ડેડિયાપાડા, ગુજરાત ખાતે જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 15th, 03:15 pm
જય જોહાર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, અહીં ઉપસ્થિત લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, ગુજરાત સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, જયરામભાઈ ગામિતજી, સંસદમાં મારા જૂના સાથી મનસુખભાઈ વસાવાજી, મંચ પર ઉપસ્થિત ભગવાન બિરસા મુંડાના પરિવારના તમામ સદસ્યો, દેશના ખૂણે-ખૂણેથી આ કાર્યક્રમનો હિસ્સો બની રહેલા મારા આદિવાસી ભાઈઓ-બહેનો, અન્ય તમામ મહાનુભાવો અને દેશમાં અનેક કાર્યક્રમો આ સમયે ચાલી રહ્યા છે, અનેક લોકો ટેક્નોલોજી દ્વારા અમારી સાથે જોડાયેલા છે, ગવર્નર શ્રી છે, મુખ્યમંત્રી છે, મંત્રી છે, હું તેમને પણ જનજાતીય ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ડેડિયાપાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો
November 15th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ડેડિયાપાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે, તેમણે ₹9,700 કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. મા નર્મદાની પવિત્ર ભૂમિ આજે વધુ એક ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બની રહી છે એમ જણાવતા શ્રી મોદીએ યાદ કર્યું હતું કે 31 ઓક્ટોબરના રોજ, ભારતની એકતા અને વિવિધતાની ઉજવણી માટે સરદાર પટેલની 150મી જન્મજયંતીની શરૂઆત આ જ સ્થળે કરવામાં આવી હતી, અને ભારત પર્વની શરૂઆત કરવામાં આવી હતી. આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી સાથે, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આપણે ભારત પર્વની પરાકાષ્ઠાના સાક્ષી બની રહ્યા છીએ. તેમણે આ શુભ પ્રસંગે ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને સમગ્ર આદિવાસી પટ્ટામાં સ્વતંત્રતાની ભાવના જાગૃત કરનાર ગોવિંદ ગુરુના આશીર્વાદ પણ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા છે. મંચ પરથી તેમણે ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને થોડા સમય પહેલા દેવમોગરા માતાના મંદિરની મુલાકાત લેવાનો અને ફરી એકવાર તેમના ચરણોમાં નમન કરવાનો લહાવો મળ્યો હતો.