એવા લોકો છે, મારે કંઈ જવાબ દેવાનો વારો નથી આવવાનો, એની મને પૂરી ખાત્રી છે.
આપ સૌને આજે આ કાર્યક્રમના આયોજન માટે અભિનંદન આપું છું. અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની મહિલાશક્તિ એક મોટી મૂડી છે, મહિલા મતદાર એ ભારતીય જનતા પાર્ટીની મૂડી છે, આ મહિલા મતદારોમાં એક વખત ફરી વળીએ અને આપણે જે દિશામાં આગળ વધ્યા છીએ અને લોકોને કહેજો કે આ ગુજરાતની સરકાર પચાસ ટકા રિઝર્વેશન લાવી હતી, આ કૉંગ્રેસે પચાસ ટકા રિઝર્વેશનનો કાયદો પાસ ન થવા દીધો, આ કહેજો લોકોને.
ધન્યવાદ..!