ગુજરાતના ર૦પ પોલીસોને રાષ્ટ્રપતિશ્રીના વીરતા ચંદ્રકથી વિભૂષિત કરતા મુખ્ય મંત્રીશ્રી
મહાત્મામંદિર
ગુજરાત પોલીસના ઉપક્રમે શાનદાર પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ સંપન્ન
ચંદ્રક વિજેતાઓને અંતઃકરણના અભિનંદન
ગુજરાત પોલીસે કાયદો-વ્યવસ્થાની કામગીરીમાં ઉત્તમ સેવા બજાવી છે
પ્રજામાં પોલીસ પ્રત્યે સદ્ભાવ વધે અને પોલીસ પ્રજામાં સુરક્ષાનો વિશ્વાસ પૂરો પાડે
શાંતિના માહોલમાં પોલીસદળને વધુ સામર્થ્યવાન બનાવીએ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રપતિશ્રીના વીરતા ચંદ્રકો પ્રાપ્ત કરનારા ગુજરાત પોલીસ દળના ર૦પ પોલીસ, ગૃહ રક્ષકદળ અને જેલોના અધિકારીઓ અને જવાનોને વિશિષ્ઠ રાષ્ટ્રપતિ ચંદ્રકથી અલંકૃત કર્યા હતા.ગુજરાત પોલીસે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ઉત્તમમાં ઉત્તમ કામગીરી કરે છે એ માટે સમગ્ર પોલીસદળને તેમણે અભિનંદન આપ્યા હતા.
મહાત્મા મંદિર ખાતે પોલીસ અલંકરણના આ શાનદાર સમારોહમાં સલામતી સુરક્ષા માટે યશસ્વી યોગદાન આપીને રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રકોથી વિભૂષિત પોલીસોને અભિનંદન આપતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ પુરસ્કૃત ચંદ્રકો પ્રાપ્ત કરનારા પોલીસો પોતાની યશસ્વી ફરજો માટે સન્માનના અધિકારી બન્યા છે અને તેનું અનોખું ગૌરવ છે.
જેમણે પોતાની ફરજો દ્વારા વીરગતિને પ્રાપ્ત કરી તેવા મરણોપરાંત ચંદ્રકો પ્રાપ્ત પોલીસો સવિશેષ સન્માનના અધિકારી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
૧૯૬૦થી આજસુધી જેઓ ફરજો કરતાં વીરગતિ પામ્યા છે તેમની સંપુર્ણ વીરતાગાથાના પરિચયનું પુસ્તક તૈયાર થાય અને કરાઇ પોલીસ અકાદમીના નવા તાલીમાર્થીઓનો અભ્યાસક્રમ બને તેવું પ્રેરક સૂચન મુખ્ય મંત્રીશ્રીએ કર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ રાજ્યના પોલીસદળમાં નવા જોડાયેલા અનેક જવાનો ટેકનોસેવી અને ઉચ્ચશિક્ષણ પામેલા છે તે ભવિષ્યમાં ગુજરાત પોલીસની નવી તાકાત બનશે એટલું જ નહીં, ગુજરાત પોલીસમાં સંખ્યાબળની દ્રષ્ટિએ ખૂબ મોટી સંખ્યામાં યુવા-સામર્થ્યવાન, તરવરાટ, સાહસ, સમર્પણને વરેલા પોલીસોની નવી શક્તિ ઉમેરાઇ છે તેને વરિષ્ઠ અને અનુભવી પોલીસ અધિકારીઓનું પ્રેરક નેતૃત્વ મળે તો ગુજરાત પોલીસ દળની આવતીકાલ ખૂબ જ સામર્થ્યવાન બનશે. નવા યુવા પોલીસોની સેવા ફરજોનું ધડતર કરવાનું પ્રોત્સાહક સૂચન પણ મુખ્ય મંત્રીશ્રીએ કર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં વિકાસને કારણે શાંતિનો માહોલ સર્જાયો છે અને આ શાંતિનું વાતાવરણ જ વિકાસને વધુ વેગ આપે છે. સમાજમાં અજંપો, આક્રોશ, તનાવ બધુ જ નહીંવત થઇ જતું હોય છે. પ્રજા અને પોલીસ વચ્ચે ધર્ષણનો સમયગાળો દશ વર્ષથી રહ્યો જ નથી. ગુજરાતમાં શાંતિનું સારું વાતાવરણ પોલીસદળ માટે ફરજોમાં સતર્ક રહેવાનો પડકાર પણ છે. શાંતિપૂર્ણ ગુજરાતમાં પોલીસને વધુ કાર્યક્ષમ બનાવાનો સતર્ક રહેવાનો ખૂબ મોટો આ પડકાર ઝીલી લેવાનું પ્રેરક નેતૃત્વ પુરૂં પાડવા તેમણે આહ્વાન કર્યું હતું.
આ સંદર્ભમાં પોલીસ ડયુટીની ડ્રીલ અને મોકડ્રીલ માટે સમગ્ર પોલીસ બેડાને તૈયાર કરવાનું સૂચન કરતાં મુખ્ય મંત્રીશ્રીએ ટેકનોલોજીની બાબતમાં પોલીસદળ આધુનિકત્તમ બને તેવી અપેક્ષા રાખી હતી.
ગુજરાતની ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી અને ગુજરાત લૉ યુનિવર્સિટીના ત્રણ આધારસ્થંભ ઉપર ગુજરાતનું પોલીસદળ સામર્થ્યવાન પોલીસ માટેનું ઉત્તમ માનવસંસાધન શક્તિ ઉભી કરે તેવું પણ તેમણે સૂચવ્યું હતું.
પોલીસ પ્રત્યે પ્રજાનો સદ્ભાવ વધે અને સમાજને પોલીસ સુરક્ષાનો વિશ્વાસ આપે તેવી સ્થિતિનું નિર્માણ કરવા અપીલ કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આતંકવાદ સામે લોકશિક્ષણને વ્યાપક ફલક ઉપર લઇ જવા માટે અને સમાજ સાથેની સંવાદિતા માટેના નવા આયામોની પ્રસંશા કરી હતી.
સમાજમાં સામાન્ય માનવીને, દબાયેલા, કચડાયેલા સૌને સુરક્ષાનો સંતોષ આપીએ એવી હૃદયસ્પર્શી અપીલ પણ તેમણે કરી હતી.
આજના આ ગરિમાસભર મેડલ વિતરણ સમારોહમાં વર્ષ ર૦૦૧થી ર૦૧૧ સુધી મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા ગુજરાત પોલીસના અધિકારી-કર્મીઓને જાહેર કરાયેલા ૩ મરણોપરાંત વીરતા પદક, પ વીરતા પદક, ૧૩ વિશિષ્ટ સેવા પદક તથા ૧પ૪ પ્રસંશનીય સેવા પદક ઉપરાંત ૪૦ હોમગાર્ડઝ જવાનોને જાહેર કરાયેલા પદકો મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અર્પણ કર્યા હતા.
કાયદા મંત્રી શ્રી દિલીપ સંધાણી, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પટેલ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ર્ડા. વરેશ સિંહા, પોલીસ મહાનિર્દેશક શ્રી ચિતરંજનસિંધ તેમજ પોલીસ અધિકારીઓ, પદક પ્રાપ્ત પોલીસ કર્મીઓના પરિવારજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.



