ભારતનાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ફ્રાંસની મુલાકાત પર ભારત-ફ્રાંસનું સંયુક્ત નિવેદન
February 12th, 03:22 pm
પ્રજાસત્તાક ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોનનાં આમંત્રણ પર ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10-12 ફેબ્રુઆરી, 2025નાં રોજ ફ્રાન્સની મુલાકાત લીધી હતી. 10 અને 11 ફેબ્રુઆરી, 2025ના રોજ ફ્રાન્સ અને ભારતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી, જેમાં રાષ્ટ્ર અને સરકારોના વડાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નેતાઓ, નાના અને મોટા ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, બિન-સરકારી સંસ્થાઓ, કલાકારો અને નાગરિક સમાજના સભ્યોને એકત્ર કરવામાં આવ્યા હતા, જેથી બ્લેટ્ચલી પાર્ક (નવેમ્બર 2023) અને સિઓલ (મે 2024) સમિટ દરમિયાન પ્રાપ્ત થયેલા મહત્વપૂર્ણ સીમાચિહ્નો પર નિર્માણ કરી શકાય. તેમણે વૈશ્વિક સ્તરે એઆઈ ક્ષેત્ર જાહેર હિતમાં લાભદાયક સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પરિણામો લાવી શકે એ સુનિશ્ચિત કરવા નક્કર પગલાં લેવાની તેમની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ફ્રાંસના એઆઈ એક્શન સમિટના સફળ આયોજન પર રાષ્ટ્રપતિ મેક્રોનને અભિનંદન પાઠવ્યા હતા. ફ્રાન્સે આગામી એઆઈ સમિટના ભારતના આયોજનને આવકાર્યું હતું.