મુખ્યમંત્રીશ્રીએ ઇ-ગ્રામની બ્રોડબેન્ડ કનેકટીવિટી આપતાં જ શાળાના શિક્ષકોએ નવીનત્તમ પહેલ કરીને વેબસાઇટ કાર્યરત કરી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાનકડા એવા અઢીસોની વસતી ધરાવતા ખીજડીયા ગામની પ્રાથમિક શાળાએ પોતાની વેબસાઇટ (www.khijadiyaprimaryschool.com) કાર્યરત કરીને ઇ-ગ્રામ ટેકનોલોજીનો શ્રેષ્ઠ વિનિયોગ કર્યો છે અને પ્રેરક દ્રષ્ટાંત પુરૂં પાડયું છે.
સરકાર સંચાલિત ખીજડીયા પ્રાથમિક શાળામાં માત્ર બે જ શિક્ષકો છે. આચાર્ય જેરામ રાઠોડ અને મદદનીશ શિક્ષક દર્શન ઠાકર સાત ધોરણ સુધીની આ શાળાનું સંચાલન કરે છે અને મુખ્યમંત્રીશ્રીએ બ્રોડબેન્ડ કનેકટીવિટીની સુવિધા આપી તેનાથી પ્રેરાઇને પોતાની શાળાની વેબસાઇટ કાર્યરત કરી છે જેમાં આપસૂઝથી ગામનો અને શાળાનો ઇતિહાસ અને માળખાકીય સુવિધાઓ, વિકાસગાથા તથા શાળાના તમામ બાળકો-પરિવારોનો બાયોડેટા મૂક્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આજે સચિવાલયમાં આ બંને શિક્ષકો અને ધારાસભ્યશ્રી મનસુખભાઇ ભૂવાને શાળાની વેબસાઇટ શરૂ કરવા અંગે અભિનંદન આપ્યા હતા અને વેબસાઇટ લોંચ કરી હતી.