રોજગાર મેળા હેઠળ 51,000થી વધુ નિમણૂક પત્રોના વિતરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 12th, 11:30 am

કેન્દ્ર સરકારમાં યુવાનોને કાયમી નોકરીઓ પૂરી પાડવાનું અમારું અભિયાન અવિરતપણે ચાલુ છે. અને અમારી ઓળખ પણ છે, કાપલી વિના, ખર્ચ વિના. આજે, 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આવા રોજગાર મેળાઓ દ્વારા, અત્યાર સુધીમાં લાખો યુવાનોને ભારત સરકારમાં કાયમી નોકરીઓ મળી છે. હવે આ યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. આજે પણ, તમારામાંથી ઘણાએ ભારતીય રેલવેમાં તમારી જવાબદારીઓ શરૂ કરી દીધી છે, ઘણા સાથીઓ હવે દેશની સુરક્ષાના રક્ષક બનશે, ટપાલ વિભાગમાં નિયુક્ત સાથીઓ સરકારની સુવિધાઓને દરેક ગામ સુધી લઈ જશે, કેટલાક સાથીઓ હેલ્થ ફોર ઓલ મિશનના સૈનિક હશે, ઘણા યુવાનો નાણાકીય સમાવેશના એન્જિનને વધુ વેગ આપશે અને ઘણા સાથીઓ ભારતના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે. તમારા વિભાગો અલગ અલગ છે, પરંતુ ધ્યેય એક છે અને તે ધ્યેય શું છે, આપણે વારંવાર યાદ રાખવું પડશે કે, એક જ ધ્યેય છે, ગમે તે વિભાગ હોય, ગમે તે કાર્ય હોય, ગમે તે પદ હોય, ગમે તે ક્ષેત્ર હોય, એક જ ધ્યેય છે - રાષ્ટ્રની સેવા. સૂત્ર એક છે - નાગરિક પહેલા. દેશના લોકોની સેવા કરવા માટે તમારી પાસે ખૂબ મોટું પ્લેટફોર્મ છે. જીવનના આ મહત્વપૂર્ણ તબક્કામાં આટલી મોટી સફળતા માટે હું આપ સૌ યુવાનોને અભિનંદન આપું છું. આપની આ નવી સફર માટે હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધિત કર્યો

July 12th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાને સંબોધિત કર્યો અને વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000 થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. સભાને સંબોધતા તેમણે ભાર મૂક્યો હતો કે, આજે ભારત સરકારના વિવિધ વિભાગોમાં આ યુવાનો માટે નવી જવાબદારીઓની શરૂઆતનો દિવસ છે. તેમણે વિવિધ વિભાગોમાં જોડાતા યુવાનોને અભિનંદન આપ્યા હતા અને ભાર મૂક્યો હતો કે તેમની વિવિધ ભૂમિકાઓ હોવા છતાં, તેમનું સામાન્ય લક્ષ્ય નાગરિક પ્રથમના સિદ્ધાંત પર આધારિત રાષ્ટ્રની સેવા કરવાનું છે.