મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે ચીનના પાવર એનર્જી સેકટરમાં વિશ્વખ્યાત TBEA ટ્રાન્સફોર્મર ઇન્ડસ્ટ્રીઅલ ગ્રુપના ચેરમેન શ્રીયુત ઝાંગ ઝીન (Mr. ZHANG XIN) અને TBEA શેનયાંગ ટ્રાન્સફોર્મર ગ્રુપના ચેરમેન યે જુન (Mr. YE JUN)ની આગેવાનીમાં કંપનીના પદાધિકારીઓના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે મળીને મધ્યગુજરાતમાં વડોદરા નજીક TBEA હાઇવોલ્ટેજ પાવર ટ્રાન્સફોર્મર ઇકવીપમેન્ટ અને સોલાર એનર્જી ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સ્થાપવા માટેની દરખાસ્ત રજૂ કરીને સપ્ટેમ્બર-ર૦૧૧માં પ્રોજેકટનું નિર્માણ હાથ ધરી એક જ વર્ષમાં એટલે કે સપ્ટેમ્બર-ર૦૧રમાં સમગ્ર મેન્યુફેકચરીંગ પ્લાન્ટ કાર્યરત કરવાની તત્પરતા દાખવી હતી.
TBEAના શ્રીયુત ઝાંગ ઝીન અને શ્રીયુત યે જૂને ગુજરાતના વિકાસમાં સહભાગી બનવા માટે રાજ્ય સરકારના સક્રિય અને વિધેયાત્મક સહયોગની અને નીતિવિષયક નિર્ણયોમાં ઝડપ અને પારદર્શિતાની પ્રસંશા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ચીનની TBEA કંપનીના આગમનને આવકારતાં જણાવ્યું કે ગુજરાત પાવર સેકટર અને બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો, સોલાર એનર્જી, ગ્રીન એનર્જી, વિન્ડ એનર્જીના ક્ષેત્રોમાં દેશમાં પ્રતિષ્ઠા મેળવી રહ્યું છે અને મધ્યગુજરાતમાં એનર્જી ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ હબ બની રહ્યું છે તેની ભૂમિકા આપી હતી. પાવર ટ્રાન્સફોર્મર ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ ઉપરાંત ગુજરાત પાવર એનર્જી ઇકવીપમેન્ટના મેન્યુફેકચરીંગ માટે ધરઆંગણે તથા વિદેશોમાં વિકાસ માટેનું કેન્દ્ર બની રેહવાનું છે તેમ જણાવી તેમણે શેનચાંગ પ્રોવિન્સ સાથે ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ સેકટરની ભાગીદારીની નવી ક્ષિતિજોને આવકારી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, ઊર્જાના અગ્ર સચિવશ્રી જે. પાંડિયન અને ઇન્ડેક્ષ-બી ના મેનેજિંગ ડિરેકટરશ્રી પણ ઉપસ્થિત હતા.