મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સૌરાષ્ટ્રના પોરબંદર અને જુનાગઢ જિલ્લાઓના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિનો ભોગ બનેલા ગામો અને નગરોમાં સામાન્ય માનવીને ત્વરિત સહાયરૂપ થવા વહીવટીતંત્ર અવિરત કાર્યરત રહ્યું છે અને કોઇ જાનહાની થઇ નથી. આપત્તિ વ્યવસ્થાપનની સજાગતાને કારણે તંત્ર કોઇપણ સ્થિતિને પહોંચી વળવા સજાગ છે.
જુનાગઢ જિલ્લાના માંગરોળ, પોરબંદર, કુતિયાણા અને ધેડ વિસ્તારોના ર૮ જેટલા અસરગ્રસ્ત ગામોમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિની જાતમાહિતી મેળવવા આજે બપોરે મુખ્યમંત્રીશ્રીએ સાગરકાંઠાના ગામો સહિત સમગ્ર વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું.
પ્રતિકુળ હવામાન અને ધનધોર આકાશથી થતી વર્ષા વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ હવાઇ નિરીક્ષણ કર્યા બાદ માંગરોળમાં જિલ્લા અને તાલુકા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં સંસદસભ્ય શ્રી દીનુભાઇ સોલંકી તથા ધારાસભ્યશ્રી ભગવાનભાઇ કરગઠિયા અને નગરપાલિકા પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
સરેરાશ ૮૦૦ મિલીમીટરનો કુલ મોસમનો વરસાદ ધરાવતા માંગરોળ તાલુકામાં એક જ દિવસમાં પ૪૮ મિલીમીટર વરસાદ થતાં આભ ફાટયું હોય તેવી અતિવૃષ્ટિ થઇ હતી આ ઉપરાંત પોરબંદર જિલ્લાના ધેડ વિસ્તારોમાં પણ અતિવૃષ્ટિનો ભોગ ૮ જેટલા ગામો બન્યા હતા.
જુનાગઢ અને પોરબંદર જિલ્લાઓના કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારી સહિત આપત્તિ વ્યવસ્થાપન સાથે સંબંધિત અધિકારીઓ પાસેથી મુખ્યમંત્રીશ્રીએ માંગરોળના ૧૧, વેરાવળ તાલુકાના ૮ અને પોરબંદર તથા કુતિયાણા તાલુકાના ૪-૪ ગામોમાં અતિવૃષ્ટિનો ભોગ બનેલા વિસ્તારોમાં સ્થળાંતર કરાયેલ કુટુંબોને તત્કાલ રાહત સામગ્રી અને સહાય આપવાની કામગીરી, રસ્તા, પાણી, વીજળી અને માર્ગ પરિવહન સેવાઓની પૂર્તિ તેમજ નુકશાનીના સર્વેની કાર્યવાહીની સમીક્ષાની સાથોસાથ કયાંય રોગચાળો સર્જાય નહીં તે માટે પાણીના નિકાલ અને સફાઇ સ્વચ્છતાની તાકીદની કામગીરી માટેની સૂચનાઓ આપી હતી.
આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને વહીવટીતંત્રના સંકલનના પરિણામે વિના વિલંબે કાર્યવાહી થતાં કોઇ વ્યકિતની જાનહાની થઇ નથી, માત્ર ર૮ જેટલા પશુના મૃત્યુ થયાં છે અને વરસાદ બંધ થતા પાણીના નિકાલની ઝડપી કામગીરીના કારણે સામાન્ય માનવીને રાહત સહાય પહોંચાડવામાં કયાંય વિલંબ થયો નથી. પીવાના પાણીનો પૂરવઠો તથા વીજળી પૂરવઠો યથાવત થઇ ગયા છે. એક પણ ગામ સંપર્કથી વંચિત રહ્યું નથી. રસ્તાઓ ખૂલ્લા થઇ ગયા છે.
મુખ્યમંત્રીશ્રીએ પાણીના નિકાલની ત્વરિત વ્યવસ્થા, નુકશાનીના સર્વેની કામગીરી તથા ગરીબ ગ્રામીણની રોજિંદી જરૂરિયાતોમાં કોઇ હાડમારી પડે નહીં તે જોવા તાકીદ કરી હતી. તેમણે રોગપ્રતિકારક આરોગ્ય સેવાઓની ઝૂંબેશની સાથોસાથ સફાઇ સ્ચ્છતા માટેની કામગીરીને ટોચઅગ્રતા આપવાની સૂચનાઓ આપી હતી.
ખેતીવાડીના વાવેતરની નુકશાનીનો સર્વે હાથ ધરવા અને ગરીબ માનવીના કાચા આવાસો, ઝૂંપડાઓની નુકશાની સર્વે ઝડપથી પૂરી કરીને અસરગ્રસ્ત કોઇ કુટુંબ નિયમાનુસારની રાહતથી વંચિત રહે નહીં તે જોવાની સૂચનાઓ પણ તેમણે આપી હતી.
નીચાણવાસના ગામો અને માંગરોળ, વેરાવળ, ધેડ વિસ્તારોમાં અતિવૃષ્ટિના પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા અંગે સંસદસભ્યશ્રી અને ધારાસભ્યશ્રીના સૂચનોને આવકારતાં મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું હતું. સાગરખેડુ યોજના હેઠળ સાગરકાંઠાના ગામોમાં વીજળી પુરવઠાના માળખાકીય સુધારા ઉપરાંત ભવિષ્યમાં સંભવિત આપત્તિ સર્જાય તો, ગામવાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપરાંત બે મહિનાના રેશન સામગ્રીનું આગોતરૂં આયોજન, “નરેગા‘ યોજના હેઠળ રોજગારી ઉપરાંત ચોમાસા પૂર્વેના કામો માટેનું દ્રષ્ટિવંત આયોજન અને સાગરકાંઠાના દરેક તાલુકામાં નદીના મુખ પાસે વિશાળકાય સરોવર સહિતના દૂરદર્શી કામોની રૂપરેખા તેમણે આપી હતી.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગ્રામજનોએ અતિવૃષ્ટિ છતાં કોઇ હોનારત સર્જાઇ નથી તે માટે અને સારો વરસાદ થવાથી સંતોષની અનુભૂતિ વ્યકત કરી હતી.