મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબી સામે લડાઇ માટે ગરીબોને શકિતશાળી બનાવવા ૩૦૦ તાલુકા ગરીબ કલ્યાણ મેળાનું રાજ્યવ્યાપી અભિયાન સાત તબક્કામાં શરૂ કર્યું છે. તદ્અનુસાર આ ગરીબોની સેવાના અભિયાનનો બીજો તબક્કો આવતીકાલ તા.૧૬ જુલાઇ, શુક્રવારથી તા.૧૮ જુલાઇ રવિવાર સુધી યોજાઇ રહ્યો છે. આ ત્રિદિવસીય તાલુકા ગરીબ કલ્યાણ મેળા અભિયાનમાં સમગ્રતયા ર૦ તાલુકા મથકોએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, સંસદીય સચિવશ્રીઓ, સાંસદશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીઓ લાભાર્થીઓના હાથમાં સીધા જ સાધન-સહાયનું વિતરણ કરશે.
તા.૧૬ જુલાઇ-ર૦૧૦ના પ્રથમ દિવસે રાધનપુર તાલુકાના ગરીબ કલ્યાણ મેળામાં મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ લોન-સહાય વિતરણ કરશે, આ જ દિવસે રાજકોટ જિલ્લાના પડધરી ખાતે નાણાં મંત્રીશ્રી વજુભાઇ વાળા, વિસાવદર તાલુકાના ગરીબ કલ્યાણ મેળામાં કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી તથા અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સંસદીય સચિવશ્રી એલ.ટી.રાજાણી, સાબરકાંઠાના ઇડરમાં આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ ઉપસ્થિત રહેશે.
દ્વિતીય તબક્કાના ગરીબ કલ્યાણ મેળાના પ્રથમ દિવસે તા.૧૬ જુલાઇ-ર૦૧૦ના કચ્છના રાપર, જામનગર જિલ્લાના ધ્રોળ, મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે પણ સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યો તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં તાલુકા ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવ્યા છે.
તા. ૧૭ જુલાઇ-ર૦૧૦, શનિવારે જે તાલુકાઓમાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે તેમાં ભાવનગરના બોટાદ તાલુકામાં ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં વન રાજ્યમંત્રીશ્રી કિરીટસિંહ રાણા, દાહોદ જિલ્લાના ધાનપુરના ગરીબ કલ્યાણમેળામાં શહેરી વિકાસમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ, પંચમહાલના ગોધરામાં રાજ્યમંત્રીશ્રી અમિતભાઇ શાહ, શ્રી જશવંતસિંહ ભાભોર તથા સંસદીય સચિવશ્રી જયદ્રથસિંહ પરમાર અને શ્રી સુંદરસિંહ ચૌહાણ લાભાર્થીઓને લોન સહાયનું વિતરણ કરશે.
તાલુકા ગરીબ કલ્યાણ મેળાના સેવા યજ્ઞના ત્રીજા દિવસ તા.૧૮ જુલાઇ-ર૦૧૦, રવિવારે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ફકિરભાઇ વાઘેલા તથા વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે સંસદીય સચિવશ્રી યોગેશ પટેલ અને નાયબ મુખ્ય દંડક શ્રી અંબાલાલ રોહિત ઉપસ્થિત રહેશે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગરીબ કલ્યાણ મેળામાં શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરા અને સંસદીય સચિવશ્રી ઇશ્વરસિંહ પટેલ તેમજ તાપી જિલ્લા વ્યારા તાલુકા ગરીબ કલ્યાણ મેળામાં વનમંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને નર્મદા જિલ્લાના સાગબારા ખાતે સંસદીય સચિવશ્રી હર્ષદ વસાવા સાધન-સહાય વિતરણ કરશે. પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ વલસાડ ખાતેના પારડી તાલુકા ગરીબ કલ્યાણ મેળામાં, વિધાનસભાના દંડકશ્રી શ્રીમતી ઉષાબેન પટેલ સાથે ઉપસ્થિત રહી સાધન-સહાય વિતરણ કરશે. સુરત મહાનગરપાલિકા તેમજ બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓમાં સાંસદશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા-તાલુકાના પદાધિકારીઓશ્રીઓ લાભાર્થીઓને સાધન-સહાયનું વિતરણ કરશે.
ગરીબ કલ્યાણ મેળાનો પ્રથમ તબક્કો તા.૮ થી ૧૧ જુલાઇમાં યોજાયો હતો જેમાં ર૧ તાલુકામાં ગરીબોને તેમના લાભો અપાયા હતા.


