દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

April 27th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા ત્રાસવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે, જેમણે આ આક્રમણમાં પોતાના પરિજનોને ખોયા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી, ત્રાસવાદી આક્રમણની છબિઓને જોઈને ઉકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ, ત્રાસવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળા-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદી અને આતંકવાદીઓના આકા ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સંપ, આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવું છે.

પ્રધાનમંત્રીએ ડૉ. કે. કસ્તુરીરંગનના નિધન પર શોક વ્યક્ત કર્યો

April 25th, 02:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ડૉ. કે. કસ્તુરીરંગનના નિધન પર શોક વ્યક્ત કર્યો, જેઓ ભારતની વૈજ્ઞાનિક અને શૈક્ષણિક યાત્રામાં એક ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ડૉ. કે. કસ્તુરીરંગને ખૂબ જ ખંતથી ISRO ની સેવા કરી, ભારતના અવકાશ કાર્યક્રમને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના મુસદ્દા દરમિયાન અને ભારતમાં શિક્ષણ વધુ સર્વાંગી અને ભવિષ્યલક્ષી બને તે સુનિશ્ચિત કરવા માટે ડૉ. કસ્તુરીરંગનના પ્રયાસો માટે ભારત હંમેશા તેમનો આભારી રહેશે. તેઓ ઘણા યુવા વૈજ્ઞાનિકો અને સંશોધકો માટે એક ઉત્કૃષ્ટ માર્ગદર્શક પણ હતા, તેમ શ્રી મોદીએ ઉમેર્યું.