મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભાજપા અધ્યક્ષશ્રી નીતિન ગડકરીએ પોરબંદરના દરિયાકાંઠે ગાંધીમૂલ્યો આધારિત અદ્દભૂત રેતશિલ્પ પ્રદર્શન ખૂલ્લુ મૂકયું હતું અને ૪૦ જેટલા રેતશીલ્પ કલાકસબીઓએ તૈયાર કરેલી ગાંધી જીવનદર્શનની રેતશીલ્પ પ્રતિકૃતિઓ નિહાળીને અત્યંત પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રેતશીલ્પ કલાકસબ પ્રવાસન ઉઘોગ માટે ગુજરાતને વિશ્વ પર્યટન નકશામાં મૂકવાની વિશેષ સંભાવના ધરાવે છે. ગુજરાતનો સમૂદ્રકિનારો, ગાંધીજી, ગીરના સિંહો, સોમનાથ-તીર્થની સાંસ્કૃતિક વિરાસત અને શ્રીકૃષ્ણની દ્વારિકાનગરી જેવા વિશ્વ પર્યટકોને આકર્ષે તેવા પ્રવાસન પ્રવૃત્તિના વિકાસ ઉપર રાજ્ય સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
ગાંધી નિર્વાણ દિવસે ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં રેતશીલ્પ સ્પર્ધાનો વિષય “ગાંધીમૂલ્યો” રાખીને રાજ્ય સરકારે ગાંધીજીના મૂલ્યો આજે પણ વિશ્વને પથદર્શક છે તેનો આવિષ્કાર કર્યો છે. આવતા વર્ષે “ગાંધીજી અને પર્યાવરણ” વિષય ઉપર પોરબંદરના દરિયાકાંઠે રેતશીલ્પ પ્રદર્શન સ્પર્ધા યોજવાની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રીએ ગાંધીજીના જીવન સંદેશ આજે પણ વિશ્વને ગ્લોબલ વોર્મિંગના સંકટમાંથી ઉગારવા પ્રકૃતિપ્રેમ, વૃક્ષ પ્રેમ, ઉર્જા-પાણી બચત અને સંરક્ષણ જેવા પર્યાવરણલક્ષી વિષયો માટે આજે પણ પ્રસ્તુત છે.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં પ્રવાસન પ્રવૃત્તિનો વિકાસ ઓછામાં ઓછી મૂડીએ સૌથી વધુ રોજગારીની તકો આપવાના અવસર તરીકે વ્યાપક ફલક ઉપર લઇ જવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી તેમણે જણાવ્યું કે બાપુના પગલે ચાલીને આ સરકારે ગરીબોના જીવનમાં બદલાવ લાવવાના પ્રયાસો કર્યા છે.
શ્રી નીતિન ગડકરીઃ
ભાજપા અધ્યક્ષશ્રી નીતિન ગડકરીએ રેતશીલ્પ સ્પર્ધકોની કલા સાધનાને બિરદાવતા જણાવ્યું કે રેતશીલ્પ દ્વારા ગાંધીવિચારને પ્રસ્તુત કરવાની નવતર પરિકલ્પનાનું શ્રેય મુખ્યમંત્રીશ્રીને ફાળે જાય છે અને આજે ગાંધીજીની જન્મભૂમિથી ગુજરાતનો પ્રવાસ કરવાનો પ્રારંભ થયો છે તે હું મારૂ સદ્દભાગ્ય માનું છું.
તેમણે ગાંધીજીના જીવન વ્યકિતત્વ અને પંડિત દીનદયાલજીના વિચારદર્શનની સામ્યતાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે રાજનીતિનો ઉદેશ માત્ર સત્તાકારણમાં સિમીત નથી પરંતુ સમાજકારણ અને રાષ્ટ્રકારણ દ્વારા સમાજના છેવાડાના માનવીનો ઉત્કર્ષ એ જ સાચી રાજનીતિ છે અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ આ જ માર્ગ દેશને બતાવી રહ્યા છે. સાચી રાજનીતિ તો સામાજિક-આર્થિક પરિવર્તનની દિશા હોવી જોઇએ જે ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાના અભિયાનથી દેશને પ્રતીતિ થઇ રહી છે.
આ પ્રસંગે ભાજપાના પ્રદેશશ્રી પુરૂષોત્તમ રૂપાલા, નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા, સાંસદશ્રી વિજ્યભાઇ રૂપાણી, પોરબંદર જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી નિમિષભાઇ ઓડેદરા, અગ્રણીઓશ્રી ધીરૂભાઇ ઠકરાર તેમજ અન્ય મહાનુભાવો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.