મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની સાંસ્કૃતિક વિરાસતના પરમ શ્રધ્ધાતીર્થ શ્રીકૃષ્ણ જન્મસ્થાન મથુરામાં સુપ્રસિધ્ધ રાધાકૃષ્ણ મંદિરમાં જઇને ભકિતભાવથી પૂજા અર્ચન કર્યા હતા.
આજે શરદ પૂર્ણિમાના પવિત્ર પર્વે શ્રી નરેન્દ્રભાઇ મોદી ગોકુલ-મથુરા પહોંચ્યા હતા અને શ્રીકૃષ્ણ જન્મસ્થળના પ્રાચીન મંદિર પરિસરમાં આવેલા વિવિધ મંદિરોમાં જઇને શ્રધ્ધાપૂર્વક દર્શન કરી કૃતાર્થતાની લાગણી અનુભવી હતી.
મથુરાનું આ ભગવાન શ્રીકૃષ્ણ જન્મસ્થળ ભારતની પ્રાચીનત્તમ સાંસ્કૃતિક ધરોહર છે અને જે જેલ કોટડીમાં શ્રીકૃષ્ણ જન્મ્યા હતા તેમાં પણ શ્રધ્ધાભાવે જઇને મુખ્યમંત્રીશ્રીએ દર્શન કર્યા હતા.
ભગવાન શ્રીકૃષ્ણે દ્વાપર યુગમાં મથુરામાં યુગાવતાર લીધો હતો અને ગોકુલ-વૃંદાવનમાં આધ્યાત્મિક જીવનલીલા રમીને દ્વારિકા આવીને વસ્યા હતા અને ગુજરાતને કૃષ્ણમય બનાવી દીધું હતું. મહાભારતના ગીતાકાર શ્રીકૃષ્ણ જન્મસ્થળ મથુરામાં આધ્યાત્મિક યોગભાવથી પૂજા દર્શન કરીને મુખ્યમંત્રીશ્રી વૃંદાવન ધામ પહોંચ્યા હતા અને ત્યાં દીદી ઋતુમ્ભરાજી સાથે વાત્સલ્ય ધામમાં યોજાઇ રહેલા સ્વામી પરમાનંદગિરીજી મહારાજના હિરક મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા