ડાંગના ૬૬૭ જેટલા માજી રાજવીઓ, નાયકો અને ભાઉબંધોના સાલિયાણામાં રપ ટકા વધારો કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ડાંગ જિલ્લાના માજી રાજવીઓ, નાયકો તથા ભાઉબંધોને ચૂકવવામાં આવતા રાજકીય પેન્શન (સાલીયાણા)માં તા.૧ લી એપિ્રલ-ર૦૧ર થી રપ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આ સ્તુત્ય નિર્ણયની ભૂમિકા આપી હતી.પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે, બહુધા વનવાસી ક્ષેત્ર ડાંગ જિલ્લાના માજી રાજવીઓ, નાયકો અને ભાઉબંધો પાસેથી તેઓના આધિપત્ય હેઠળની જંગલોની જમીન-જાગીર અને જંગલ વિસ્તારના ભાગરૂપે તેમના મૂળભૂત હક્કો અને વિશેષ અધિકારોના બદલામાં રાજકીય પેન્શન વાર્ષિક, કાયમી અને વારસાગત ધોરણે સને ૧૯પ૪થી આપવામાં આવે છે.
રાજ્ય સરકારે આ પેન્શનમાં તા.૧.૪.ર૦૧ર થી રપ ટકાના વધારો કરવાનો નિર્ણય લીધો છે અને તેનો લાભ ડાંગના પાંચ રાજવીઓ, ૯ નાયકો અને ૬પ૩ ભાઉબંધોને પ્રાપ્ત થશે તેમ પણ મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.
આદિજાતિ-વનબંધુઓના લોકોત્સવ હોળીના પર્વ અવસરે, દર વર્ષે ડાંગ જિલ્લામાં યોજાતા પરંપરાગત ડાંગ દરબારમાં આ રાજવીઓનું રાજ્ય સરકાર સન્માન કરીને તેમને પોલીટીકલ પેન્શન (સાલીયાણાં) ની રકમ એનાયત કરે છે, એમ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.


