2047 માં વિકસિત ભારતનો માર્ગ આત્મનિર્ભરતામાંથી પસાર થાય છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

July 27th, 11:30 am

'મન કી બાત'માં ફરી એક વાર વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં, સ્પૉર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું જેના પર દરેક ભારતવાસીને ગર્વ છે. હમણાં જ શુભાંશુ શુક્લના અંતરિક્ષથી પુનરાગમન અંગે દેશમાં ઘણી ચર્ચા થઈ. જેવા શુભાંશુ ધરતી પર સુરક્ષિત ઉતર્યા, લોકો ઊછળી પડ્યા, પ્રત્યેકના મનમાં ખુશીની લહેર દોડી ગઈ. આખો દેશ ગર્વથી છલોછલ થઈ ગયો. મને યાદ છે, જ્યારે ઑગસ્ટ 2023માં ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ થયું હતું ત્યારે દેશમાં એક નવું વાતાવરણ બન્યું હતું. સાયન્સ માટે, સ્પેસ માટે બાળકોમાં એક નવી જિજ્ઞાસા પણ જાગી. હવે નાનાં-નાનાં બાળકો પણ કહે છે, અમે પણ સ્પેસમાં જઈશું, અમે પણ ચંદ્ર પર ઉતરીશું- સ્પેસ સાયન્ટિસ્ટ બનીશું.