“ગુજરાતના વિકાસમાં સૌ ભાગીદાર બનીએ” આપણું એક જ લક્ષ્યઃ ગુજરાતનો વિકાસ -મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે અમદાવાદના જૂહાપુરા વિસ્તારના મુસ્લિમ સમાજના પ્રતિનિધિમંડળે સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી અને ગુજરાતના વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીએ જે પ્રગતિશીલ અભિગમ અપનાવ્યો છે તે કુશળ નેતૃત્વની પ્રસંશા કરી હતી અને રાજ્યના વિકાસ અને તરકકીમાં મુસ્લિમ સમાજ પણ સહભાગી થવા તત્પર રહેવાનો છે એવી પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીને જૂહાપુરાનું આ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિમંડળ શ્રી હબીબ મનસુરીની આગેવાનીમાં મળ્યું હતું, જેમાં સમાજસેવા, વકિલાત અને અન્ય સેવા વ્યવસાયો તથા વેપાર ઉઘોગના પ્રતિનિધિશ્રીઓએ આખા દેશમાં ગુજરાતના વિકાસનો જે પ્રભાવ ઉભો થયો છે તેનું શ્રેય મુખ્યમંત્રીશ્રીને આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના એક દાયકાના વિકાસની સિધ્ધિઓનું શ્રેય રાજ્યની જનશકિતને આપતા જણાવ્યું કે વિકાસ સિવાય કોઇ સમાજ કે દેશ શકિતશાળી બની શકે નહીં. “આપણે ગુજરાતમાં વિકાસ કરતા રહીએ અને વિકાસમાં સૌ ભાગીદાર બનીએ આ કર્તવ્યભાવ સાથે ગુજરાતમાં સૌના સહિયારા પુરૂષાર્થથી નવી ઉંચાઇએ પહોંચવું છે.” રાજકીય કાવાદાવા કરનારા ગમે તેવા અપપ્રચાર કરે આ સરકારનું એકમાત્ર લક્ષ્ય ગુજરાતના વિકાસ અને સામાન્ય માનવીના ભલા માટે અવિરત કાર્ય કરતા રહેવાનું છે એમ તેમણે જણાવ્યું હતું.