મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ જિલ્લાના બીજા ગરીબ કલ્યાણ મેળામાં ગરીબી સામે લડવામાં ગુજરાત સરકારે સામૂહિક ધોરણે સુવ્યવસ્થિત વ્યૂહ અપનાવ્યો હોવાની જાહેરાત કરી હતી.
તેમણે ધંધુકામાં વિરાટ જનમેદનીને સંબોધતાં જણાવ્યું કે ભાલપ્રદેશના વિકાસની કાયાપલટ કરીને ગરીબોને વર્ષોજૂની ગરીબીના ખપ્પરમાંથી બહાર લાવવાનો નિર્ધાર કર્યો છે. ભાલપ્રદેશની ઉર્વરા ધરતીમાં સૌથી વધુ પ્રોટીનવાળા ઘઉં પાકે છે અને આ સરકારે બાસમતી ચોખાની જેમ ભાલના ઘઉંની ઉત્તમ ખેતીની વિશ્વ બજારોમાં બોલબાલા થાય એવી સ્થિતિ ઉભી કરવાનો નિર્ધાર કર્યો છે.
ભાલ પ્રદેશના ખારાપાટમાં ગરીબીથી બેહાલ ખેડૂતોની જમીન આજથી પાંચ-સાત વર્ષ પહેલાં કોઇ સૂંઘવા પણ તૈયાર નહોતું પરંતુ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટર્સ રિજીયનના પ્રોજેકટથી આ ખારાપાટની જમીન સોનાની લગડી જેવી બની ગઇ છે, એમ તેમણે જણાવ્યું હતું.
ધંધુકાના આ ગરીબ કલ્યાણ મેળામાં ધંધુકા, ધોળકા, બાવળા, બરવાળા અને રાણપુર એમ પાંચ તાલુકાના મળીને પ૦,૦૦૦ જેટલા ગરીબ લાભાર્થીઓને વ્યકિતગત મળવાપાત્ર એવા એકંદર રૂ. પ૦ કરોડના સાધન-સહાયનું હાથોહાથ વિતરણ મુખ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મહેસૂલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર સહિત સંસદીય સચિવશ્રીઓ સર્વશ્રી સુંદરસિંહજી ચૌહાણ, યોગેશ પટેલ અને જયદ્રથસિંહના હસ્તે કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગરીબી સામે લડવા ગરીબને માત્ર મદદ નથી કરતા પણ તેના જીવનમાં બદલાવ લાવવા ગરીબીની સમસ્યાના મૂળમાં જઇને ઉકેલો શોધ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે એક બાજુ આઝાદી પછી પહેલીવાર દેશમાં ગુજરાતની આ સરકારે ગરીબી સામે રણશિંગુ ફૂકયું છે ત્યારે કેન્દ્રની સરકારે વંચિતોના, વિકલાંગોના શિક્ષણની યોજનાઓ અચાનક બંધ કરી દીધી છે. ગરીબી સામે લડવાનું ઉત્તમ હથિયાર જ શિક્ષણ છે અને ગરીબ પરિવારમાં જન્મેલા દીકરા-દીકરીને તથા યુવાવર્ગને માટે આ સરકારે ગુજરાતમાં શિક્ષણ, વ્યવસાયી તાલીમ અને સુવિધાની વ્યવસ્થા કરી છે ત્યારે કેન્દ્રની સરકારે અપંગ વિકલાંગના શિક્ષણના દ્વાર અચાનક બંધ કરી દીધા છે.
તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાત ગરીબો માટે ખોબલે ખોબલે આપે છે અને કેન્દ્રની સરકાર મોંઘવારીના ખપ્પરમાં પીસાતી દેશની ગરીબ જનતાના હાથમાંથી સુપડે સુપડે તાણી જાય છે. ગરીબને ગરીબી સામે લડવા ગુજરાત સરકાર કોઇ પ્રયાસ બાકી રાખતી નથી પણ મોંઘવારી સામે કેન્દ્રના પેટનું પાણી પણ હાલતું નથી પરંતુ દેશની ગરીબ જનતાનો આક્રોશ જાગશે તો કેન્દ્રને ભારે પડી જવાનું છે.
મુખ્યમંત્રીશ્રીએ વ્યકિતગત મદદ-લાભાર્થીની યાદી પ્રત્યેક ગામના ચોરા ઉપર જાહેરમાં મૂકાશે તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે સાચા લાભાર્થી માટે આ પારદર્શક પદ્ધતિ ઉપકારક બનવાની છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે અમદાવાદ જિલ્લાનાં બંને ગરીબ કલ્યાણ મેળામાં મળીને ૯૧,૦૦૦ જેટલા ગરીબોને રૂ. ૧રપ કરોડના સહાયની રકમ મળી છે આનાથી ગરીબના જીવનમાં તો બદલાવ આવશે જ પરંતુ જિલ્લાના અર્થતંત્રને પણ વધુ તેજ ગતિ મળશે, તેજી આવશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભૂતકાળમાં ચૂંટણી આવે ત્યારે જ ગરીબ યાદ આવતો પણ આ સરકારે તો રાજકારણ અને ચૂંટણીના આટાપાટાને બદલે ગરીબના જીવનમાં બદલાવ લાવવાનો રસ્તો લીધો છે.
ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીને અનુરોધ કરતાં તેમણે જણાવ્યું કે ગરીબનું લૂંટી લેનારા કટકીબાજો, વચેટીયા ગરીબને ગૂમરાહ કરે છે. આવા ગરીબોના હક્કનું ઝૂંટવી જનારા ઉપરવાળાને નામે, કોઇપણ જૂઠાણું ફેલાવે તો પણ કાણી પાઇ પરખાવશો નહીં, ગાંધીનગરની તિજોરીમાંથી નીકળેલા રૂપિયાના સો એ સો પૈસા ગરીબના ઘરમાં એકપણ ઘસરકો પડયા વગર પહોંચાડવાનું સાધન એટલે ગરીબ કલ્યાણ મેળો છે એમ તેમણે જણાવ્યું હતું.
‘‘એકેએક લાભાર્થી અહીંથી સંકલ્પ કરીને જાય કે હું મારા સંતાનને ગરીબી વારસામાં નહીં આપું-ઘર શિક્ષણ, સુખશાંતિ મળે એવી ગરીબની ઇચ્છા આ સરકાર પાર પાડવા માંગે છે. ગરીબીને પરાજિત કરવા સરકારે સામે ચાલીને ગરીબ પરિવારને શકિત આપી છે,'' એમ પણ તેમણે જણાવ્યું હતું.
શમિયાણામાં ખૂલ્લી જીપમાં ફરીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જનતા જનાર્દનનો ઋણ સ્વીકાર અને અભિવાદન કર્યા બાદ જણાવ્યું કે છેલ્લા પ૦ વર્ષથી ગરીબી ગરીબના ઘરમાં ઘર કરી ગઇ છે. દર બીજા વર્ષે પાણીના દુષ્કાળના ઓળાની આફત અને બીજી બાજુ ગરીબ ઓશિયાળો રહે તો મતોના રાજકારણના ગોરખબંધા ચાલતા રહે એવી સ્થિતિએ ગરીબની દુર્દશા કરી છે.
ધંધુકા સહિતના પંથકમાં પાણીની તંગીની વિકટ સમસ્યાનું નિવારણ કરીને રૂ. રપ૦ કરોડના ખર્ચે નર્મદાની ત્રણ ત્રણ પાઇપલાઇનો નાંખીને આ સૂકી ધરતીને સુજલામ્ સુફલામ્ બનાવી છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગરીબના માથે સૌથી વધારે મુસીબતોના ડુંગર ખડકાયેલા છે અને આ સરકારે ગરીબના માથેથી ગરીબીનો બોજ મૂકત કરવા લડાઇ ઉપાડી છે. ત્રણ-ચાર પેઢીઓ ગરીબીના ખપ્પરમાં હોમાઇ ગઇ પણ રોટલો અને ઓટલો પામવાથી વંચિત રહી ગઇ. આ મૂળભૂત સમસ્યાનો ઉકેલ અને જવાબ ગરીબ કલ્યાણ મેળામાં છે.
ગરીબની માતાના કુખે જન્મેલા યુવાનને તેના પરંપરાગત વ્યવસાયની કૌશલ્ય નિર્માણની તાલીમ આપીને, ઓજારો આપીને પગભર બનાવવાની દિશા આ સરકારે બતાવી છે. ગામડાંના હસ્તકલા કારીગરોને અમદાવાદમાં જ કિંમતી જમીન ઉપર ગ્રામહાટ બનાવીને તેની કૌશલ્ય કારીગરી માટે કમાણીનો રસ્તો બતાવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગરીબની માંદગી, જીવલેણ અકસ્માત કે સગર્ભા માતાની પ્રસૂતિની કટોકટી વેળાએ ૧૦૮-એમ્બ્યુલન્સની ઇમરજન્સી સેવા સાવ મફત મળતી થઇ છે. હજારો ગરીબ પરિવારના બાળકોની આરોગ્ય તપાસણી કરીને ગંભીર રોગોની મફત સારવાર કરાવી છે. મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને જીવલેણ દર્દોની સારવાર-શસ્ત્રકિયા ગરીબ બાળકો માટે થઇ રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીના કુશળ નેતૃત્વમાં મહિલા બાળ કલ્યાણ ક્ષેત્રે હાથ ધરવામાં આવી રહેલી અનેક નવતર પહેલની ભૂમિકા આપી હતી.
શ્રીમતી આનંદીબહેને જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત જ એકમાત્ર રાજ્ય છે જેણે મહિલા કલ્યાણ-નારી સશકિતકરણ માટે અલાયદો વિભાગ અને ૧૦૦૦ કરોડનું બજેટ ફાળવીને દેશને નવો રાહત બતાવ્યો છે. ગુજરાતની વર્તમાન સરકાર નારી સશકિતકરણ દ્વારા સ્વસ્થ-તંદુરસ્ત સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે અને તેથી જ કન્યા કેળવણી રથયાત્રા, સગર્ભા માતાઓને સુખડી વિતરણ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, કૂપોષણ સામેનો જંગ જેવા જનઅભિયાનો મુખ્યમંત્રીશ્રીએ ઉપાડયા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
સ્ત્રી-પુરૂષ અસમાનતા દૂર કરવા બેટી બચાવ અભિયાનની ગુજરાતની અપ્રતિમ સફળતાથી પ્રેરિત થઇને કેન્દ્રની સરકારે સમગ્ર દેશમાં આવું અભિયાન શરૂ કર્યું છે અને ગુજરાત દેશનું દિશાદર્શક બન્યું છે તેનું સંપૂર્ણ શ્રેય તેમણે મુખ્યમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિને આપ્યું હતું.
શ્રીમતી આનંદીબેન પટેલે કન્યાઓને ઉચ્ચ અભ્યાસ માટે સહાય, મફત એસ.ટી. બસ મુસાફરીની સવલત પૂરી પાડી છે તેની વિશદ છણાવટ કરતાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાને મળતી ભેટસોગાદોની જાહેર હરાજીથી એકત્ર થયેલું ૧૯ કરોડ જેટલું માતબર ભંડોળ કન્યા કેળવણીના પ્રોત્સાહન માટે ઉપયોગમાં લેવાના જનકલ્યાણ કાર્યની વિગતો આપી હતી.
ગ્રામીણ મહિલાઓને આર્થિક પગભર કરી પરિવારના આધાર બનવાની નવિન પહેલ સખીમંડળની રચનાથી કરીને ૧ લાખ ૪ર હજાર સખીમંડળો સ્થાપ્યા છે અને ૪૦૦ કરોડ કરતાં વધુની લોન-સહાય રાજ્ય સરકારે આપી છે તેમ મંત્રી શ્રીમતી પટેલે જણાવ્યું હતું.
આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહજી ભાભોરે વંચિતોના વિકાસને વરેલા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના આ વર્ષમાં પચાસ ગરીબ કલ્યાણ મેળા દ્વારા ૧પ૦૦ કરોડની સાધન-સહાયથી વંચિતોને વિકસીતોની હરોળમાં લાવવાનો મહાયજ્ઞ ગરીબ કલ્યાણ મેળાથી આદર્યો છે તેની વિગતો સાથે પ્રાસંગિક સંબોધન કર્યું હતું.
ગરીબ કલ્યાણ મેળાની અમદાવાદ જિલ્લાની આ બીજી કડીના અવસરે સંસદીય સચિવશ્રી સુંદરસિંહ ચૌહાણ, જયદ્રથસિંહ પરમાર, યોગેશ પટેલ તથા નાયબ મુખ્યદંડકશ્રી અંબાલાલ રોહિત, સાંસદશ્રી ડો. કિરીટ સોલંકી, અમદાવાદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી, જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ તથા બાવળા, ધંધુકા, બરવાળા, રાણપૂર, ધોળકાના ગામેગામથી ગ્રામજનો ઉમટી પડયા હતા.
પ્રારંભમાં જિલ્લા સમાહર્તાશ્રી હારિત શુકલાએ સ્વાગત પ્રવચન તથા આભારદર્શન જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાહુલ ગુપ્તાએ કર્યું હતું.