આઇ.આઇ.એમ.ના યુવકના ખાનગી સાહસને મુખ્યમંત્રીશ્રીએ આપ્યુ પ્રોત્સાહન
મણીનગરમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જી-ઓટોમાં બેસી પ્રસ્થાન કરાવ્યું
જી-ઓટો રીક્ષા વ્યવસાયની નવી શાખ ઉભી કરશે – શ્રી નરેન્દ્રભાઇ મોદી
અમદાવાદઃ ગુરૂવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતમાં શહેરી સાર્વજનિક પરિવહન ક્ષેત્રે નવા પ્રયોગ સમાન જી-ઓટો રીક્ષામાં બેસીને પ્રારંભ કરાવતા એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, ઓટો રીક્ષા વ્યવસાયની નવી શાખ જી-ઓટો પાયલોટ ઉભી થશે.આઇ.આઇ.એમ.ના યુવા બૌધિક શ્રી નિર્મલ કુમારના નિર્મલ ફાઉન્ડેશન દ્વારા “”જી-ઓટો”નો આ પ્રોજેકટ ગુજરાત સરકારના સહયોગથી અમદાવાદમાં શરૂ થયો છે. પ્રથમ તબકકે એક હજાર જેટલી ગ્રીન રીક્ષા અમદાવાદની સડકો ઉપર ફરતી થઇ છે.
જી-ઓટોની વિશિષ્ટતા એ છે કે, નિર્મલ ફાઉન્ડેશને જી-ઓટો રીક્ષા ચાલકોને ઓટો પાયલોટનો સામાજિક દરજ્જો, વીમા સુરક્ષા, પેન્શન-નિવૃત્તિ પ્લાન અને આર્થિક ઉપાર્જનની રીક્ષા વ્યવસાય દ્વારા વિશેષ સુવિધાઓ પૂરી પાડી છે.
જ્યારે જી-ઓટોમાં પ્રવાસ કરનારને અખબાર, મેગેજીન, ફોન, શુધ્ધ પીવાનું પાણી, એફ.એમ.રેડિયો જેવી સવલતો ઉપલબ્ધ થઇ છે. જી-ઓટો રીક્ષા વ્યવસાયની ગરીમા અને ચાલક-પેસેન્જર વચ્ચેના સૌજન્યભર્યા વ્યવહારનો નાતો પ્રસ્થાપિત કરશે.
મણીનગરમાં રૂા.૧૧ કરોડના ખર્ચે બંધાનારી ડેન્ટલ કોલજ, રૂા.૪.૫ કરોડના ખર્ચે રૂક્ષમણીબહેન હોસ્પિટલની વિસ્તૃતિકરણ યોજના તથા લાયબ્રેરી અને સીવીક સેન્ટર સંકુલનું ભૂમિપૂજન કર્યા બાદ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ જી-ઓટો પ્રોજેકટ નગરજનોને સમર્પિત કર્યો હતો.
અમદાવાદ જી-ઓટોથી નવી ઓળખ મેળવશે એવો વિશ્વાસ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રીક્ષાના વ્યવસાયની શાખ ઉભી થશે. રીક્ષા ચાલક પરિવારની ગરિમા અને નાગરિકની પ્રવાસ સુવિધા બંને છેડાને ફાયદારૂપ આ પ્રોજેકટ અસંગઠિત ક્ષેત્રોમાં માનવ સંન્સ્પર્શ સાથે વિકાસની અનુભૂતિ કરાવશે.
જી-ઓટો પાયલોટના યુનિફોર્મ માટે ખાનગી કંપનીઓ વિજ્ઞાપન સાથે આવકનું મોટુ સાધન ઉભુ થઇ શકે તેવું સૂચવતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જી-ઓટો પાયલોટની આ મુવમેન્ટ શરૂ કરીને નિર્મલ ફાઉન્ડેશને પબ્લિક ટ્રાન્સપોર્ટની વિશ્વસનીયતા ઉભી કરી છે.
૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ જેમ વિશ્વાસ પેદા કર્યો એમ જી-ઓટો પણ રીક્ષા વ્યવસાય નવી વ્યવસાયની જ વિશ્વાસનીયતા જગાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
શહેરી વિકાસને નવી ઉંચાઇએ લઇ જવામાં શિક્ષણ અને આરોગ્ય જેવા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્ષ્ટના બે મહત્વના સેકટરો ઉપર ખાસ ધ્યાન આપ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું. વ્યવસ્થા સુવિધા અને વિકાસમાં ગુણાત્મક પરિવર્તન લાવ્યા છીએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે પ્રતિકરૂપે પાંચ જી-ઓટો રીક્ષા પાયલોટને પ્રત્યેકને રૂા.બે લાખના વીમા સુરક્ષા કવચની પોલીસી અર્પણ કરી હતી. વિવધિ સમાજ વર્ગોના અગ્રણીઓએ પોતાના વિસ્તારમાં આરોગ્ય સુખાકારીની સુવિધા મળવા અંગે મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું અભિવાદન કર્યું હતું.
અમદાવાદના મેયર શ્રી કાનાજી ઠાકોરે સ્વાગત પ્રવચનમાં શહેરના ભાવિ વિકાસ આયોજનમાં પૂર્વ-પશ્રિમ સમ્યક વિકાસની મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેમ સાકાર થઇ રહી છે તેનો આનંદ વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રી અને હોદ્દેદારો, નગરસેવકો, પશ્રિમ રેલ્વેના ડીવીઝનલ મેનેજર, એલ.આઇ.સી તથા એસ.બી.આઇ.ના સી.જી.એમ. તથા વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.