મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નૂતન શિક્ષણના આધુનિક પડકારોથી નિરંતર સજ્જ રહેવા માધ્યમિક શાળાઓમાં શિક્ષક-વિઘાર્થીની “લર્નિંગ કલબ”શરૂ કરવાનું પ્રેરક સૂચન કર્યું છે.
ગાંધીનગરના બાયસેગ સ્ટુડિયોમાંથી રાજ્યભરના ૮૩,૩૩૮ જેટલા માધ્યમિક શિક્ષકો અને આચાર્યોના પાંચ દિવસના પ્રશિક્ષણ કાર્યશિબિરનો આજે મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો હતો.
આધુનિક યુગમાં વિજ્ઞાન-ટેકનોલોજીના સાર્વત્રિક પ્રભાવના કારણે હવે શિક્ષણકાર્યમાં ટિચીંગ પ્રોસેસ આઉટડેટેડ થઇ ગયો છે અને શિક્ષકો માટે સૌથી મોટો પડકાર લર્નિંગ પ્રોસેસમાં ઇનોવેશન અપનાવવાનો છે. આ લર્નિંગ પ્રોસેસના ઉદીપક તરીકે આજના શિક્ષકે શિક્ષણકાર્યમાં સતત કલ્પકતાને આત્મસાત કરવી પડશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શિક્ષણ વિભાગ દ્વારા આજથી માધ્યમિક શિક્ષકો અને આચાર્યો માટેના આ કર્મયોગી પ્રશિક્ષણ શિબિરમાં દરરોજ નિષ્ણાંત વકતવ્યો રજૂ કરાશે.
સ્વર્ણિમ ગુજરાતની આવતીકાલને આધુનિક બનાવવાના નિયંતા તરીકે શિક્ષકોનું ગૌરવ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષકોને તેમની નિરંતર વહેતી જ્ઞાનશકિતનો વર્ગના વિઘાર્થીને સાક્ષાત્કાર કરાવવાની સાથોસાથ શિક્ષકને કર્મકાંડરુપે નહીં પણ જ્ઞાનના ઉપાસક તરીકે સ્વાન્તઃ સુખાય તાલીમ લેવા પ્રેરણા આપી હતી.
શિક્ષકોની કાર્યશિબિરના પ્રારંભે “મનુષ્ય તું બડા મહાન હૈ”નું પ્રેરણાગીત પ્રસ્તુત થયું તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે “શિક્ષક તું બડા મહાન હૈ” એવો આત્મવિશ્વાસ જગાવીએ. શિક્ષકની પ્રત્યેક વાણીમાં યુગનું આહ્વાન હોય, શિક્ષક અને વિઘાર્થી વચ્ચે કોઇ અંતર ના હોય, અદ્વૈતભાવ હોય, શિક્ષક માત્ર પાઠયપુસ્તક કે અભ્યાસક્રમલક્ષી ન રહે પણ સામે બેઠેલા વિઘાર્થીની આવતીકાલનું ધડતર કરવામાં પોતાની જાતને જોડે તો જ વિઘાર્થીમાં સ્થગિતતાને બદલે જીવન બદલાવી શકશે એમ તેમણે જણાવ્યું હતું.
સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં પ્રત્યેક માધ્યમિક શાળા ખેલકૂદ ક્ષેત્રે પોતાના છેલ્લા પ૦ વર્ષના વિક્રમો તોડીને નવા પ્રસ્થાપિત કરે એવું પ્રેરક આહ્વાન પણ તેમણે આપ્યું હતું.
શિક્ષકની સમાજ માટેના દાયિત્વની ભૂમિકાના પ્રેરણાદાયી દ્રષ્ટાંતો આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રત્યેક શિક્ષક પોતાના વિઘાર્થીના ધરે જઇને વાલી પરિવાર સાથે નિકટનો નાતો કેળવે તો શિક્ષક અને વિઘાર્થી વચ્ચે અંતર ધટી જશે.