મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે ગુજરાતમાં ગરીબી સામેનો જંગ સરકારે શરૂ કર્યો છે અને ગરીબ કલ્યાણ મેળા જિલ્લે જિલ્લે યોજીને ગરીબીમાંથી બહાર આવવાનો સાચો રસ્તો ગરીબોને બતાવ્યો છે. ગરીબો ગરીબીમાં પીડાતા રહે એ સ્થિતિ બદલવાનો સરકારે સંકલ્પ કર્યો છે.

‘‘આખા દેશની કોઇ સરકારે નથી કર્યો એવો શિક્ષણથી ગરીબી સામે લડવાનો રસ્તો ગુજરાતની સરકારે બતાવ્યો છે અને ગરીબનું બાળક ભણવાથી વંચિત રહી જાય નહીં તેવું શિક્ષણનું અભિયાન ગામે-ગામ ઉપાડયું છે'' એમ તેમણે જણાવ્યું હતું.

ગરીબો અને વંચિત જનસમૂદાયને માથેથી ગરીબીનું કલંક મિટાવવા મુખ્યમંત્રીશ્રીએ શરૂ કરેલા ‘‘ગરીબ કલ્યાણ મેળા''ના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત આજે હિંમતનગરમાં સાબરકાંઠાના ૭ તાલુકા-હિંમતનગર, પ્રાંતિજ, ઇડર, વડાલી, ભિલોડા, ખેડબ્રહ્મા અને વિજયનગરમાંથી વિરાટ માનવ મહેરામણ ગરીબ કલ્યાણ મેળામાં ઉમટયો હતો.

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉપક્રમે રૂ.૪૧૧ કરોડના ખર્ચે નવનિર્મિત વિવેકાનંદ જનશકિત સ્ટેડિયમનું લોકાર્પણ કર્યા બાદ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખૂલ્લી જીપમાં વિરાટ જનશકિતનું દર્શન કર્યું હતું. જનઅભિવાદન કરીને મુખ્યમંત્રીશ્રીએ સરકારની વિવિધલક્ષી યોજનાઓના ૬૭૦૦૦ થી વધારે વ્યકિતલક્ષી લાભાર્થીઓને રૂ. ૬૯ કરોડના સહાય-સાધનોનું વિતરણ કરી ગરીબ પરિવારોના જીવનમાં નવી આશાનો સંચાર કર્યો હતો. આ પ્રસંગે સાત વિકાસ સુવિધાઓનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

‘‘ગરીબી આજ જશે, કાલ જશે એવી રાહમાં આઝાદીના ૬૦ વર્ષોથી પીડાતા રહેલા ગરીબોને આ સરકારે ગરીબીમાંથી ઉપર ઉઠવાનો સાચો રસ્તો બતાવ્યો છે હવે, એમને રાહ જોવાની નથી, અવસર આવ્યો છે. ગાંધીનગરમાં બેઠેલી ગરીબોની બેલી સરકારે ગરીબને ઓટલો અને રોટલો બંને આપ્યા છે. શિક્ષણ લેવા માટે, ધંધા રોજગાર વિકસાવવા વંચિતોની વહારે આવી છે.'' એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતના ઇતિહાસમાં લાંબામાં લાંબા ૩૦૦૦ દિવસ મુખ્યમંત્રી રહીને સેવાનો અવસર આપવા માટેનું શ્રેય જનતા જનાર્દનને ફાળે આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબોની સેવા કરવા માટે ઋણસ્વીકાર કર્યો હતો અને ગુજરાતના પ૦ વર્ષની ઉજવણીના અવસરે, આખા ગુજરાતમાં જિલ્લે-જિલ્લે ફરીને એકાદ મહિનામાં પ૦ ગરીબ કલ્યાણ મેળાનો સેવા યજ્ઞ આદરીને ગરીબોને તેમના હક્કો હાથોહાથ પહોંચાડવાનો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ગરીબ કલ્યાણ મેળાની ફલશ્રુતિની ભૂમિકા આપતા જણાવ્યું કે પહેલાં પણ સરકારી વ્યવસ્થા હતી, યોજનાઓ ઘડાતી અને બજેટો ખર્ચાતા, પણ ખૂદ લાભાર્થી ગરીબને જ ખબર નહોતી કે તેને ગરીબીમાંથી ઉપર આવવા કઇ યોજનાનો લાભ મળે? આ સરકારે ગરીબ માટેનો એક રૂપિયો સહેજ પણ ઘસરકા વગર તેના હક્કદાર પરિવારમાં પહોંચે અને ગરીબીમાંથી ઉપર ઉઠવામાં એક રૂપિયો ૧૦પ પૈસાના સ્વરૂપે ઉગી નીકળશે, તેવો અભિગમ અપનાવ્યો છે એમ તેમણે જણાવ્યું હતું.

ગરીબના હક્કના લાભો ઝૂંટવી લેવા વચેટીયા એવા ઝોલા લઇને ફરતા દલાલોની જમાત ગામડે-ગામડે ગરીબોને લૂંટતી હતી. આ સ્થિતિનો અંત લાવીને હવે ગરીબ કલ્યાણ મેળામાં સાચા લાભાર્થીને શોધવા સરકારના અધિકારીઓએ ગામડાં ખૂદયાં છે. આ ગરીબ કલ્યાણ મેળો એ વચેટીયા નાબૂદી મેળો છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સમજાવ્યું કે ગરીબીને પરાસ્ત કરીને બહાર આવવા માટે મોટામાં મોટું હથિયાર શિક્ષણ છે, અને ગરીબી સામે જંગ જીતવા માટે આ સરકારે શિક્ષણ માટે બધી જ બાજુએથી અભિયાન ઉપાડયું છે. ગામે-ગામ શાળામાં બધી જ માળખાકીય સુવિધા જ નહીં પરંતુ કોમ્પ્યુટર શિક્ષણની સગવડો આપી છે. હવે કોઇ ગરીબનું સંતાન ભણ્યા વગર ના રહે તે માટે આ સરકાર ચિન્તા કરી રહી છે. ગરીબ પરિવારના બાળકને માંદગી કે રોગોમાંથી યોગ્ય સારવારની સગવડ સરકારે બધો ખર્ચ ઉઠાવીને કરી છે, વર્ષે ૭૦૦-૮૦૦ ગરીબોના બાળકોના સરકારના લાખો રૂપિયાના ખર્ચથી સ્વસ્થ બનાવ્યા છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ‘‘ગામે ગામ ગામતળના જમીનના પ્લોટ ગરીબને આપવા માટે ગામતળ નીમ કરવાની ઝૂંબેશ પૂરી કરી છે અને આઝાદી પછી અત્યાર સુધી જેટલા ઘરવિહોણાને પ્લોટ આપ્યા છે તેના કરતાં વધારે ઘરથાળના પ્લોટો એક મહિનાના ગરીબ કલ્યાણ મેળામાં આપી દેવાશે''

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સરકારે તો ગરીબી દૂર કરવાનું અને ગરીબોના હાથ પકડીને ગરીબોની આંતરડી ઠારવાનું અભિયાન ઉપાડયું છે પણ કેન્દ્રની સરકારે મોંઘવારીમાં ભીંસાઇ રહેલી ગરીબ જનતાની આંતરડી કકળાવી છે. અમે મૌન રહી શકીએ નહીં કારણ, આ સરકાર ગરીબોની બેલી એવી સરકાર છે. ગરીબોના ઘરમાં મોંઘવારીની કાળજાળ ભીષણતાનાં કારણે ચૂલો સળગે એ માટેની આ લડાઇ છે.

મહેસૂલ તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ગરીબી હટાવવાની ઝુંબેશ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી હાથ ધરાઇ છે. લાભાર્થીઓને કચેરીએ-કચેરીએ ધક્કા ખાવા ન પડે અને તેમના હક્ક લાભ-સહાય ઘરે-ઘરે પહોંચાડવા માટે જ આ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરાયું છે. મહિલાઓ અને બાળકોના કલ્યાણ અને સશકિતકરણ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ વર્ષ ર૦૦૧માં એટલે કે રાજ્યની સ્થાપનાના ૪ર વર્ષ પછી અલગ ‘મહિલા અને બાળ કલ્યાણ' વિભાગ શરૂ કર્યો એટલું જ નહીં રાજ્યમાં ‘ગુજરાત મહિલા આયોગ'ની રચના પણ કરાઇ છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ તેમને મળેલી ભેટસોગાદોની હરાજીમાંથી મળેલી રૂ. રર કરોડની રકમ ‘મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિ'માં જમા થઇ છે અને કન્યાઓના શિક્ષણ માટે જ તે વપરાય છે. દીકરીઓને ભણાવવાની વિશેષ ચિંતા અને ચિંતન કરીને ‘કન્યા કેળવણી' અભિયાન હાથ ધરાયું છે એમ તેમણે ઉમેર્યું હતું.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ પ૦ ગરીબ કલ્યાણ મેળા યોજીને અંદાજે ર૦ લાખ લાભાર્થીઓને રૂ. ૧પ૦૦ કરોડના લાભો અપાનાર છે. ગરીબોને સીધે-સીધા લાભો પહોંચાડવાનું આ કામ સિમાચિહ્નરૂપ પૂરવાર થવાનું છે. હિંમતનગર ખાતે લોકાર્પણ પામેલું રમત-ગમત સંકુલ જિલ્લાની રમત-ગમત પ્રવૃત્તિને વ્યાપક બનાવવા માટેનું સબળ માધ્યમ પૂરવાર થશે. રાજ્યના ૧૧ જિલ્લામાં કુલ રૂ. ૩ર કરોડના ખર્ચે આવા રમત-ગમત સંકુલ બનવાના છે. ગરીબોના સર્વાંગી વિકાસ માટે સંખ્યાબંધ યોજનાઓ આ સરકારે અમલી બનાવી છે. મંત્રીશ્રીએ વિકલાંગો-ગરીબો માટે અમલી બનાવાયેલી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી.

શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીની સરકારોએ ગરીબોને લાભો આપવાની વાતો કરી છે પરંતુ પ્રવર્તમાન સરકારે ગરીબોને સાચા અર્થમાં લાભ આપવા ગરીબ કલ્યાણ મેળા યોજવાનું નક્કી કર્યું છે. ગરીબોના કામ-કલ્યાણ માટેના ર૦ મુદ્દા અમલીકરણમાં ગુજરાત છેલ્લા સાત વર્ષોથી પ્રથમ રહ્યું છે તે જ પૂરવાર કરે છે કે ગુજરાત સરકાર ગરીબોની બેલી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ગરીબોના કલ્યાણ માટેની સંખ્યાબંધ યોજનાઓ અમલી બનાવી છે. ગરીબ-જરૂરિયાતમંદોને અપાનારા લાભોમાં અવરોધ ઉભો કરનારા તત્વોને પ્રજાએ ઓળખવા પડશે. ગરીબોના કલ્યાણ માટે હાથ ધરાયેલા કામોની રૂપરેખા પણ તેમણે આપી હતી.

આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને ભીલોડા એમ ૭ તાલુકાના ૬૭,૦૩ર લાભાર્થીઓને રૂ. ૬૯ કરોડના લાભ સહાય અપાયા હતા.

રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલ આવાસ યોજનાઓ, બેંકેબલ અને સ્વરોજગાર યોજનાઓ, કૃષિ અને પશુપાલન, માતૃ બાળ કલ્યાણ, સમાજ કલ્યાણ, માનવ કલ્યાણ અને આદિજાતિ વિકાસની સંખ્યાબંધ યોજનાઓના લાભાર્થીઓને વિવિધ હેતુસર લાભ-સહાય અપાયા હતા.

જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જિલ્લામાં હાથ ધરાયેલા કામો અને રાજ્ય સરકારની યોજનાઓની રૂપરેખા આપી હતી અને સ્વાગત પ્રવચન કર્યું હતું.

જિલ્લાના વિધાયક અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી જયસિંહ ચૌહાણે આભારદર્શન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીને રૂ. ૧,૧૧,૧૧૧/-નો ચેક કન્યા કેળવણી નિધિમાં અપાયો હતો.

આ પ્રસંગે મંત્રીઓ સર્વશ્રી નિતીનભાઇ પટેલ, જયનારાયણભાઇ વ્યાસ, પરબત પટેલ, સાંસદ શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્યો સર્વશ્રી પ્રફુલભાઇ પટેલ, દીલીપસિંહ પરમાર, ઉદેસિંહભાઇ, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી પૃથ્વીરાજભાઇ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વસ્તાભાઇ મકવાણા, પૂર્વ સાંસદ અને ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી હરિભાઇ ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ, હોદ્દેદારો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
No ifs and buts in anybody's mind about India’s capabilities: PM Modi on 77th Independence Day at Red Fort

Popular Speeches

No ifs and buts in anybody's mind about India’s capabilities: PM Modi on 77th Independence Day at Red Fort
India eliminates extreme poverty

Media Coverage

India eliminates extreme poverty
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 3rd March 2024
March 03, 2024

A celebration of Modi hai toh Mumkin hai – A journey towards Viksit Bharat