હું યુવા મોરચાના મિત્રોને અભિનંદન આપું છું કે એમણે સાચા અર્થમાં જેને પાયાનું કામ કહેવાય એવું પાયાનું કામ આજે કર્યું છે. કારણ ચૂંટણી જીતવાની ક્યાં હોય છે..? કોઈ એમ માને મારે ગુજરાત જીતી જવું છે, કોઈ માને મારે શહેર જીતી જવું છે, કોઈ માને મારે વિધાનસભા જીતી જવી છે..! પણ આ બધો વિજય ક્યારે શક્ય બને? જ્યાં સુધી તમે પોલિંગ બૂથ ન જીતો ત્યાં સુધી કશું જીતાય નહીં. તમારે કંઈપણ જીતવું હોય તો પહેલાં પોલિંગ બૂથ જીતવું પડે. અને તમે પોલિંગ બૂથ જીતો તો કશું જ હારો નહીં. કૉર્પોરેશન પણ ન હારો, વિધાનસભા પણ ન હારો, ગુજરાત પણ ન હારો. તેથી ચૂંટણીની સાચી કસોટી પોલિંગ બૂથમાં થતી હોય છે. એ પોલિંગ બૂથનો કાર્યકર્તા પોલિંગ બૂથમાં કેટલો સક્રિય છે, એ પોલિંગ બૂથના હજારો મતદારો સાથે એનો નાતો કેવો છે, કેટલા કુટુંબોને એ નામથી ઓળખે છે, કેટલા કુટુંબો એને ઓળખે છે, કયા કુટુંબની કઈ સમસ્યા છે, એનાથી કોણ પરિચિત છે, એના સુખ-દુ:ખના સાથી તરીકે કોણ ઊભું છે, એના આધારે બૂથની તાકાત નિર્ધારિત થતી હોય છે.
મિત્રો, કૉંગ્રેસમાં અને ભાજપમાં જે પાયાનો તફાવત છે એ આ છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતે છે સંગઠનની તાકાત ઉપર. ભારતીય જનતા પાર્ટી ચૂંટણીનો જે વ્યૂહ ઘડે છે એના કેન્દ્રમાં હોય છે કાર્યકર્તા. ભારતીય જનતા પાર્ટી આયોજન કરે છે તો કાર્યકર્તાઓના ભરોસે આયોજન કરે છે. અને કૉંગ્રેસ પાર્ટી..? અરબો ખરબો રૂપિયાના ખર્ચે રોજ દિવસમાં બસ્સો વખત ટી.વી. પર જાહેરાત આપવાની, છાપાંઓમાં રોજ નવા જૂઠાણાઓ ચલાવવાનાં, વોટબૅંકની રાજનીતિ કરવાની, જૂઠાં વચનો આપવાનાં, લોકોને ભ્રમિત કરવાના એ કૉંગ્રેસના તોર-તરીકા છે અને સાંઇઠ વર્ષથી એમને આમાં ફાવટ આવી ગઈ છે..! પણ આ ગુજરાત રાજ્ય એવું છે, અહીંના નાગરિકો એવા સમજદાર છે કે કૉંગ્રેસને બરાબર ઓળખી ગયા છે. હજુ દેશના બીજા ભાગમાં એમનું ધૂપ્પલ ચાલે છે, અહીંયાં નથી ચાલતું. અહીંની જનતા એમને બરાબર ઓળખી ગઈ છે કે આ કેવા લોકો છે, આ શું કરતા હોય છે, શું બોલતા હોય છે... આ બધું ગુજરાતની જનતા ઓળખી ગઈ છે. મને તો ઘણીવાર એમ થાય છે કે ગુજરાતની જનતા કેટલી દીર્ઘદ્રષ્ટા છે. જો આ ગુજરાતની જનતા દીર્ઘદ્રષ્ટા ન હોત અને બીજાં રાજ્યોની જેમ અથવા દિલ્હીની જેમ જો અહીંયાં પણ કૉંગ્રેસ હોત તો આ રાજ્યનું થયું શું હોત..? કલ્પના કરો મિત્રો, આખા દેશની જે દશા કરી છે એમણે, તો આ ગુજરાતની શું દશા કરી હોત..? આ ગુજરાતની જનતાની દીર્ઘદ્રષ્ટિ છે કે એણે પચીસ વર્ષ પહેલાં એમને તગેડી મૂક્યા. પચીસ વર્ષ થયાં હજી અહીંયાં પત્તો નથી પડતો, સરનામું નથી જડતું, સરનામું..! તમે કૉંગ્રેસમાં એક નામ તો બોલો, ચલો, અમારી પાસે તો મોદી છે, તમારી પાસે કોણ છે, લાવો..! જવાબ તો આપવો પડશેને એમણે..! જનતા જનાર્દનને જવાબ તો આપવો પડશેને ભાઈ, ચલો મોદી છે અમારી પાસે, તમારી પાસે કોણ છે..? સાહેબ, જે ગાડીને ડ્રાઇવર જ નથી, એની દિશા કેવી હોય? અને ડ્રાઇવર વગરની ગાડીની તો કદી દિશા હોય? હવે જે ગાડીને ડ્રાઇવર નથી એ તમને દિશા બતાવવા નીકળ્યા છે..! મારી તો પ્રધાનમંત્રીને વિનંતી છે પ્રધાનમંત્રીને, ડૉ. મનમોહનસિંઘ, એક કામ કરો, દસ વર્ષ થવા આવ્યાં બીજું કશું કરી શક્યા નથી, એક કામ કરો એક, તમે આ ગુજરાતની દિશા પકડી લો, દેશની દશા સુધરી જશે..! મિત્રો, હિંદુસ્તાનની આવી દુર્દશા ક્યારેય જોઈ નથી..! અને કૉંગ્રેસના મિત્રો, દિવાલ પર લખેલું વાંચી લો કે તમે લાખ ઉપાડા કરશો, રોજ નવા જૂઠાણા ફેલાવશો, આરોપોની ભરમાર ચલાવશો, રૂપિયાની રેલમછેલ કરશો તેમ છતાંય ગુજરાતની જનતા તમને ગુજરાતની દુર્દશા કરવાનો મોકો નહીં આપે, નહીં આપે ને નહીં જ આપે..!

ભાઈઓ-બહેનો, વિકાસ સિવાય કોઈ ભવિષ્ય નથી. ભારત સરકારનો એક અહેવાલ કહે છે... કૉંગ્રેસ પાર્ટી જૂઠાણા કેવાં ફેલાવે છે એનો એક નમૂનો કહું છું, તમારી પાસે 2004 ના છાપાં હોય તો કાઢી દેજો, કૉંગ્રેસે અડધા પાનાની જાહેરાત આપી છે, 2004 માં. અને એમણે એવું કહેલું કે અમારી જો દિલ્હીમાં સરકાર બનશે તો અમે દરેક ઘરમાંથી એક વ્યક્તિને રોજગાર આપીશું. શું કહ્યું હતું? ખાલી રોજગાર નહીં, દરેક ઘરમાંથી એક વ્યક્તિને. એમની સરકાર 2004 માંય બની, 2009 માંય બની અને હવે તો ઉઠમણું થવાની તૈયારી થઈ ગઈ છે... કોઈને મળ્યો રોજગાર, ભાઈ? તમારા અડોશ-પાડોશમાં કોઈને મળ્યો? તમારા સગાં-વ્હાલાંમાં કોઈને મળ્યો? શું એમના ઘરમાં જવાનિયા નહોતા? અને છતાંય રોજગાર ના મળ્યો. આ જૂઠાણા ફેલાવવામાં ઍક્સ્પર્ટ લોકો આવાં જૂઠાણા ફેલાવે છે..! હમણાં ભારત સરકારે અહેવાલ બહાર પાડ્યો છે, ભારત સરકારે અહેવાલ બહાર પાડ્યો છે કે સમગ્ર દેશમાં ગયા પાંચ વર્ષ દરમિયાન કુલ જે રોજગાર ઊભા થયા, કુલ જે રોજગાર મળ્યા, આખા દેશમાં કુલ રોજગારના 72% રોજગાર માત્રને માત્ર ગુ...જ...રા...ત...! કુલ રોજગારના 72% રોજગાર ગુજરાતમાં અને 28% માં આખું હિંદુસ્તાન. આપણું ગુજરાત આવડું રાજ્ય, દરિયાકાંઠો 1600 કિલોમીટરનો, વિશાળ પટ રણ, રેગિસ્તાન, પેલી બાજુ પાકિસ્તાન... આવું આપણું બિચારું ગરીબ ગુજરાત..! માંડ બે નદીઓ, નર્મદા અને તાપી. બાકી નદીઓમાં પાણી જ ના હોય, બારે મહિના રેતી અને ધૂળની ડમરીઓ જ ઊડતી હોય. ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટો, સમુદ્ર કિનારે માછીમારોનો પટ્ટો. આ આપણું નાનકડું ગુજરાત, ગરીબ ગુજરાત..! અને એમની પાસે આવડું મોટું હિંદુસ્તાન, કાશ્મીરથી કન્યાકુમારી, નોટો છાપવાના કારખાનાં એમની પાસે, સી.બી.આઈ. એમની પાસે, ઇન્કમટૅકસ એમની પાસે, તમે જે કહો એ બધું એમની પાસે..! છતાંય આ દિલ્હીની સલ્તનતને હું પડકાર કરું છું. આવડું નાનકડું ગુજરાત દિલ્હીની સલ્તનતને પડકાર કરે છે કે આવો, હિંમત હોય તો આવો, વિકાસની સ્પર્ધા કરો અને દેશ જુએ, આવડો મોટો દેશ તમારી પાસે છે. તમે એક દિવસમાં કેટલા કિલોમીટર રસ્તા બનાવી શકો છો, અમે એક દિવસમાં કેટલા કિલોમીટર રસ્તા બનાવી શકીએ છીએ. તમે કેટલા લોકોને રોજગાર આપી શકો છો, અમે કેટલા લોકોને રોજગાર આપી શકીએ છીએ. તમે કેટલું કૃષિ ઉત્પાદન કરી શકો છો, અમે કેટલું ઉત્પાદન કરી શકીએ છીએ. તમે કેટલું દૂધ પેદા કરી શકો છો, અમે કેટલું દૂધ પેદા કરી શકીએ છીએ, આવો..! પણ વિકાસની સ્પર્ધા એમને કરવી જ નથી. વિકાસની સ્પર્ધા કરવાની એમની તૈયારી નથી. જૂઠાણાઓ ફેલાવીને આપ દેશનું ભલું નહીં કરી શકો, દેશનો વિકાસ નહીં કરી શકો. કોઈ ક્ષેત્ર એવું નથી મિત્રો, જે ક્ષેત્રમાં આજે ગુજરાતે નવી ઊંચાઈઓને પાર ન કરી હોય..!
હમણાં એક આ નવું ચાલું કર્યું છે. આ રૂપિયા તો અમે મોકલ્યા’તા...! એવું કહે છે, કેન્દ્રમાંથી આવ્યા’તા..! અચ્છા, કહો તો ખરા કે કેન્દ્રમાં ક્યાંથી આવ્યા હતા? તમે એ તો કહો ભાઈ, કેન્દ્રમાં ક્યાંથી આવ્યા હતા..? હું એમ કહું કે ગાંધીનગરે પૈસા આપ્યા, ગાંધીનગરે પૈસા આપ્યા... ગાંધીનગરમાં રૂપિયા ક્યાંથી આવે છે? એ નરેન્દ્ર મોદીના પૂજ્ય પિતાજીની સંપત્તિ નથી, એ તો ગુજરાતની જનતાની કાળી મજૂરીના પૈસા છે. ગાંધીનગરની તિજોરીમાં પૈસા મારી મિલકત નથી, ભારતીય જનતા પાર્ટીની પણ મિલકત નથી, એ મિલકત છ કરોડ ગુજરાતીઓના પસીનાની કમાણી છે. છાશવારે કહે છે કે અમે મોકલ્યા, અમે મોકલ્યા... કરિયાવરમાં આવ્યા હતા, અલ્યા? ભાઈઓ-બહેનો, વર્ષે 50,000 કરોડ રૂપિયા, યાદ રાખજો દોસ્તો, દર વર્ષે 50,000 કરોડ રૂપિયા ગુજરાતથી કરવેરા પેટે દિલ્હીની તિજોરીમાં જમા થાય છે, કેટલા..? પચાસ હજાર કહીને અટકી ન જતા, અડધો લાખ કરોડ રૂપિયા..! અને આવે છે કેટલા? 6000 કરોડ..! હવે તમે મને કહો કે એમણે આપ્યા કહેવાય કે આપણે આપ્યા કહેવાય? ના-ના, તમને હું સો રૂપિયા આપું અને તમે દસ મને પાછા આપો અને પાછા છાતી કાઢીને ફર્યા કરો છો કે અમે દસ આપ્યા, અમે દસ આપ્યા...? અરે ભાઈ, નેવું લઈ ગયા, તમે નેવું લઈ ગયા..! આ પ્રકારના જૂઠાણા દિવસ-રાત ચલાવવામાં આવે છે અને આ ગુજરાતની પ્રજાનું અપમાન કરવામાં આવે છે. અમે કોઈ ભિખારી હોઈએ, અમે જાણે ત્યાં હાથ લંબાવીને ઊભા હોઈએ અને દિલ્હીમાં મહારાણી આમ ટુકડા અમને ફેંકતા હોય... આ કૉંગ્રેસની ભાષા આ ગુજરાતના સ્વાભિમાન પર ચોટ છે અને ગુજરાત આ સ્વાભિમાન પરનો કોઈ હુમલો ક્યારેય સ્વીકાર નહીં કરે, મિત્રો. અને છાશવારે જૂઠાણા ચલાવે, છાશવારે જૂઠાણા ચલાવે એટલે પછી આપણે એક જાહેરાત આપી... દિલ્હી રોજ ગુજરાતને કેવી થપ્પડો મારે છે એની જ્યારે જાહેરાતો આપી, તો કૉંગ્રેસના લોકોને એવી થપ્પડ વાગી છે, એવી થપ્પડ વાગી છે કે કોર્ટમાં ગયા, મોદીની આ જાહેરાત બંધ કરાવો. આટલું સહન કરવાની તાકાત નથી. હવે કોર્ટમાં મૅટર છે, જજમેન્ટ આવે ત્યારે જોઈશું, શું થાય છે..! પણ વાગી તો ગઈ છે..! ઘેર-ઘેર લોકોને યાદ પણ રહી ગયું છે.
ભાઈઓ-બહેનો, કૉંગ્રેસ પાસે વિકાસની યાત્રામાં સ્પર્ધા કરવાની તાકાત નથી. કૉંગ્રેસ પાસે જૂઠાણા ચલાવા સિવાય કંઈ કામ રહ્યું નથી. આજે ગુજરાત ઑટોમોબાઇલ ક્ષેત્રે એશિયાનું હબ બની ગયું છે. હજારો ગાડીઓ રોજ બને, કેટલા લોકોને રોજગાર મળે, કેટલા નવજવાનોને રોજગાર મળે છે..! આ નવજુવાનોનું ભાગ્ય કેવી રીતે બદલાશે? તમારી જેમ ફીફાં ખાંડ્યાં હોત તો આ ગુજરાતનો અને દેશનો નવજુવાન ક્યારેય પોતાનું માથું ઊંચું ન કરી શક્યો હોત, અમે રસ્તો અપનાવ્યો છે કે ગુજરાતનો નવજુવાન છાતી કાઢીને, માથું ઊંચું કરીને ફરતો થાય એ અમે રસ્તો અપનાવ્યો છે. ભૂતકાળમાં હુલ્લડ ઉદ્યોગ ચાલતો, હુલ્લડ ઉદ્યોગ..! છાશવારે ચપ્પામારો, છાશવારે હુલ્લડ...! કર્ફ્યુ, જ્યારે જુઓ ત્યારે કર્ફ્યુ..! પરીક્ષામાં જુઓ તો કર્ફ્યુ આવ્યો હોય, રથયાત્રા નીકળવાની હોય ત્યારે કર્ફ્યુ આવ્યો હોય, ઉત્તરાયણ ઊજવતા હોઈએ ત્યારે કર્ફ્યુ આવ્યો હોય, ક્રિકેટ મૅચમાં બોલ આવો પડ્યો, તો કર્ફ્યુ આવ્યો હોય. દસ વર્ષ થઈ ગયાં દોસ્તો, દસ વર્ષ... ગુજરાતમાંથી કર્ફ્યુએ વિદાય લઈ લીધી છે. સુખચેનની જિંદગી જીવે છે લોકો, બધું જ શક્ય છે..!
હમણાં આપણે કામ ઉપાડ્યું છે, જવાનિયાઓને ગુટકાથી બચાવવાનું. ગુટકા મુક્તિ થઈ જશેને, દોસ્તો? સો ટકા..? પણ ગુટકા મુક્તિ માટે મને ટેકો આપવા માટે એક મોબાઈલ ફોન કરવાનો હતો, કર્યો બધાએ...? 80009-80009. બધાએ નહીં કર્યો હોય, તોય થોડા રહી ગયા હશે. 80009-80009, મિસ કૉલ કરો અને મારા આ કામમાં મને ટેકો કરો, કરશો મિત્રો? બીજા પાસે કરાવશો? એકલા મણિનગરમાંથી એક લાખ મિસ કૉલ આવવા જોઇએ, મારા યુવા મોરચાના મિત્રો કરી બતાવે. કેમ ઢીલા પડી ગયા? અરે ભાઈ, ‘ઈચ બૂથ, ટેન યૂથ’ વાળા તમે લોકો છો, તમારા પોલિંગ બૂથમાં તમે કમસે કમ પચાસ લોકોને મિસ કૉલ ન કરાવી શકો? આટલું કરો તો તમે ધારેલો તમારો આંકડો આવી જશે, પૂરું કરશો આ બે દિવસમાં?
મિત્રો, અગિયારમી તારીખ, નાઇન ઇલેવન... 9/11 ઇતિહાસમાં બે કારણથી ઓળખાય છે. એક, સ્વામી વિવેકાનંદે અમેરિકાની અંદર વિશ્વ ધર્મ પરિષદને સંબોધન કર્યું હતું અને બીજું, અમેરિકામાં ટ્વિન ટાવર પર હુમલો કર્યો હતો આતંકવાદીઓએ. નાઇન ઇલેવનની આ બે ઘટનાઓ. આ જ 9/11, અગિયારમી સપ્ટેમ્બરે સ્વામી વિવેકાનંદજીના દોઢસો વર્ષની સ્મૃતિમાં ‘વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા’ નો આપણે આરંભ કરી રહ્યા છીએ. અને હું બહુચરાજીથી એ યાત્રા લઈને નીકળવાનો છું. ગુજરાતનો ખૂણેખૂણો ફરી વળવાનો છું. ગુજરાતની યુવાશક્તિનાં દર્શન કરવા નીકળવાનો છું. ગુજરાતની યુવાશક્તિને ગુજરાતની આવતીકાલ માટે જોડવા માટે નીકળવાનો છું. અને એમાં મારા મણિનગરના લોકો શું કરશે? હું તમને આહવાન કરું કે અગિયારમી તારીખે નવ વાગ્યા પહેલાં આ મણિનગર વિધાનસભાના યુવા મોરચાના બધેબધા, એકપણ ગેરહાજર નહીં, આ બધેબધા બહુચરાજી પહોંચી શકે? પહોંચી શકો એ હાથ ઊંચો કરો. જેનો હાથ નીચો છે એ શું કરશે? બધા આવશે..? મિત્રો, નક્કી કરો કે સવારે સાડા પાંચ-છ વાગે અહીંથી એકસાથે ટૂ-વ્હિલર, ફોર-વ્હિલરની મોટી યાત્રા કરીને બહુચરાજી પહોંચવું છે અને ત્યાં મને યાત્રાની વિદાય કરવા માટે આ નવજવાન મિત્રો આવે. કોણ જવાબદારી લેશે, ભાઈ? અરે, પ્રદિપસિંહને આખા ગુજરાતનું કરવા દો ને, આપણા મણિનગરનું આપણે ન કરી શકીએ? પંકજભાઈ કરશે? પાકું..? હું ગણીશ હોં વિહિકલ બધાં, દરેક પોલિંગ બૂથમાંથી કેટલી ગાડીઓ આવી એ ગણીશ. મિત્રો, હું મણિનગર વિધાનસભાનો પ્રતિનિધિ છું, આપનો સાથી છું અને એટલા માટે હું મણિનગરને કહું છું કે, ચલો બહુચરાજી..! અને માં બહુચરના આશીર્વાદ લઈને મિત્રો ગુજરાતની આવતીકાલ ઘડવા માટેનો એક નવો સંકલ્પ કરીને નીકળવું છે.
આપ બધા જ મેં કહ્યું એમ, લડાઈ પોલિંગ બૂથમાં છે. યુદ્ધ જીતવા માટે કિલ્લો જીતવો પડે, કિલ્લો એટલે પોલિંગ બૂથ. અને જે પોલિંગ બૂથનો કિલ્લો જીતી લે એ યુદ્ધ જીતી જતો હોય છે. મારો નાનામાં નાનો કાર્યકર્તા નક્કી કરે કે પોલિંગ બૂથમાં હું ભાજપનો ઝંડો ઝૂકવા નહીં દઉં. અગર ભારતીય જનતા પાર્ટીનો પોલિંગ બૂથનો કાર્યકર્તા સંકલ્પ કરે કે હું પોલિંગ બૂથમાં ભાજપનો ઝંડો ક્યારેય ઝૂકવા નહીં દઉં, ગુજરાતની ધરતી પર ક્યારેય ભાજપનો ઝંડો નહીં ઝૂકે..! આ વિકાસયાત્રા ચાલ્યા જ કરશે, અવિરત ચાલ્યા કરશે, વણથંભી વિકાસયાત્રા ચાલશે. વિરોધો, અવરોધો, અપપ્રચાર, જૂઠાણા એની આંધી ચાલશે, હજી પણ ચાલશે, જરા ઓર ગરમી આવશે, ઓર તીવ્રતા આવશે, પણ એ બધી તીવ્રતાઓને કાઢીને વિજયના વિશ્વાસ સાથે આગળ વધીએ, એ જ અપેક્ષા...








