ગુજરાત તંદુરસ્ત રહે એ જ લક્ષ્યઃ મુખ્યમંત્રીશ્રી
આરોગ્ય ક્ષેત્રે પ્રિવેન્ટીવ હેલ્થકેરનો સંકલિત વિકાસ વ્યૂહ અપનાવ્યો છે
કરમસદઃ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના રજત જયંતી મહોત્સવનું ઉદ્દઘાટન કરતા મુખ્ય મંત્રીશ્રી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરમસદની પ્રમુખસ્વામી મેડીકલ કોલેજના રજત જયંતી મહોત્સવનું ઉદ્દઘાટન કરતાં આજનું અને આવતીકાલનું ગુજરાત તંદુરસ્ત રહે એવા લક્ષ્ય સાથે રાજ્યની આરોગ્ય સેવાઓનો સંકલિત વિકાસ વ્યૂહ વધુ તેજ ગતિથી આગળ વધારવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. તબીબી અને આરોગ્ય ક્ષેત્રે ભૌતિક માળખાગત સુવિધા સાથે માનવસંસાધનને પણ રાજ્ય સરકારે પ્રાધાન્ય આપ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. ચારૂતર આરોગ્ય મંડળ સંચાલિત પ્રમુખસ્વામી મેડીકલ કોલેજની વિકાસયાત્રાના રપ વર્ષના તમામ સહયોગીઓ-સંચાલકોને મુખ્ય મંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા અને આરોગ્ય સંસ્થાના પરિસરમાં રમણભાઈ ગોકલ હેલ્થ પ્રિવિલેજ સેન્ટરના નવા ભવનનો શિલાન્યાસ પણ કર્યો હતો જે શ્રીકૃષ્ણ હોસ્પિટલની તબીબી સેવાઓના ભાગરૂપે વિકસાવવામાં આવશે.
ચારૂતર વિકાસ પ્રણેતા સ્વ. એચ. એમ. પટેલના યોગદાનની પ્રસંશા કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, તબીબી સેવાઓ અને શિક્ષણ ક્ષેત્રે તેમણે પ્રેરક નેતૃત્વ પુરું પાડયું હતું. મુખ્ય મંત્રીશ્રીના હસ્તે આ મેડીકલ કોલેજના વિકાસમાં પોતાની યશસ્વી સેવાઓ આપનારા સહયોગી ર્ડાકટરો અને પેરામેડીકલ કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ આરોગ્ય સેવાઓના સર્વાંગી ક્ષેત્રને નવી ઊંચાઇ ઉપર લઇ જવામાં આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવા અને તબીબી માનવ સંસાધનના વિકાસ ઉપર રાજ્ય સરકારે હાથ ધરેલા નવતર પ્રયાસોની ભૂમિકા આપી હતી. આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં પ્રિવેન્ટીવ હેલ્થ કેરની જરૂર ઉપર ભાર મુકતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, શુદ્ધ હવા, શુદ્ધ પીવાનું પાણી અને શુદ્ધ ખોરાકની ચિંતા આ હેતુસર કરી છે. એક વખતનું અમદાવાદ દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર ગણાતું જે આજે પર્યાવરણની દૃષ્ટિએ સૌથી રહેવાલાયક નગર બની ગયું છે. સાબરમતીમાં નર્મદાના વહેતા પાણીથી આરોગ્યની ગુણવત્તા ઉંચે આવી છે અને પાણીજન્ય રોગચાળાનું નિવારણ થયું છે. એ જ રીતે સીએનજી પરિવહનથી અમદાવાદ વાયુ પ્રદૂષણથી મુકત બન્યું છે. રાજ્યના ૪૦૦૦ જેટલા પીવાના પાણીની સમસ્યાથી પીડાતાં ગામોને ટેન્કર ફ્રી કરી દીધા છે. નર્મદાના પાણીની પીવાના પાણી માટેની પાઇપલાઇનના પરિવહનથી પણ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે ઘણી મોટી સેવા થઇ છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકારે માતા મૃત્યુદર અને શિશુ મૃત્યુ દર ઘટાડવા ચિરંજીવી યોજનામાં ૧૦૦૦ જેટલા ખાનગી તબીબો સાથે સમજાૂતિના કરાર કરીને સુરક્ષિત પ્રસૂતિની સેવાઓ અને તેની સાથે બાલસખા યોજના જોડીને નવજાત શિશુની જીંદગી બચાવવાનો ઉમદા અભિગમ સાર્થક કર્યાે છે. પહેલા સંસ્થાકીય હોસ્પિટલોમાં પ્રસૂતિનો દર માત્ર ૩૭ ટકા હતો આજે ૮૩ ટકાથી વધ્યો છે. જયારે ૧૦૮ ઇમરજન્સી મોબાઇલ સેવાઓથી ર૩૦૦૦ ગરીબ સગર્ભા માતાઓની સુરક્ષિત પ્રસૂતિ કરાવી છે અને ગુજરાતમાં સારા રસ્તાના કારણે પણ અકસ્માતોનું પ્રમાણ વધારે છે તેની સાથે માનવ જીંદગી અકસ્માતમાં તત્કાલ સારવારથી બચાવવામાં પણ ગુજરાત જ મોખરે છે.
ગુજરાતની નવી પેઢી અને આવતીકાલની પેઢીના તન-મન તંદુરસ્ત બને અને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે ‘‘માનવ કેન્દ્રીય વિકાસ''નો અભિગમ ગુજરાતે સાર્થક કર્યો છે, એમ પણ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણ વ્યાસે ગુજરાતમાં આરોગ્ય સેવાઓ અને તબીબી શિક્ષણમાં છેલ્લા એક દશકમાં જે સંખ્યામૂલક અને ગુણાત્મક વિકાસ થયો છે તેની વિગતો આપી જણાવ્યું કે, ગુજરાતના વિકાસમાં માનવીના આરોગ્યની રક્ષાશક્તિ અને માનવ વિકાસ સૂચકાંકની પ્રાથમિકતા મૂળભૂત એજન્ડા છે. શ્રી જયનારાયણ વ્યાસે તબીબી સેવાઓ અને શિક્ષણ માટે રાજ્ય સરકારના ઉદાત્ત અભિગમની રૂપરેખા આપી હતી. દશ વર્ષમાં મેડીકલ કોલેજોની બેઠક ક્ષમતામાં ૯રપ બેઠકો વધી છે અને અગાઉના ૪૦ વર્ષ કરતાં ૯૦ ટકા વધારો થયો છે, એમ તેમણે જણાવ્યું હતું. પ્રાસંગિક ઉદ્દબોધનમાં ચારૂતર આરોગ્ય મંડળના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન આપનાર ર્ડા. એચ. એમ. પટેલની સેવાઓને સ્મરણીય ગણાવી વર્તમાન સરકારે ગુજરાતમાં તબીબી સેવા અને તબીબી શિક્ષણમાં ઊંચા માપદંડ રાખ્યાં છે અને સ્વાસ્થ્ય નીતિના ધ્યેયો જાહેર કર્યા છે, તેમ જણાવ્યું હતું. પ્રારંભમાં એન.ડી.ડી.બી.ના ચેરપર્સન ર્ડા. અમૃતાબેન પટેલે પ્રાસંગિક ઉદ્દબોધનમાં કરમસદ મેડીકલ કોલેજની સ્થાપનાનો ઇતિહાસ યાદ કરી શિક્ષણ અને આરોગ્ય સેવા વિસ્તારવામાં કેળવણીકાર ર્ડા. એચ. એમ. પટેલના પ્રદાનને ગૌરવપૂર્ણ ગણાવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખસ્વામી મેડીકલ કોલેજના ડીન ર્ડા. ઉત્પલા ખારોડે કોલેજની વિકાસગાથા વર્ણવી હતી. જયારે એલુમની એસોસીએશનના પ્રમુખ ર્ડા. રાકેશ જોષીએ પ્રમુખસ્વામી મેડીકલ કોલેજની આરોગ્યલક્ષી સેવાઓની જાણકારી આપી હતી.
ચારૂતર આરોગ્ય મંડળના સેક્રેટરી જાગૃત ભટ્ટે આભારદર્શન કર્યું હતું. આ રજતજયંતિ ઉજવણી સમારોહમાં નાયબ મુખ્ય દંડક શ્રી અંબાલાલ રોહિત, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જશવંતસિંહ સોલંકી, ધારાસભ્યો શ્રીમતી જયોત્સનાબેન પટેલ અને શ્રી શિરીષભાઈ શુકલ, પદાધિકારીઓ, દાતાઓ, ચારૂતર મંડળના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


