મનસેના અધ્યક્ષ શ્રી રાજ ઠાકરે ખાસ મુંબઇથી મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને શુભકામના આપવા આવ્યા.
‘‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'' સિરિયલ ફેમ જેઠાલાલ (દિલીપ જોષી)ને જોઇને તેમની સાથે સમગ્ર હોલ ચીચીયારીઓથી ગુંજી ઉઠયું. તેમની સાથે દિગ્દર્શક શ્રી આતિશ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુ પામેલા સદ્દગતોને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું.
શ્રી પરસોત્તમ રૂપાલાએ ગુજરાતની જનતાવતી ભૂકંપ પીડિતો માટે દુઃખની લાગણી વ્યકત કરી રાજ્ય સરકાર દ્વારા હરસંભવ સહાય આપવાની જાહેરાત કરી.
સમગ્ર રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પોતાના જિલ્લાની ઓળખ સમા પોશાકો પહેરી ગરવી ગુજરાતની સમૃદ્ધ વિરાસતનું પ્રદર્શન કર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીના એક સમર્થકે સમગ્ર શરીરે કેસરી રંગથી મુખ્ય મંત્રી માટે સંદેશો લખી સદ્ભાવના મિશન અને તેમની દીર્ઘાયુની શુભકામના પાઠવી હતી.
સમગ્ર દેશ અને રાજ્યભરમાંથી સદ્ભાવના મિશનને સમર્થન આપવા આવેલા લોકોએ વંદેમાતરમ્ અને ભારત માતા કી જયના નાદ સાથે સમગ્ર હોલને રાષ્ટ્રપ્રેમથી ગૂંજવી દીધો હતો.
દેશભરમાંથી સંતો-મહંતો મોટી સંખ્યામાં મુખ્ય મંત્રીને આશીર્વાદ આપવા ઉમટી પડયા.
દેશ-વિદેશથી આવેલા મહાનુભાવોનો એક જ સૂર સાંભળવા મળ્યો, વિકાસનું ઉત્તમ મોડેલ હોય તે માત્ર ને માત્ર ગુજરાત છે.
પૂર્વોત્તર રાજ્યોના ભૂકંપગ્રસ્તોને સાંત્વના-શ્રદ્ધાંજલિ માટે મૌન
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સદ્ભાવના મિશનમાં સામેલ સહુ મહાનુભાવો અને વિશાળ જનમેદનીએ રાષ્ટ્રના પૂર્વોત્તર રાજ્યોમાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલાના સ્વજનો પ્રતિ સંવેદના પ્રગટ કરવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાડયું હતું.
સદ્ભાવના મિશન - મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉપવાસના ત્રીજા દિવસની સવારની શરૂઆત બે મિનિટના મૌનથી થઇ હતી. ગઇકાલે મોડી સાંજે ઇશાનના રાજ્યોમાં તીવ્ર ભૂકંપના અહેવાલ મળતાં જ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તરત જ ગુજરાતના આપત્તિ વ્યવસ્થાપન તંત્રને સાબદું કરી દીધું હતું અને તમામ પ્રકારની મદદ પહોંચાડવાની તત્પરતા વ્યકત કરી હતી.
સદ્ભાવના મિશનના ત્રીજા દિવસની શરૂઆતમાં જ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ઉપસ્થિત તમામ જનમેદનીએ બે મિનિટનું મૌન પાડીને ભૂકંપના અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના ગુરૂજનોએ આશીર્વાદ આપ્યા
સદ્ભાવના મિશન - મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ઉપવાસના ત્રીજા દિવસે તેમના ગુરૂજનોના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના અભ્યાસકાળ દરમિયાન જે ગુરૂજનોએ શિક્ષણ આપ્યું હતું તે વડીલ ગુરૂજનો શ્રી ગોરધનભાઈ પટેલ, શ્રી સોમાભાઈ પટેલ, શ્રી ઇશ્વરભાઈ પટેલ, શ્રી હરગોવનભાઈ પટેલ, શ્રી ચંદ્રકાન્તભાઈ દવે, શ્રી કાંતિભાઈ પટેલ અને શ્રી લવજીભાઈ ચૌધરી આજે સદ્ભાવના મિશનમાં પધાર્યા હતા અને તેમણે મંચ પર જઇને મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ આપ્યા હતા.
દેશના નાગરિકોને વોટ બેંકની રાજનીતિ નહીં, સદ્ભાવના સાથે વિકાસમાં સમાન તક જોઇએ છેઃ શ્રી જગતપ્રકાશ નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સદ્ભાવના મિશન અંતર્ગત ઉપવાસના ત્રીજા દિવસે હિમાચલ પ્રદેશના ભારતીય જનતા પક્ષના અગ્રણી અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી જગતપ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે, વોટબેંકની રાજનીતિથી ભાગલાવાદી નીતિનો જન્મ થાય છે. જે દેશના વિકાસ માટે ખતરારૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશના નાગરિકોને વોટબેંકની રાજનીતિ નહીં પરંતુ સદ્ભાવના સાથે વિકાસમાં સમાન તક જોઇએ છે.
ગુજરાતના સદ્ભાવના મિશનને સમર્થન આપતા શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે, આ મિશન સર્વાંગી વિકાસ માટે માત્ર ગુજરાત રાજ્યને જ નહિ, સમગ્ર દેશને નવી દિશા આપશે. તેમણે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સંગઠન શિલ્પી અને ભારતની આશા તરીકે ગણાવી શ્રી નરેન્દ્રભાઈ સાથેના કાર્યકાળના સંસ્મરણોને તેમણે વાગોળ્યા હતા.
દેશમાં જયારે વિકાસની ચર્ચા થાય છે, ત્યારે ગુજરાત મોડેલની ચર્ચા થાય છે, તેમ જણાવી શ્રી નડ્ડાએ ઉમેર્યું હતું કે, ગુજરાતે આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રથી માંડી તમામ સ્તરે જે વિકાસ કર્યો છે તે ઉદાહરણરૂપ છે. સમાજના પ્રત્યેક નાગરિકને વિકાસ માટે સમાન તક આપવા ગુજરાતે જે પુરૂષાર્થ આદર્યો છે તે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે, તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, દેશભરમાં બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાના સામના માટે શ્રી નરેન્દ્રભાઈ જેવું સક્ષમ નેતૃત્વ જરૂરી છે. આજે ભારતીય નાગરિકોને વિકાસ જોઇએ છે. પ્રત્યેક નાગરિકોને વિકાસમાં સમાન તક આપવાનો સંદેશો આ સદ્ભાવના મિશન દ્વારા સમગ્ર દેશને મળી રહયો છે ત્યારે ગુજરાતે સમગ્ર દેશને નવું દિશા દર્શન કર્યું છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
વિકસીત ગુજરાત પછી વિકસીત ભારત એ સદ્ભાવના મિશનની સૌથી મોટી ઉપલબ્ધી હશે
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનનું વક્તવ્ય
‘વિકસીત ગુજરાત પછી વિકસીત ભારત એ સદ્ભાવના મિશનની સૌથી મોટી ઉપલબ્ધી હશે.' ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને સદ્ભાવના મિશનને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત પાસે કોલસો નથી, લોખંડ નથી, પુરતું પાણી નથી, પરંતુ શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવું સફળ નેતૃત્વ છે. જેના પરિણામે ગુજરાતે વિકાસ કર્યો છે. આવા નેતૃત્વનું મોડેલ આખા રાષ્ટ્રમાં લાગુ કરવું જોઇએ.
શ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, વિકાસની વાતો તો બધા કરે છે, ગુજરાતે વિકાસ કરી બતાવ્યો છે. ગુજરાતની આર્થિક સમૃદ્ધિનો લાભ અન્ય રાજ્યોને પણ મળી રહયો છે. ગુજરાતના વેપાર-ઉદ્યોગોમાં ઓરિસ્સા સહિત અન્ય રાજ્યોના સેંકડો લોકો શાંતિપૂર્વક રોજગાર મેળવી રહયા છે. સદ્ભાવના મિશનમાંથી તમામ રાજ્યો અને સમગ્ર દેશે પ્રેરણા લેવી જોઇએ.