ગુજરાતની તિજોરી ઉપર કોંગ્રેસનો પંજો પડવા જ દીધો નથી તેથી જ ગુજરાતની વિકાસયાત્રા સડસડાટ ચાલી છે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ઉત્તર ગુજરાતમાં વિશાળ જનમેદનીને કોંગ્રેસની ખુરશીભકિત અને ભાજપાની દેશભકિતના મૂળભૂત ભેદ સમજીને અડવાણીજીના નેતૃત્વમાં ગુજરાતના હિતોને ન્યાય આપનારી કેન્દ્ર સરકાર રચવા આહ્વાન કર્યું હતું.શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તર ગુજરાતના રાધનપુર, ઊંઝા અને ઇડરમાં ધોમધખતા તડકામાં ઉમટેલી જનતાનું અભિવાદન કરતાં જણાવ્યું કે કોંગ્રેસની વિરૂદ્ધમાં જનજૂવાળની આંધિ ઉમટી છે કારણ કે પાંચ વર્ષમાં દેશના હિત માટે અને ગરીબોના ભલાં માટે શું કર્યું તેનો હિસાબ આપવામાં મનમોહનસિંહની સરકાર સદંતર નિષ્ફળ રહી છે. ૬૦ વર્ષ આ દેશ ઉપર કોંગ્રેસે શાસન કર્યું પણ મતબેન્કના રાજકારણથી આઝાદી પછી દેશને શકિતશાળી બનાવવાને બદલે ‘પરિવારવાદ' વકરાવ્યો છે. ડો. મનમોહનસિંહ તો આ દેશના એવા પહેલા કમજોર વડાપ્રધાન છે જેને પ્રધાનમંત્રીનું સર્વોચ્ચ પદ એક ‘પરિવારે' રહેમરાહે આપેલું છે, પ્રજાના સમર્થનથી મળ્યું નથી. ભારતની મહાન લોકશાહીની ગરિમા એનાથી ઝંખવાઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉત્તર ગુજરાતમાં ત્રણ જનસભાઓમાં કોંગ્રેસની સત્તાભૂખ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે ગુજરાતની તિજોરી ઉપર કોંગ્રેસનો પંજો તેમણે પડવા દીધો નથી અને તેથી જ સાત વર્ષથી ગુજરાતની વિકાસયાત્રા દુનિયાને ચકિત કરતી સડસડાટ આગળ વધતી જ રહી છે. ભાજપા ઉપર ભરોસો મૂકીને ગુજરાતની જનતાએ વોટબેન્કનું રાજકારણ કરનારી કોંગ્રેસને દફનાવી દીધી અને વિકાસનો રાજમાર્ગ અપનાવ્યો છે. ગુજરાત જે કરે છે તેને હિન્દુસ્તાન આખું હવે પથદર્શક માને છે, અને તેથી જ દેશની જનતા પણ મતબેન્કનું રાજકારણ ખેલનારી કોંગ્રેસને દિલ્હીમાંથી ઉખાડીને, વિકાસની રાજનીતિને માર્ગે ચાલનારી અડવાણીજીની સરકારને બેસાડવા તત્પર બની છે.
બપોર બાદ ઉત્તર ગુજરાતથી ચૂંટણી ઝૂંબેશનું શઢ ફેરવીને સૌરાષ્ટ્રમાં કેશોદ અને વેરાવળ અને ત્યાંથી સીધા મધ્ય ગુજરાતના પાદરા અને વડોદરામાં તેમણે વિઘુતવેગી પ્રવાસ ગોઠવ્યો હતો.
સોનિયા, રાહુલ અને પ્રિયંકાની ત્રિપુટીને એસ.આર.પી. તરીકે ઓળખાવતાં તેમણે માર્મિક પ્રહારો કર્યા હતા. દેશના ભલા માટે કોંગ્રેસે કાંઇ કર્યું હોય તો તેના આધારે પ્રજા પાસે મત માંગવાને બદલે અડવાણી અને મોદીને દરરોજ ભાંડીને જનતા સમક્ષ અળખામણા શા માટે થાવ છો? એક મા અને દિકરો-દિકરી દેશના વડાપ્રધાન નક્કી કરતા હોય ત્યારે પ્રધાનમંત્રી પદની ગરિમાને ચોટ પહોંચે છે એમ કહેવામાં આવે ત્યારે ડો. મનમોહનસિંહ બેબાકળા થઇને ખભા ઉછાળે છે.
કોંગ્રેસે દેશને ભરોસો નથી આપ્યો કે તેની વફાદારી દેશની જનતા સાથે છે કે ખુરશી સાચવવા તુષ્ટીકરણના રાજકારણ સાથે એવો વેધક સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.