મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના પ૦ વર્ષથી ઘરવિહોણા ગરીબ પરિવારોને ગરીબ કલ્યાણ મેળામાં સામે ચાલીને લાખો ચોરસ મીટર ઘરથાળની જમીન વિનામૂલ્યે આપવામાં આવી રહી છે જેની વર્તમાન બજાર કિંમત જ કરોડો-કરોડો રૂપિયાની થવા જાય છે.
"આખા ગુજરાતના ગામે-ગામ સરકારી તંત્રને દોડાવીને ગરીબોના હક્કોના લાભાર્થીઓને શોધી શોધીને સહાય આપવાની ઝૂંબેશ દેશમાં કે ગુજરાતમાં અગાઉ કોઇએ વિચારી નહોતી. અમે પ૦ દિવસમાં પ૦ ગરીબ કલ્યાણ મેળામાં ગરીબને ગરીબીમાંથી ઉપર ઉઠાવવા અભિયાન ઉપાડયું છે.''
ગરીબોને ગરીબી સામે લડવા માટેની ઇચ્છાશકિત પૂરી પાડવા માટે મુખ્યમંત્રીશ્રીએ શરૂ કરેલા ગરીબ કલ્યાણ મેળાની શ્રેણીનો ૧રમો ગરીબ કલ્યાણ મેળો આજે ખેડામાં યોજવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાના માતર, મહેમદાવાદ, મહુધા અને ખેડાના ચાર તાલુકાઓના ગામે-ગામથી આંખમાં આશાના સપના સજીને આવેલા ૩ર૯પ૪ ગરીબ લાભાર્થીઓને રૂ. ૬૦.૪૪ કરોડના સરકારી સહાય સાધનોનું વિતરણ મુખ્યમંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓએ કર્યું હતું.
વિશાળ સંખ્યામાં દૂરદૂરના ગામેગામથી ગરીબ કલ્યાણ મેળામાં ગરીબો-વંચિતો આવે છે એવું શું કૌતુક છે એની ભૂમિકા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગરીબોનું કલ્યાણ આ સરકાર કરશે એવો ભરોસો જાગ્યો છે. આ સરકારના ૩૦૦૦ દિવસનું રાજ્યમાં સૌથી લાંબામાં લાંબુ શાસન જનતાએ આપ્યું છતાં સરકારનો જયજયકાર કરવાની પરંપરાનો ચીલો છોડીને, ગરીબોના કલ્યાણની નવી દિશા લીધી છે, અને ગુજરાતના પ૦ વર્ષની ઉજવણીના અવસરને નિમિતે રાજ્યમાં ગરીબી સામે લડવા પ૦ ગરીબ કલ્યાણ મેળા યોજીને જનતા જનાર્દનનો ઋણ સ્વીકાર કરી રહ્યા છીએ એમ તેમણે જણાવ્યું હતું.
આ વિરાટ જનતાનું શમિયાણામાં જઇને અભિવાદન કર્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિકાસનું ઝરણું ગુજરાતના ગરીબના ઘર સુધી પહોંચ્યું નથી તે સ્થિતિ બદલવા, ગરીબના કલ્યાણ માટે સમગ્ર સરકારી તંત્રને દોડતું કરી દીધું છે. ‘‘આ એવું પુણ્યનું કામ છે જેનાથી ગરીબની આંતરડી ઠરીને આશીર્વાદ મળવાના છે'' એમ તેમણે જણાવ્યું હતું.
ગરીબ જનતા સાથે સીધો સંવાદ સાધતાં મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક લાભાર્થીને સંકલ્પ લેવાનું આહ્્વાન આપતા જણાવ્યું કે ઓશિયાળી જુંદગીમાંથી બહાર આવીને સરકારે ગરીબીમાંથી ઉપર આવવાનો અવસર આપ્યો છે ત્યારે પૂરી તાકાતથી ગરીબીમાંથી બહાર આવીશું.
ગરીબીમાંથી બહાર આવવા માટે શિક્ષણ સૌથી મોટું હથિયાર છે જે ગરીબ પરિવાર શિક્ષણની સુવિધાનો દીવો પ્રગટાવે છે તે ગરીબીમાંથી બહાર આવવા માટેની શકિત આપોઆપ કેળવી લે છે એમ તેમણે જણાવ્યું હતું.
કોંગ્રેસના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારની તિજોરીમાંથી નીકળતો રૂપિયો ઘસાઇ ઘસાઇને માત્ર ૧પ પૈસા ગરીબને મળે તે સ્થિતિ બદલીને સરકાર અને ગરીબ-દુઃખિયારા વચ્ચે કોઇ વચેટીયા-દલાલ રહે જ નહીં-પણ ગાંધીનગરની તિજોરીમાંથી નીકળેલો સરકારનો રૂપિયો આખેઆખો ગરીબના હાથમાં પહોંચે તેવો નિર્ધાર કર્યો છે.
વચેટીયા દલાલોની ગરીબોને લૂંટવાની કાર્યશૈલીના ભ્રષ્ટ કારોબારની ભૂમિકા આપતાં તેમણે જણાવ્યું કે ગરીબની નિરાધાર સ્થિતિનો ગેરલાભ લઇને, ગરીબના હક્કના લાભમાંથી ‘‘ઉપરવાળા સુધી હપ્તો આપવો પડશે'' એવું સમજાવીને ગરીબનું શોષણ કરનારાનો હવે ‘‘આ એક ઉપરવાળો'' હિસાબ ચૂકતે કરવા, ગરીબ કલ્યાણ મેળાનું અભિયાન લઇને નીકળ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ગરીબી નિવારણ માટેના સરકારના નિર્ધારને મૂર્તિમંત કરવા એક-એક ગરીબલક્ષી યોજનાનું સંકલન અને સર્વાંગીણ વ્યૂહરચનાની વિષદ ભૂમિકા આપી હતી.
‘‘ગરીબો માટે ગુજરાતની સરકાર પૂરી તાકાતથી એડી-ચોટીનું જોર લગાવી રહી છે અને ગરીબ પરિવાર પોતાના સપનાં સાકાર કરવા ગમે એટલો પરિશ્રમ કરી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારની સંવેદનહિન નીતિના કારણે કાળજાળ મોંઘવારીના કારણે ગરીબના સપના ચકનાચૂર થઇ રહ્યા છે'' એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ખેડા જિલ્લા પ્રભારી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ ગરીબ ઉત્કર્ષની અનેકવિધ યોજનાઓ ગર્ભથી લઇને મૃત્યુ સુધીની યોજના વર્તમાન સરકારે બનાવી છે તે લોકો સુધી પહોંચાડવાનો સેવાયજ્ઞ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જિલ્લે-જિલ્લે હાથ ધરાશે તેની રૂપરેખા આપી હતી. સ્વર્ણિમ ગુજરાતના આ વર્ષમાં પ૦ જેટલા આવા મેળાઓ દલિતો-આદિવાસીઓ અને વંચિતોના સર્વાંગી વિકાસ માટેની એક સફળ કડી બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ગુજરાતમાં નકસલવાદનો હિંસક પગપેસારો થઇ શકયો નથી કારણ કે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર સતત ગરીબોને રોટી, કપડાં અને મકાન પૂરાં પાડવાનું આયોજન કરી રહી છે તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી. તેમણે ખેડા જિલ્લા પંચાયતને માનવ જીવનના રક્ષણ માટેની ૧૦૮ સેવા જેવી અકસ્માતગ્રસ્ત અબોલ પશુઓના જીવની સુરક્ષા માટેની હાશ યોજના અમલમાં મૂકવા માટે ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
સંસદીય સચિવશ્રી સુંદરસિંહ ચૌહાણે ખેડા જિલ્લાના ૪ તાલુકાના ૩ર૯પ૪ લાભાર્થીઓને સમગ્રતયા ૬૦ કરોડ ૪૩ લાખ રૂપિયાની સહાય એક જ છત્ર નીચેથી આપવાના આ સેવાયજ્ઞની સફળતામાં મુખ્યમંત્રીશ્રીની દિર્ઘદ્રષ્ટિ અને તંત્રની અથાક મહેનતને કારણરૂપ ગણાવ્યા હતા. આજના ગરીબ કલ્યાણ મેળામાં જમીન વિહોણા ૯ર૯ લાભાર્થીઓને ૯૬ લાખની રકમના પ્લોટસ મળતાં હવે પોતાના ઘરનું સપનું સાકાર થશે તેનું શ્રેય ગરીબોના હામી મુખ્યમંત્રીશ્રીને આપ્યું હતું.
માતરના ધારાસભ્યશ્રી દેવુસિંહ ચૌહાણે સમાજ કલ્યાણનો આ અવસર એકાંગી નહીં સર્વાંગી કલ્યાણની નવી દિશા દેશ આખાને બતાવશે તેમ જણાવ્યું હતું. તેમણે મહિલા સશકિતકરણ માટેના મુખ્યમંત્રીશ્રીના અનેકવિધ કાર્યક્રમની છણાવટ કરી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાકેશ રાવ તથા રાજ્ય મહિલા આયોગ અધ્યક્ષા લીલાબહેને પ્રાસંગિક સંબોધન કર્યા હતા.
ગરીબ કલ્યાણ મેળાની આ ૧રમી શૃંખલાના પ્રારંભે શિક્ષણમંત્રીશ્રી રમણભાઇ વોરા, રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર, સંસદીય સચિવશ્રીઓ યોગેશ પટેલ, જયદ્રથસિંહ પરમાર, નાયબ દંડકશ્રી અંબાલાલ રોહિત, ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો તથા વિશાળ સંખ્યામાં મહિલાઓ, લાભાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં આ પ્રસંગે કુલ-૭ લાખ રૂપિયાના ચેક અર્પણ કરાયા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રકાશિત ‘વંચિતોના વિકાસ' પુસ્તિકાનું વિમોચન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
પ્રારંભમાં જિલ્લા કલેકટરશ્રી ડો. એસ. મૂરલી ક્રિષ્ણાએ સ્વાગત તથા સમાપનમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષા ચંન્દ્રાએ આભારદર્શન કર્યું હતું.
માહિતી બ્યુરો, ગુજરાત સરકાર