મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે આજે અમેરિકાની કિલન્ટન કલાયમેટ ઇનિશ્યેટીવ સંસ્થાના અધ્યક્ષ શ્રીયુત ઇરા મેગ્જુનર અને તેમના બે સહયોગીઓએ (Mr. IRA MAGZINER) ગુજરાતમાં સોલાર એનર્જી પાર્ક સ્થાપવાના પ્રોજેકટ સંદર્ભમાં ફળદાયી બેઠક યોજી હતી.
કિલન્ટન કલાયમેટ ઇનિશ્યેટીવ ફાઉન્ડેશન પર્યાવરણીય ઊર્જાના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્રોજેકટની ખ્યાતિ ધરાવે છે અને ગુજરાત સરકારની સૌરશકિત ઊર્જાની પ્રોત્સાહક પહેલથી પ્રેરાઇને વિશ્વનો સૌથી મોટો ૩૦૦૦ મેગાવોટની કુલ ક્ષમતા ધરાવતો સોલાર એનર્જી પાર્ક ગુજરાતમાં સ્થાપવા રાજ્ય સરકાર સાથે સમજૂતિના કરાર કર્યા હતા. આ સૂચિત સૌર ઊર્જા પાર્કમાં વિશ્વની પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પ્રોજેકટ સ્થાપવામાં ઉમળકાભર્યો પ્રતિસાદ આપ્યો છે તેની રૂપરેખા શ્રીયુત ઇરા મેગ્ઝીનરે આપી હતી.
આ સંદર્ભમાં ઉત્તર ગુજરાત ખાતે પ્રથમ તબક્કે ૧૦૦૦ મેગાવોટની સૂર્યઊર્જા ઉત્પાદન કરવા માટેની પૂર્વ તૈયારીઓ અંગે રાજ્ય સરકાર સાથે કિલન્ટન કલાયમેટ ઇનિશ્યેટીવ પરામર્શમાં છે અને મુખ્યમંત્રીશ્રીના પ્રોત્સાહક અભિગમને તેમણે આવકાર આપ્યો હતો.
આગામી એપ્રિલઃર૦૧૦માં ગુજરાતમાં ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સ ઓન સોલાર એનર્જીનું આયોજન આ સંસ્થાએ કર્યું છે અને અમેરિકા, બ્રિટન, જર્મની, સ્પેન વગેરે દેશોના સોલાર પાવર પ્રોજેકટ ઇન્વેસ્ટર્સ, ટેકનોલોજી પ્રોવાઇડર્સ તથા પ્રોજેકટ ડેવલપર્સ, બેન્કીંગ સંસ્થાઓના ડેલીગેશન એમાં ભાગ લેવાના છે તેમાં ઉપસ્થિત રહેવા મુખ્યમંત્રીશ્રીએ સંમતિ આપી હતી.
ગુજરાત સરકારે સોલાર એનર્જી પોલિસી સાથે રાજ્યમાં કલાયમેટ ચેંજનો અલગ વિભાગ કાર્યરત કરેલો છે અને રાજ્યમાં સૌરશકિત ઊર્જાના વિકાસ સંશોધન તથા એનર્જી ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ સેકટર વિકસાવવા આતુર છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ બેઠકમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ અગ્ર સચિવશ્રી ડી. જે. પાંડિઅન, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન તથા સચિવશ્રી એ. કે. શર્માએ ભાગ લીધો હતો.