મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એવો નિર્દેશ આપ્યો હતો કે સ્વર્ણિમ જ્યંતી વર્ષ નિમિત્તે ગુજરાતના ગામોમાં વિકાસના નવા કલેવર ધારણ કરવા માટેની ઉત્તમ સ્પર્ધાનું વાતાવરણ જાગે તે માટે પ્રોત્સાહક ઇનામો આપવાની યોજના તૈયાર થઇ રહી છે.
મહાત્મા મંદિરના નિર્માણમાં ગામેગામથી સરપંચશ્રીઓ દ્વારા માટી અને જળના કળશ અર્પણ કરવાના ચાલી રહેલા અભિયાનમાં સંભવતઃ દરરોજ જાતે ઉપસ્થિત રહેવાનો ઉપક્રમ મુખ્યમંત્રીશ્રીએ રાખ્યો છે. આજે રર૦૦ ગામોના સરપંચોએ તેમના ગામના જળ અને માટીના કળશની મહાત્મા મંદિરમાં ઉત્સાહ ઉમંગથી પધરામણી કરી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરપંચશ્રીઓને નવતર આયામો માટે ગ્રામશકિતને વિકાસમાં જોડવા માટેનું નેતૃત્વ પુરૂ પાડવાનું પ્રેરક આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ગામે-ગામ વિકાસની નવી સ્પર્ધા થાય એ માટે જૂદીજૂદી કેટેગરીમાં માતબર પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે.
‘‘પ્રત્યેક ગામ અને નગર પોતાના પ૦ વર્ષના વિકાસના વિક્રમો તોડીને નવા સ્થાપવાનો સ્વર્ણિમ સંકલ્પ કરે'' તેવું ક્રાંતિકારી સૂચન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
મહાત્મા મંદિરમાં ગામે ગામનું પ્રતિનિધિત્વ રહેવાનું છે અને યુગપુરૂષ મહાત્મા ગાંધીજીના ‘ગ્રામરાજથી રામરાજ્ય'ના સપનાને સાકાર કરવા ગામની શકિતની દુનિયાને આપણે અનુભૂતિ કરાવવી છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કૃષિમહોત્સવ, કન્યા કેળવણી યાત્રા, વનમહોત્સવ, જળસિંચન, ટપક સિંચાઇ, કુપોષણ સામે લડાઇ જેવા અનેકવિધ કામોમાં જોડાઇને ગ્રામસમાજ વિકાસયાત્રામાં પોતાનું યોગદાન આપે એવી અપીલ કરી હતી.
‘‘ગુજરાતનો પ્રત્યેક નાગરિક, સમાજ, રાજ્ય અને દેશ માટે કંઇક સારૂ કરવાની કર્તવ્યશકિત પ્રદર્શિત કરશે તો ગુજરાતનું બગાડવાની કોઇની તાકાત નથી'' એમ આત્મવિશ્વાસ સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરાએ ગાંધીનગરમાં નિર્માણ થઇ રહેલાં મહાત્મા મંદિરને વિશ્વશાંતિનું કેન્દ્ર અને ગાંધી જીવન મૂલ્યોના પ્રસારનું વૈશ્વિક સ્થાન બનશે એમ જણાવી ઉમેર્યું હતું કે, સ્વર્ણિમ જ્યંતિ વર્ષે ગુજરાતે અનેક ઐતિહાસિક કાર્યો કરવાનો નિર્ધાર કર્યો છે, જેના સંદર્ભે જ સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોત રથયાત્રાના બે તબક્કા દ્વારા ગુજરાતની તમામ પ્રજાજનોને આ વિકાસના સંકલ્પ સાથે જોડયા છે.
સ્વર્ણિમ જ્યંતિની ઉજવણી એટલે માત્રને માત્ર વિકાસનો ઉત્સવ છે અને એટલે જ આ રાજ્ય સરકારે શહેરોની જેમ જ ગામડાના વિકાસ માટે કમર કસી છે. શિક્ષણ અને આરોગ્ય સહિતની શ્રેષ્ઠ સુવિધા ગામડાંને પૂરી પાડી છે. શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ સુવિધાઓ મળતાં ગામડાંના તેજસ્વી વિદ્યાર્થીઓ આગળ આવી રહ્યા છે.
આ પ્રસંગે સંસદિય સચિવશ્રી જયદ્રથસિંહ પરમારે ઉપસ્થિત નગરપતિશ્રીઓ, સરપંચશ્રીઓ અને લોકપ્રતિનિધિઓનું સ્વાગત કરવા જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસમાં ગુજરાતના તમામ નગરો ગામડાંની પ્રજાની સીધી ભાગીદારી બની છે ત્યારે, આ મહાત્મા મંદિરના નિર્માણમાં પણ ગુજરાતના પ્રત્યેક જન-જન પોતપોતાના વિસ્તારના પવિત્ર જળ અને માટીના કૂંભ પહોંચાડી સહભાગી બની રહ્યા છે જેનાથી આ મહાત્મા મંદિર વિશ્વભરમાં અનોખું બનશે.
આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણભાઇ વ્યાસ, સુવર્ણ જ્યંતી ઉજવણી સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રી આઇ. કે. જાડેજા, ધારાસભ્યશ્રીઓ શ્રી ભરતભાઇ બોધરા, શ્રી અભેસિંહ તડવી, અગ્ર સચિવ સર્વેશ્રી આર. એમ. પટેલ, શ્રી ડી. કે. રાવ, શ્રી ત્રિપાઠી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.