મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં આજે ગુજરાત અને કોરિયા વચ્ચે આર્થિક સંબંધોના સેતુરૂપ દક્ષિણ ગુજરાતના કલગામ મરોલી ખાતેના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કોરિયા લેન્ડ કોર્પોરેશન દ્વારા કોરિયન ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક અને ટેકનોલોજી ઝોન સ્થાપવા માટેના કરાર સંપન્ન થયા હતા.
ગુજરાત સરકારના ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ કોર્પોરેશન(GIDC) અને ગુજરાત વિઠ્ઠલ ઇનોવેશન સિટી લિમીટેડ (GVICL) દ્વારા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ઉમરગામ તાલુકાના કલગામ-મરોલી ખાતે સ્થપાઇ રહેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં કોરિયા રિપબ્લીક ગવર્નમેન્ટના સહયોગથી કોરિયા લેન્ડ કોર્પોરેશન (KLC) દ્વારા કોરિયન ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક સહ ટેકનોલોજી ઝોન સ્થાપવામાં આવશે. કોરિયાની આ હાઇટેક ઇકોનોમિક ઝોનમાં ભાગીદારીએ ગુજરાત અને કોરિયા વચ્ચે આર્થિક વિકાસના નવો અધ્યાય રચ્યો છે.
કોરિયાના લેન્ડ, ટ્રાન્સપોર્ટ અને મેરીટાઇમ અફેર્સના વાઇસ મિનિસ્ટર શ્રીયુત કવોન ડી. વાય.ના નેતૃત્વમાં ગુજરાત આવેલા પ્રતિનિધિમંડળને મુખ્યમંત્રીશ્રીએ ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કોરિયા અને ગુજરાત વચ્ચે ઔઘોગિક અને આર્થિક ક્ષેત્રે શરૂ થયેલ આ મહત્વપૂર્ણ સંબંધનો સેતુ સુદ્રઢ બનાવવા "સેન્ટર ઓફ લર્નિંગ'ની સ્થાપનાનું સૂચન કરતાં એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે જ્ઞાનનું આ કેન્દ્ર પરસ્પર તકનિકી સહયોગ અને ગુજરાતની ઔઘોગિક શ્રમશાંતિ, વાયબ્રન્સીની એક નવી ઓળખ વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરશે. મુખ્યમંત્રીશ્રીએ ૧૬૦૦ કિ.મી.નો સમૃદ્ધ સમુદ્રકિનારો ધરાવતા ગુજરાતનું રોડ-રેલ માર્ગે કોરિયા સાથેનું તાદાત્મ્ય તેમજ તાંત્રિક કુશળ માનવ સંશાધનબળનું સાયુજ્ય આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને ગુજરાતની પ્રતિષ્ઠાને વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ બનાવશે તેમ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કોરિયા અને ગુજરાત વચ્ચે બુદ્ધિઝમની જે પારંપારિક ઐતિહાસિક પ્રબળ કડી છે તેની વિશદ છણાવટ કરતાં આગામી જાન્યુઆરીમાં વડોદરામાં યોજાનાર આંતરાષ્ટ્રિય બુદ્વિસ્ટ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ પણ કોરિયન પ્રતિનિધિમંડળને પાઠવ્યું હતું. કોરિયાના લેન્ડ, ટ્રાન્સપોર્ટ અને મેરિટાઇમ અફેર્સ વાઇસ મિનિસ્ટર શ્રીયુત કવોન ડી. વાય. એ મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની પ્રસંશા કરતાં તેમની વિકાસલક્ષી નીતિ અને અભિગમને બિરદાવ્યો હતો. તેમણે ગુજરાત જેવા ઔઘોગિક સમૃદ્ધ અને સંપન્ન તથા પ્રગતિશીલ રાજ્યની સાથે ભાગીદારીથી કોરિયાના ઔઘોગિક એકમોનો સુદ્રઢ વિકાસ થશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.
મુખ્ય સચિવશ્રી ડી. રાજગોપાલને કોરિયન મંત્રીશ્રી અને પ્રતિનિધિમંડળનો સ્વાગત પ્રવચનથી આવકાર કર્યો હતો. આ પ્રસંગે ઉઘોગ રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી કે. કૈલાસનાથન, ગુજરાત વિઠ્ઠલ ઇનોવેશન સિટી લિમિટેડના અધ્યક્ષશ્રી એન. વિઠ્ઠલ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. August 04, 2009