દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

April 27th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા ત્રાસવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે, જેમણે આ આક્રમણમાં પોતાના પરિજનોને ખોયા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી, ત્રાસવાદી આક્રમણની છબિઓને જોઈને ઉકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ, ત્રાસવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળા-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદી અને આતંકવાદીઓના આકા ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સંપ, આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવું છે.