મન કી બાત – (122મી કડી) પ્રસારણ તારીખ-25-05-2025

May 25th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ આતંકવાદ વિરૂદ્ધ એક જૂથ છે, આક્રોશથી ભરેલો છે, સંકલ્પબદ્ધ છે, આજે દરેક ભારતીયનો એ જ સંકલ્પ છે કે, આપણે આતંકવાદનો ખાતમો બોલાવવાનો જ છે. સાથીઓ, ઓપરેશન સિંદૂર વખતે આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે, તેનાથી દરેક હિંદુસ્તાનીનું માથું ઉંચું કરી દીધું છે. જે ચોકસાઇની સાથે, જે સટિકતાથી આપણી સેનાઓએ સરહદની પેલે પારના આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા છે. તે અદભૂત છે. ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરૂદ્ધની લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યા છે.