મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા કેનેડાના ઉચ્ચ સ્તરીય ડેલિગેશને ગુજરાત સાથે ડાયમંડ પ્રોસેસીંગ, વેલ્યુએડેડ એગ્રોપ્રોસેસ અને પેટ્રોલિયમ એનર્જી સેકટરોમાં વિકાસ-ભાગીદારી કરવાની તત્પરતા વ્યકત કરી હતી.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કેનેડામાં વર્જિન ડાયમંડ માઇન્સના સંશોધન અભ્યાસ માટે ગુજરાતના જીઓલોજિસ્ટ અને ડાયમંડ એક્ષ્પર્ટના સભ્યો સાથેનું ડેલીગેશન મોકલવાનો નિર્ધાર દર્શાવ્યો હતો. કેનેડા અને ગુજરાત એગ્રો-પ્રોસેસ અને પલ્સીસ ઉત્પાદનો માટે પરસ્પર સંશોધન વિનિયોગ કરવા તત્પર છે અને દાંતીવાડા સહિત ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ સાથે કેનેડાની યુનિવર્સિટીના સહયોગનું નિર્માણ કરાશે. કેનેડામાં પેટ્રોલીયમ ઓઇલના વિશાળ ભંડારની સંભાવના ધ્યાનમાં લઇને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન સાથે ભાગીદારીમાં આગળ વધવા પણ સહમતી સાધવામાં આવી હતી.
ગુજરાત એટોમિક એનર્જીના પાવર પ્રોજેકટ સ્થાપવા આતુર છે અને કેનેડામાં યુરેનિયમ-ઇંધણ ઉપલબ્ધ હોવાથી આ દિશામાં પણ કેનેડા સાથે સહકાર સાધવા અંગે મુખ્યમંત્રીશ્રીએ પરામર્શ કર્યો હતો.
કેનેડાના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ એલાઇન બ્રુકો તથા અન્ય પ્રતિનિધિઓ અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ સર્વશ્રી એસ. જગદીશન, જે. પાંડિયન, પી. એન. રોયચૌધરી અને મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી કૈલાસનાથન પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.