મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અલિગઢની મંગલાયતન યુનિવર્સિટી આયોજિત રાષ્ટ્રીય વ્યાખ્યાનશ્રેણીમાં દેશની વિરાટ યુવાશકિતને યુવા-હિન્દુસ્તાનના સામર્થ્યનું વિશ્વને દર્શન કરાવવા પ્રેરક આહ્વાન કર્યું હતું.
‘‘યુવાપેઢી અને ભારતનું ભવિષ્ય'' વિષયક વ્યાખ્યાન આપવા શ્રી નરેન્દ્રભાઇ મોદીને વિશેષ અતિથિરૂપે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ભારત વિશ્વનો સૌથી યુવાદેશ છે અને ૪૦ કરોડથી અધિક યુવાસંપદા ર૧મી સદીના હિન્દુસ્તાનના ભવિષ્યની તાકાત બની શકવાનું સામર્થ્ય ધરાવે છે એવો દ્રઢ વિશ્વાસ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને ઊંચા સપના જોવા અને હિન્દુસ્તાનની મહાન સાંસ્કૃતિક વિરાસત માટે આત્મગૌરવનો મિજાજ બતાવવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ર૧મી સદીના જ્ઞાનયુગમાં હિન્દુસ્તાન વિશ્વગુરૂ બનવા માટેની પૂરી ક્ષમતા ધરાવે છે. આ સંદર્ભમાં તેમણે ત્રણ વિશિષ્ઠ કારણોની ભૂમિકા આપી હતી ભારતીય સમાજ જ્ઞાનશકિતને ઊર્જિત કરનારો છે. જ્ઞાનસંપદામાં ભારત સર્વોપરી છે. બીજુ ભારતની ૪૦ કરોડથી અધિક બૌધ્ધિક યુવાશકિત અને યુવાધનમાં એવી ઊર્જાશકિત છે જે પોતાની જિંદગી, દેશ અને યુગને બદલવા માટે કર્તવ્યરત થાય તો વિશ્વમાં સમર્થ નેતૃત્વ પુરૂં પાડી શકે. ત્રીજું સામર્થ્ય, દુનિયા સમક્ષ તોળાઇ રહેલા ગ્લોબલ વોર્મિંગના સંકટ સામે માનવજાતને ઉગારવાનો ઉપાય ભારતની પ્રકૃતિ સંવાદની સાંસ્કૃતિક જીવનશૈલીમાં રહેલો છે. પશ્ચિમની ઉપભોકતાવાદી સમાજ-વિકૃતિ સામે ભારતની સંસ્કૃતિએ જ પ્રકૃતિ સાથે સંઘર્ષ નહી, સંવાદનો માર્ગ અપનાવેલો છે.
‘‘આપણી યુવાપેઢી આપણી આ મહાન સાંસ્કૃતિક ધરોહર પ્રત્યે ભરોસો ઉભો કરે'' એવો અનુરોધ કરતાં તેમણે જણાવ્યું કે ગુલામીની માનસિકતાએ આપણું આત્મગૌરવ હણી નાંખ્યું છે. ત્યારે હવે ર૧મી સદીમાં દેશની યુવાપેઢી ‘‘આપણું બધું નકામું'' એવી રોગિષ્ઠ માનસિકતામાંથી બહાર આવવાનો યુવામિજાજ બતાવે. યુવાનોને પ્રેરણા આપતાં દ્રષ્ટાંતો સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રત્યેક યુવામન ‘‘કંઇક બનવાનો'' નહીં ‘‘કંઇક કરવાનો'' સંકલ્પ કરે.
ગુજરાતે વિશ્વની માનવજાતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા FSL યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી, ટિચર્સ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી જેવા નવતર વૈશ્વિક શિક્ષણની પહેલ કરી છે તેમ તેમણે જણાવ્યું હતું.
યુવાનો નકસલવાદી હિંસાનો માર્ગ છોડી, ભારતના સંવિધાનની મર્યાદામાં રહી વાતચિતો દ્વારા પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવી શકે એવું મંતવ્ય મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના પ્રશ્નના જવાબમાં દર્શાવ્યું હતું. ઉત્તરપ્રદેશ અને ગુજરાત વચ્ચેનો સંબંધ તો મથુરાના ચક્રધારી મોહન દ્વારિકામાં વસ્યા (શ્રીકૃષ્ણ) થી પોરબંદરના ચરખાધારી મોહન (ગાંધીજી)એ યમુનાઘાટે અંતિમ શ્વાસ લીધા તેવો ભાવાત્મક રહ્યો છે એમ તેમણે જણાવ્યું હતું.
મંગલાયતન યુનિવર્સિટીના કુલાધ્યક્ષ ડો. અચ્યુતઆનંદ મિશ્રા, કુલાધિપતિશ્રી સતીષચન્દ્ર જૈન, કુલપતિશ્રી અને અધ્યક્ષશ્રી પવન જૈન સહિતના મહાનુભાવોએ મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને ભારતીય યુવાનો માટે આદર્શ રાજપુરૂષ ગણાવ્યા હતા. પદમભૂષણ કવિશ્રી ગોપાલદાસ નિરજે મુખ્યમંત્રીશ્રીને દેશમાં સાંસ્કૃતિક આંદોલનનું નેતૃત્વ ગુજરાત લે તે માટે પ્રેરણા આપવા અનુરોધ કર્યો હતો.