આણંદ : શુક્રવાર : સરદાર વલ્લભભાઇ પટેલે કરમસદ ખાતે જે પ્રાથમિક શાળામાં પાયાનું જ્ઞાન મેળવ્યું હતું તે શાળાના પુનરોધ્ધાર કરીને સરદાર પટેલ સ્મૃતિ કેન્દ્ર બનાવવાનું રાજય સરકારે નકકી કર્યુ છે.
સરદાર પટેલ ટ્રસ્ટ, કરમસદના સેક્રેટરીશ્રીએ સંમતિ આપતા સરદાર પટેલ જે શાળામાં અભ્યાસ કરતા હતા તે શાળાની જમીન નગરપાલિકા, કરમસદને વાર્ષિક રૂા.૧/-ના ટોકન ભાડેથી આપવાનું ઠરાવ્યું છે.
સરદાર પટેલની શાળાની જમીન ઉપર સરદાર પટેલ સ્મૃતિ કેન્દ્ર બનાવવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રમણલાલ વોરાએ સરદાર સાહેબની શાળાની મુલાકાત લીધી હતી અને નગરપાલિકાના અધિકારીઓ અને જિલ્લા કલેકટર ર્ડો.રાહુલ ગુપ્તા પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી.
નગરપાલિકા દ્વારા આ જમીન ઉપર સરદાર પટેલ સ્મૃતિ કેન્દ્ર બનાવવા માટે રૂા.૧.૨૫ કરોડની દરખાસ્ત મંત્રીશ્રીને સુપરત કરી હતી
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરદાર સાહેબે જયાં પાયાનું જ્ઞાન મેળવ્યું હતું ત્યાં સ્મૃતિ કેન્દ્ર બનાવવા રાજય સરકાર તમામ મદદ કરશે અને વહેલી તકે આ જગ્યાએ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના માનમાં સ્મૃતિ કેન્દ્ર બનાવવામાં આવશે.
મંત્રીશ્રીએ રાજય સરકાર સરદાર સાહેબની યાદગીરી રૂપે ભાવિ પેઢીને માહિતગાર કરવાના આશયથી અને તેમણે ભારત દેશના આઝાદી અપાવવા માટે આપેલ મહત્વનો ફાળા માટે અને દેશને એક કરવા માટે કરેલ કામગીરીની યાદગીરી રૂપે સ્મૃતિ કેન્દ્ર બનાવાશે તેમ ઉમેર્યુ હતું.
આ પ્રસંગે રાજયસભાના સાંસદશ્રી લાલસિંહ વડોદીયા, આણંદના ધારાસભ્યશ્રી દિલીપભાઇ પટેલ, કલેકટર ર્ડા.રાહુલ ગુપ્તા, કરમસદ નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી હાજર રહયા હતા.
